લોંકડી (Indian fox or Bengal fox) : ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળતું નાના કદનું પ્રાણી. તેનું કુળ કેનિડિસ અને શાસ્ત્રીય નામ Vulpes bengalensis છે. તે સ્થાનિક રીતે બંગાળી લોંકડી, લોંકડી, લોમડી અને લોકરી નામથી ઓળખાય છે. તેની લંબાઈ 80 સેમી. અને ઊંચાઈ 30 સેમી. જેટલી હોય છે. તેનું વજન 6 થી 7 કિલો અને આયુષ્ય 6 વર્ષનું હોય છે.
1998ની મોજણી પ્રમાણે ગુજરાતમાં કચ્છના મોટા રણ અને ઘુડખર અભયારણ્યમાં તેની સંખ્યા 145ની હોવાનું જણાયું હતું. 1999ની મોજણી પ્રમાણે કચ્છના અભયારણ્યમાં તેની સંખ્યા 180 જેટલી નોંધાઈ હતી.
સામાન્ય રીતે આ પ્રાણીનો ખોરાક દરિયાઈ જીવો, નાનાં પક્ષીઓ, ઈંડાં, મરઘાં, ફળ, સાપ-જીવાત, ઉંદર તથા ઊધઈ છે. તે સાંજથી સવાર સુધી અને ઠંડા વાતાવરણમાં દિવસે પણ જંગલ તથા તેની આસપાસનાં ગામો નજીક ફરતી જોવા મળે છે. તેના દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે. આ પ્રાણી મોટેભાગે જોડીમાં જ જોવા મળે છે. તેનો ગર્ભાધાનકાળ 50 દિવસનો હોય છે.
પોરબંદરના દરિયાકિનારે તથા ખદીર બેટ પર પડતર પથ્થરોની ખાણોમાં તે મોટી સંખ્યામાં બખોલો (dens) કરીને તેમાં વસવાટ અને પ્રજનન કરે છે. આ પ્રાણીની સંખ્યા ઘટતી જાય છે. વર્ષો પહેલાં લોંકડીની પૂંછડી મોટરકારની આગલી બેઠક સાથેના કાચ આગળ લટકાવવાની એક ફૅશન પ્રચલિત બનેલી. આ પ્રાણીના નિકંદન માટે મોટેભાગે તે ફૅશન જવાબદાર ગણાયેલી.
બળદેવભાઈ કનીજિયા