લૉવેલ, રૉબર્ટ (જ. 1 માર્ચ 1917, બૉસ્ટન; અ. 12 સપ્ટેમ્બર 1977, ન્યૂયૉર્ક) : અમેરિકન કવિ, નાટ્યકાર, નિબંધકાર અને અનુવાદક. તેમણે મુખ્યત્વે માનવી સામેના મહત્વના પડકારો અને મૂંઝવનારા પ્રશ્ર્નો તેમનાં કાવ્યોમાં વણી લીધા છે.

લૉવેલનું બાળપણ બૉસ્ટનમાં પસાર થયું. તેમનાં માતાપિતા ન્યૂ ઇંગ્લૅન્ડના પ્રતિષ્ઠિત ખાનદાનનાં સંતાન હતાં. તેમણે શિક્ષણ હાર્વર્ડમાં  અને કૅન્યન કૉલેજમાં લીધું, જ્યાં વિદ્વાન ચિંતક જૉન ક્રોવ રસેલ તેમના અધ્યાપક હતા. ઈ. સ. 1940માં લૉવેલે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને તે જ વર્ષે જીન સ્ટૅફર્ડ નામનાં મહિલા-નવલકથાકાર સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. થોડા સમય માટે તેમણે કૅથલિક ધર્મ પણ અંગીકાર કર્યો હતો.

રૉબર્ટ લૉવેલ

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્વતંત્ર વિચારસરણી ધરાવતાં કેટલાંક વાંધાજનક વિધાનો કરવા બદલ તેમને એક વર્ષ અને એક દિવસની જેલ થઈ હતી.

તેમના બીજા કાવ્યસંગ્રહ ‘લૉર્ડ વિયરિઝ કૅસલ’(1946)ને પુલિત્ઝર પ્રાઇઝથી નવાજવામાં આવેલો. તેમાં ‘ઇન ધ કેજ’ કાવ્યમાં તેમના જેલવાસના અનુભવોનો ચિતાર રજૂ થયો છે. ‘લૅન્ડ ઑવ્ અન્લાઇકનેસ’(1944)માં તેમણે આ પૃથ્વી ઉપર ઉપસ્થિત થયેલી કટોકટી અને બૌદ્ધિક અને આધ્યાત્મિક સલામતીની ઝંખનાની રજૂઆત કરી છે. ‘લૉર્ડ વિયરિઝ કૅસલ’માં લોવેલનાં બે અત્યંત પ્રચલિત કાવ્યોનો સમાવેશ થયેલ છે. ‘ધ ક્વેકર ગ્રેવયાર્ડ ઇન નૅન્ટુકેટ’ નામનું કાવ્ય બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સમુદ્રમાં લાપતા થઈ ગયેલ તેમના પિતરાઈ ભાઈ વૉરન વિન્સલો વિશે લખાયેલ કરુણપ્રશસ્તિ છે. જ્યારે ‘કોલોક્વી ઇન્ બૅક રૉક’ નામના બીજા કાવ્યમાં કૉર્પસ ક્રિસ્ટી મુકામે યોજવામાં આવેલા ઉત્સવનું વર્ણન છે.

લૉવેલે ‘મિલ્સ ઑવ્ ધ કેપાનોઝ’ (1951) પ્રસિદ્ધ કર્યું, ત્યારબાદ 1954થી તેમણે બૉસ્ટનમાં વસવાટ કર્યો. ‘લાઇફ સ્ટડિઝ’ (1959) તેમના આત્મકથનાત્મક નિબંધો છે. કવિના એકરારનામા કે કબૂલાતનામા સમાં આત્મખોજના નિચોડથી ભરપૂર એવાં 15 ‘કન્ફેશનલ કાવ્યો’ પણ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થયેલ છે. આ પૈકીના એક કાવ્ય ‘વેકિંગ ઇન બ્લૂ’માં તેમણે તેમના માનસિક રોગની હૉસ્પિટલના અનુભવની અને ‘સ્કન્ક અવર’ કાવ્યમાં તેમણે હૃદયમાં ઊઠેલા માનસિક ઉત્પાતની વાત કરી છે.

ઈ. સ. 1960ના દાયકામાં ઊપસી આવેલ નાગરિક અધિકારની ચળવળ અને યુદ્ધવિરોધી આંદોલનમાં તેઓ સક્રિય હતા. આ બાબતો તેમનાં ‘ફૉર ધ યુનિયન ડેડ’ (1964), ‘નિયર ધ ઓશન’ (1967) અને ‘નોટબુક્સ 1967-68’ (1969) કાવ્યસંગ્રહોમાં પ્રતિબિંબિત થયેલી છે. તેમાં 274 સૉનેટ કાવ્યો છે. ‘ધી ઓલ્ડ ગ્લોરી’ (1965) લૉવેલનાં ત્રણ નાટકોનો સંગ્રહ છે, જેમાં તેમણે ઇતિહાસના બદલાતા તબક્કામાં અમેરિકન સંસ્કૃતિના રંગોનું નિરૂપણ કર્યું છે. તેમણે ‘ફેદ્રા’(1963)નું અને ‘પ્રોમીથિયસ બાઉન્ડ’(1969)નું રૂપાંતર કર્યું છે. ‘ઇમિટેશન્સ’(1961)માં તેમણે જુદા જુદા યુરોપના કવિઓની કૃતિઓનું પોતાની આગવી શૈલીમાં રૂપાંતર કર્યું છે. ‘ધ વૉયેજ ઍન્ડ અધર વર્ઝન્સ ઑવ્ પોએમ્સ બાય બોદલેર’(1968)માં ફ્રાન્સના મહાન કવિ બોદલેરનાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. ‘ધ ડૉલ્ફિન્સ’(1973)માં સૉનેટમાળાની રચના છે. આ કૃતિને પુલિત્ઝર ઍવૉર્ડથી નવાજવામાં આવેલી. ‘ડે બાય ડે’ (1977) તેમનો છેલ્લો કાવ્યસંગ્રહ હતો.

અનંત ર. શુક્લ