લૉરેન્સ, ડેવિડ હર્બર્ટ (જ. 11 સપ્ટેમ્બર 1885, ઇસ્ટવુડ, નૉટિંગહામશાયર, ઇંગ્લૅન્ડ; અ. 2 માર્ચ 1930, વૅન્સ, એન્તિબ, ફ્રાન્સ) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નિબંધકાર અને ટૂંકી-વાર્તાકાર. ‘લેડી ચૅટર્લીઝ લવર’ (1928) નવલકથા દ્વારા વિશ્વવિખ્યાત. કેટલાક દેશોમાં આ નવલકથાને અશ્ર્લીલ ગણી તેના પ્રકાશન પર પ્રતિબંધ મૂકવામાં આવેલો. પિતા કોલસાની ખાણમાં કામ કરતા અને માતા શિક્ષિકા હતાં. તેમનાં પાંચ સંતાનોમાંના એક. માતાએ તેમના ઉછેરમાં ખાસ રસ દાખવેલ. શિક્ષણ નૉટિંગહામ હાઈસ્કૂલમાં. થોડો વખત કારકૂન અને શિક્ષકની નોકરી કરી. 21મે વર્ષે નૉટિંગહામની યુનિવર્સિટી કૉલેજમાં. 1908માં ડેવિડસન રોડ સ્કૂલમાં શિક્ષક તરીકે નિમાયા હતા. જાણીતા લેખક અને પત્રકાર ફૉર્ડ મૅડૉક્સ ફૉર્ડ તેમના મિત્ર-પ્રશંસક હતા. ‘ધ વ્હાઇટ પીકૉક’ (1911) તેમની પ્રથમ નવલકથા હતી, જ્યારે ‘ધ ટ્રેસપાસર’ (1912) બીજી. ફ્રીડા વીકલી નામની, પોતાના પ્રાધ્યાપકની પત્ની સાથે 1912માં તેઓ જર્મની ભાગી ગયેલા અને 1914માં તેની સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા. તેમની ‘સન્સ ઍન્ડ લવર્સ’(1913)ના વાચકો ઘણાબધા હતા. શરૂઆતના જીવનની સાંભરણોથી આત્મવૃત્તાંત બની જતી આ નવલકથામાં પિતા પ્રત્યે કટુતાનો ભાવ વ્યક્ત થયો છે. જોકે પાછળથી પિતાને ઓળખવામાં પોતાની ભૂલ થઈ હોવાનું લૉરેન્સને સમજાયું હતું. ‘ધ પ્રશિયન ઑફિસર ઍન્ડ અધર સ્ટોરિઝ’ (1914) તેમની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ‘ઇંગ્લૅન્ડ, માઇ ઇંગ્લૅન્ડ’ (1922) અને ‘ધ વુમન હૂ રોડ અવે’ (1928) ટૂંકી વાર્તાઓના બીજા સંગ્રહો છે. ‘લવ પોએમ્સ ઍન્ડ અધર્સ’ (1913) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. પ્રથમ વિશ્વયુદ્ધનો અનુભવ તેમને ‘રૅનાનિમ’ નામના આદર્શ સમાજ(Utopia)ની કલ્પનામાં દોરી ગયો. ‘કાંગારૂ’(1923)માં યુદ્ધે સરજેલી કારમી પરિસ્થિતિઓનું બયાન કરે છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લૅન્ડમાં તેમને આલ્ડસ હક્સલી અને તેમનાં પત્ની મારિયા, ડી. ગાર્નેટ, લેડી ઓ. મૉરેલ, જે. એમ. મરી અને કૅથરિન મૅન્સફીલ્ડ, આલ્ડિંગ્ટન અને બર્ટ્રાન્ડ રસેલ સાથે મૈત્રી થયેલી. આમાં રસેલ સાથેની મૈત્રી પાછળથી ભાંગી પડેલી. તેમનાં પત્ની જર્મન છે એમ જાણતાં પોલીસ તેમની પાછળ પડી ગયેલી. આ સમય દરમિયાન ફ્રીડા સાથે કે એકલા તે ઇટાલી, જર્મની અને ઑસ્ટ્રિયામાં ઘૂમતા રહ્યા. તેમની નવલકથાઓ ‘ધ લૉસ્ટ ગર્લ’ (1920) અને ‘વિમેન ઇન લવ’ (1921) પ્રસિદ્ધ થઈ. ‘ધ લૉસ્ટ ગર્લ’ને જેમ્સ ટેટ બ્લૅક મેમૉરિયલ પ્રાઇઝ એનાયત થયું હતું. સમગ્ર જીવનકાળ દરમિયાન લૉરેન્સને સાંપડેલું આ એકમાત્ર ઇનામ હતું. ‘ફૅન્ટાસિયા ઑવ્ ધી અનકૉન્શિયસ’ (1922) માનસશાસ્ત્રીય પૃથક્કરણો પર લખાયેલો મહાનિબંધ છે. ‘એરન્સ રૉડ’ (1922) નવલકથા છે. 1922માં ધનાઢ્ય અમેરિકન સન્નારી મેબલ ડૉજના નિમંત્રણથી તે અમેરિકા ગયા. વચમાં મેક્સિકો રહ્યા, પછી ન્યૂયૉર્ક ગયા. આ સંઘર્ષમાંથી કોઈ નવો આદર્શ સમાજ રચવાની ખેવના તેમને પજવતી જ રહી.
‘સેંટ મૉર’ (1925) ટૂંકી નવલકથા છે. ‘ધ પ્લૂમ્ડ સર્પન્ટ’ (1926) મેક્સિકોના અનુભવનું બયાન કરે છે. જૉન મિડલટન મરીની મૈત્રી ઝાઝો સમય ટકી ન શકી. ‘લેડી ચૅટર્લીઝ લવર’માં લેખક પુરુષ અને સ્ત્રીના સંબંધને નવા સંદર્ભમાં જુએ છે. ફ્લૉરેન્સ અને પૅરિસમાં તેની થોડીક નકલો પ્રસિદ્ધ થઈ. 1932માં ઇંગ્લૅન્ડમાં તે નવલકથા પ્રસિદ્ધ થઈ, પરંતુ ન્યૂયૉર્ક સિટી અને લંડનમાં 1960માં તે છડેચોક સાંગોપાંગ પ્રસિદ્ધ થઈ. ‘રેગિના વિરુદ્ધ પેન્ગ્વિન બુક્સ લિ.’ના દાવાએ જગતભરના વાચકોનું ધ્યાન ખેંચ્યું. સ્ત્રીપુરુષના યૌન સંબંધો માટે આ નવલકથામાં વપરાયેલા કેટલાક ખુલ્લા, અભદ્ર શબ્દો માટે વકીલો દ્વારા તરેહ-તરેહની રજૂઆતો થઈ. તેમનાં ચિત્રોના પ્રદર્શન પર લંડનમાં પ્રતિબંધ મુકાયો. આમાંથી તેમણે ‘નેટલ્સ’ (1930) કટાક્ષકાવ્યો લખ્યાં. ટી.બી.નો જીવલેણ વ્યાધિ તેમને લાગુ પડ્યો હતો. છેલ્લે તેમણે ‘એપૉકેલિપ્સ’ (1931) લખ્યું.
તેમના સાહિત્યેતર સર્જનમાં ‘મૂવમેન્ટ્સ ઇન યુરોપિયન હિસ્ટરી’ (1921), ‘સાઇકોએનૅલિસિસ ઍન્ડ ધી અનકૉન્શિયસ’ (1921), ‘ફૅન્ટાસિયા ઑવ્ ધી અનકૉન્શિયસ’ (1922) નોંધપાત્ર છે. ‘ધ બૉય ઇન ધ બુશ’ (1924) તેમણે એમ. એલ. સ્કિનના સંદર્ભમાં લખેલી નવલકથા છે.
તેમનું વ્યક્તિત્વ બહુમુખી અને સંકુલ (complex) પ્રકારનું હતું. ‘ધ રેઇનબો’ અને ‘વિમેન ઇન રોમ’ તેમની મોટા ફલક પર લખાયેલી નવલકથાઓ છે. લગ્નજીવનના સ્ત્રીપુરુષ-સંબંધોની તેમની રજૂઆતમાં સચ્ચાઈના રણકાનાં અને પ્રશંસનીય બહાદુરીનાં દર્શન થાય છે.
‘લુક ! વી હૅવ કમ થ્રૂ’ (1917), ‘બર્ડ્ઝ, બીસ્ટ્સ ઍન્ડ ફ્લાવર્સ’ (1923) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. તેમના ચેતનાથી ધબકતા પત્રોની નોંધ લેવી ઘટે. તેમાંથી અનેક વિષયોમાં રાચતા તેમના સંઘર્ષમય જીવનની સાચી છબી મળે છે. બહુઆયામી માનવને રજૂ કરવાની તેમની મથામણ તેમના સમગ્ર સાહિત્યમાં છે.
વિ. પ્ર. ત્રિવેદી