લૉર્ડ્ઝ (મેદાન) : ઇંગ્લૅન્ડમાં લંડન ખાતે આવેલું જગમશહૂર અને પુરાતન લૉર્ડ્ઝનું મેદાન. વિશ્વના દરેક ક્રિકેટરનું તે શ્રદ્ધાસ્થાન છે. ‘ક્રિકેટના કાશી’ તરીકે તે ઓળખાય છે. દરેક ક્રિકેટરને એકાદ વાર તો લૉર્ડ્ઝ પર ક્રિકેટ રમવાની ખ્વાહિશ હોય છે.

21મી જુલાઈ 1884ના રોજ ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચ સાથે લૉર્ડ્ઝના મેદાન પર ટેસ્ટ ક્રિકેટના શ્રીગણેશ થયા હતા. 2000માં ઇંગ્લૅન્ડ-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ સાથે લૉર્ડ્ઝના મેદાન પર 100મી ટેસ્ટ રમાઈ હતી; જે યજમાન ઇંગ્લૅન્ડે જીતી હતી.

લૉર્ડ્ઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું મુખ્ય મથક છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની મુખ્ય કચેરી ત્યાં જ આવેલી છે.

યૉર્કશાયરના થૉમસ લૉર્ડ નામના એક શ્રીમંતે 1787માં ડૉરસેટ સ્ક્વેર ખાતેની જગ્યા પૉર્ટમૅન કુટુંબ પાસેથી ભાડેથી મેળવીને ત્યાં એક ક્રિકેટનું મેદાન બનાવ્યું. શરૂ શરૂમાં આ મેદાનનો ઉપયોગ માત્ર ઉનાળામાં થતો હતો અને જુદી જુદી રમતો રમાતી હતી.

દરમિયાનમાં લંડન શહેરનો વિકાસ શરૂ થતાં, શહેર-યોજના માટે 1810માં સરકારે આ મેદાનને પોતાને હસ્તક લીધું, પરંતુ થૉમસ લૉર્ડ એ કારણે હિંમત હાર્યા નહિ. તેમણે ટેમ્સ નદીના કિનારે જગ્યા લઈ બીજું મેદાન તૈયાર કર્યું. કમનસીબે ચાર વર્ષ બાદ આ મેદાન પર પણ સંકટ તૂટી પડ્યું. નદીના પાણીનું મેદાન પર આક્રમણ થયું. તેમ છતાં થૉમસ લૉર્ડ ડગ્યા નહિ. આ મેદાનથી અર્ધો માઈલ દૂર સેંટ જ્હૉન વૂડ નામના સ્થળે તેમણે નવું મેદાન બનાવ્યું; જેની લંબાઈ 178 વાર અને પહોળાઈ 152 વાર હતી. આ મેદાનની બાજુમાં જ પ્રૅક્ટિસ માટે એક એકર જગ્યા રાખવામાં આવી હતી.

પાછળથી 1825માં એમસીસી(મેરલીબોન ક્રિકેટ ક્લબ)ના એક સભ્ય વિલિયમ વૉર્ડે આ મેદાનનો કરાર પોતાના નામે કર્યો. 1835માં જ્હૉન હેન્રી ડાર્ક નામના એસ્ટેટ એજન્ટના નામે ભાડા-કરાર કરવામાં આવ્યો. ડાર્ક હોશિયાર અને દીર્ઘદૃદૃષ્ટિ ધરાવનાર માણસ હતો. તેણે આ મેદાનની કાયાપલટ કરી નાખી. ચોફેર વૃક્ષો લગાવ્યાં. પેવેલિયન તથા અન્ય ઇમારતો બનાવી. થૉમસ લૉર્ડની કાયમી સ્મૃતિ રૂપે આ મેદાન ‘લૉર્ડ્ઝ’ તરીકે ઓળખાયું અને જગમશહૂર બન્યું.

20 ઑગસ્ટ 1866ના રોજ એમસીસીએ મેદાન ખરીદી લીધું. જૂની ઇમારતો તોડીને નવી આધુનિક, અદ્યતન ઇમારતો બાંધી, અનેક સુવિધાઓ વધારી.

આ મેદાન પર સૌપ્રથમ મૅચ એમસીસી વિરુદ્ધ હાર્ટફૉર્ડશાયર ખાતે રમાઈ હતી. 21મી જુલાઈ 1884ના રોજ ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટથી ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ થયો.

લૉર્ડ્ઝના મેદાન બાબતે અંગ્રેજોમાં અપાર શ્રદ્ધાની ભાવના હોવાથી પ્રવાસી ક્રિકેટ ટીમો વિરુદ્ધની એકાદ ટેસ્ટ મૅચ તો લૉર્ડ્ઝ પર રમાય છે જ. ઇંગ્લૅન્ડમાં રમાતી મહત્વની વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટોની ફાઇનલ લૉર્ડ્ઝ પર જ રમાય છે.

લૉર્ડ્ઝ પર પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા લગભગ 30થી 35 હજારની છે.

લૉર્ડ્ઝ ખાતે ક્રિકેટનું પણ વિશાળ મ્યુઝિયમ આવેલું છે.

ભારતના શાનદાર બૅટ્સમૅન દિલીપ વેંગસરકરે 1979, 1982 અને 1986  એમ લાગલગાટ ત્રણ પ્રવાસો દરમિયાન લૉર્ડ્ઝ પર સદી ફટકારવાનું બહુમાન મેળવ્યું હતું. ઇંગ્લૅન્ડનો પૂર્વ કપ્તાન ગ્રેહામ ગૂચ લૉર્ડ્ઝ પર સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો નોંધાવવાનો વિક્રમ ધરાવે છે. 1990માં પ્રવાસી ભારત સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં ગ્રેહામ ગૂચે કપ્તાન તરીકે 333 રન નોંધાવ્યા હતા.

જગદીશ બિનીવાલે