લૉરેશિયા (Laurasia) : ઉત્તર ગોળાર્ધમાં ભૂસ્તરીય અતીતમાં એક કાળે અસ્તિત્વ ધરાવતો હોવાનું મનાતો ભૂમિખંડસમૂહ. તે આજના ઉ. અમેરિકા, યુરોપ, ગ્રીનલૅન્ડ અને ભારત સિવાયના ઉ. એશિયાઈ ખંડોના જોડાણથી બનેલો હતો. ભૂસ્તરવિદો જણાવે છે કે તે કાર્બોનિફેરસ કાળના અંત વખતે ભંગાણ પામ્યો અને ઉત્તર ગોળાર્ધમાં આજે જોવા મળતા મુખ્ય ખંડવિભાગોમાં વિભાજિત થયો. આ મહાખંડને સમકક્ષ પણ તેનાથી મોટો ગાડવાના ખંડસમૂહ દક્ષિણ ગોળાર્ધમાં હતો. આથી પણ અગાઉ લૉરેશિયા અને ગાડવાના ભૂમિસમૂહોના જોડાણથી બનેલો જે એક જ ખંડસમૂહ હતો તેને પૅન્જિયા નામથી ઓળખવામાં આવે છે. (જુઓ પૅન્જિયા.)

લૉરેશિયાનો નકશો

ડેવોનિયન કાળ(40 કરોડથી 34.5 કરોડ વર્ષ વ. પૂ.)માં ખંડોની સ્થિતિ આજે જે રીતની જોવા મળે છે તે કરતાં તદ્દન જુદી હતી (જુઓ આકૃતિ). પ્રાચીન ચુંબકત્વ અને ભૂસ્તરીય પુરાવા દર્શાવે છે કે યુરોપ, ગ્રીનલૅન્ડ અને ઉત્તર અમેરિકા ઉત્તર ગોળાર્ધસ્થિત લૉરેશિયા નામે ઓળખાતા એક સંયુક્ત ભૂમિસમૂહ-સ્વરૂપે હતા, જેની અક્ષાંશસ્થિતિ અયનવૃત્તીય (tropical) હતી. એ જ રીતે આજના ભારત, ઑસ્ટ્રેલિયા, ઍન્ટાર્ક્ટિકા અને આફ્રિકા તેમજ દ. અમેરિકા, દક્ષિણ ગોળાર્ધસ્થિત ગાડવાના નામે ઓળખાતા એક સંયુક્ત ભૂમિસમૂહ-સ્વરૂપે હતા. દક્ષિણ ધ્રુવ સંભવત: દક્ષિણ આફ્રિકા અથવા ભેગા રહેલા દક્ષિણ અમેરિકાના દક્ષિણ ભાગમાં કોઈ એક જગાએ હતો. ઉ. આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વિષૃવવૃત્તની ખૂબ જ નજીક હતા.

આ ખંડોના વિશાળ ભાગો પર દરિયાઈ જળનો વ્યાપ વધારે હતો અને તેથી પૃથ્વીની ત્રિજ્યા આજે છે તે કરતાં જો ઓછી ન હોય તો કહી શકાય કે પૃથ્વીના પટનો ઘણો વિસ્તાર આજે છે તે કરતાં પ્રમાણમાં દરિયાથી વધુ આચ્છાદિત હતો.

ખંડીય પ્રવહનની સંકલ્પના મુજબ, ક્રિટેશિયસના પ્રારંભ વખતે પૃથ્વીના પટ પર ભૂમિ અને જળની વહેંચણીના સંદર્ભમાં મુલવણી કરતાં નજીક નજીક રહેલા ચાર ભૂમિસમૂહો અને ઘણો વિશાળ વિસ્તાર આવરી લેતા પૅસિફિક મહાસાગરનું અસ્તિત્વ હતું. ભૂમિસમૂહો પૈકી (1) દક્ષિણ અમેરિકા અને આફ્રિકા જોડાયેલા હતા, (2) ભારતીય ભૂમિભાગ તેની પૂર્વમાં અલગ હતો, (3) ઍન્ટાર્ક્ટિકા અને ઑસ્ટ્રેલિયા જોડાયેલા હતા, (4) ઉ. અમેરિકા ગ્રીનલૅન્ડની આરપાર થઈને યુરોપ-એશિયા સાથે જોડાયેલો હતો. ચોથા ક્રમવાળા આ ઉત્તરના ભૂમિસમૂહને ભૂસ્તરવિદો લૉરેશિયા તરીકે, જ્યારે બાકીના ત્રણ ભૂમિસમૂહ વિભાગોને સામૂહિક રીતે ગાડવાના ખંડ તરીકે ઓળખાવે છે. લૉરેશિયા અને ગાડવાના એ વખતે આજની સ્પેન-મોરૉક્કોની સ્થિતિ જ્યાં છે તે સ્થાને એકબીજાને લગભગ અડોઅડ હતા. આ સ્થાનથી પૂર્વ તરફ જતાં સાંકડો દરિયાઈ માર્ગ (ટીથિસ સમુદ્ર) પૅસિફિક મહાસાગર તરફ વિસ્તરેલો હતો, જેનાથી લૉરેશિયાનો યુરેશિયાઈ ભાગ, ગાડવાનાનો આફ્રિકી વિભાગ તેમજ ભારત અલગ પડતા હતા. પૅસિફિકનો બીજો એક વધુ પહોળો ફાંટો આજના મધ્ય અમેરિકાની આરપાર પસાર થઈને વિસ્તરેલો હતો, જેનાથી ઉત્તર ઍટલૅન્ટિક મહાસાગર બનેલો હતો, જે વર્તમાન બ્રિટિશ ટાપુઓ સુધી વિસ્તરેલો હતો.

જુરાસિકના અંત વખતે દક્ષિણ અમેરિકાને આફ્રિકાથી છૂટી પાડતી ફાટ પડવાની શરૂઆત થયેલી, ફાટનો પ્રારંભ દક્ષિણ તરફથી થયેલો. ક્રિટેશિયસની શરૂઆત સુધીમાં તો તે આજના નાઇજીરિયા સુધી પ્રસરી ચૂકી હતી. એક ફાટ નાઇજીરિયાથી વિકસીને વાયવ્ય તરફ ઉ. ઍટલૅન્ટિક મહાસાગરમાં જતી હતી. ઉત્તર અમેરિકા પશ્ચિમ તરફ અને આફ્રિકા ઉત્તર તરફ ખસતા જતા હતા. અંતિમ ક્રિટેશિયસના પ્રારંભમાં તો આ બધા લગભગ અલગ થઈ ચૂક્યા હતા. આ બધાની અગાઉ એક ફાટ તત્કાલીન ઍટલૅન્ટિકની મધ્યમાં વિકસેલી (જેમ જેમ ઉ. અમેરિકા પશ્ચિમ તરફ ખસતો હતો તેમ તેમ). તેણે યુરેશિયાથી ગ્રીનલૅન્ડને અલગ પાડી દીધેલું. આ રીતે ક્રિટેશિયસના અંત સુધીમાં તો, માડાગાસ્કર આફ્રિકાથી અને ઑસ્ટ્રેલિયા ઍન્ટાર્ક્ટિકાથી જુદા પડી ગયા હતા અને ભારત ઉત્તર તરફ આજની સ્થિતિ માટે પ્રયાણ કરી ચૂક્યું હતું.

ગિરીશભાઈ પંડ્યા