લૉરેન્સ ઑવ્ અરેબિયા : ઑસ્કાર વિજેતા ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. રંગીન. નિર્માણ-વર્ષ : 1962. નિર્માણ-સંસ્થા : હોરાઇઝન પિક્ચર્સ પ્રોડક્શન્સ. નિર્માતા : સામ સ્પીગલ. દિગ્દર્શક : ડેવિડ લીન. પટકથા : રૉબર્ટ બોલ્ટ. કથા : ટી. ઇ. લૉરેન્સના પુસ્તક ‘ધ સેવન પિલર્સ ઑવ્ વિઝડમ’ પર આધારિત. છબિકલા : ફે્રડી એ. યંગ. સંગીત : મૉરિસ જૅર. મુખ્ય કલાકારો : પીટર ઓ’ટૂલ, ઍલેક ગિનેસ, ઍન્થની ક્વીન, જેક હૉકિન્સ, ઓમર શરીફ, જોસ ફેરર.
લેખક અને સાહસવીર ટી. ઇ. લૉરેન્સની જીવનકથાને દિગ્દર્શક ડેવિડ લીને પડદા પર લખલૂટ ખર્ચે ઉતારવાનું પણ એક સાહસ જ કર્યું છે. આજે પણ સમીક્ષકો કહે છે કે અફાટ રણને પૃષ્ઠભૂમિ તરીકે રાખીને, વાર્તામાં પ્રણયકથાનું મુદ્દલ તત્વ ન હોય અને એક પણ સ્ત્રી-પાત્ર ન હોય એવી ફિલ્મ કરોડો ડૉલરના ખર્ચે બનાવવાની કોઈ કલ્પના પણ ન કરી શકે તે સમયે લીને આ ચિત્રનું વિશાળ ફલક પર સર્જન કર્યું હતું. ચિત્રનો પ્રારંભ લૉરેન્સના અકસ્માત્ મૃત્યુથી થાય છે. 1935માં માર્ગ-અકસ્માતમાં તેઓ માર્યા ગયા હતા. સ્વભાવે સાહસિક લૉરેન્સ પ્રથમ વિશ્વયુદ્ધના સમયે લશ્કરમાં જોડાયા હતા. તેનું કારણ પણ કંઈક સાહસ કરવા મળશે એ જ હતું; પણ તેમને કામગીરી ટેબલ પર બેસીને કારકુની કરવા જેવી મળી. આ નીરસ કામથી કંટાળેલા લૉરેન્સની બદલી અરબસ્તાનમાં થાય છે. ત્યાં એ સમયે તુર્કોનું શાસન હોય છે. એ ભૂમિનો કબજો આરબોને મળે તે માટે બળવાખોર આરબોને લૉરેન્સ પ્રોત્સાહિત કરે છે. તે સાથે અંદરોઅંદર ઝઘડતાં આરબ-જૂથોને એક કરવા પણ પ્રયત્નશીલ રહે છે. પ્રિન્સ ફૈઝલે મોકલેલા માણસોની મદદથી લૉરેન્સ અને શરીફ અલી નેફુડનું ધગધગતું રણ પાર કરે છે અને તુર્ક શાસક ઔદા અબુ તાયીના કબજામાંથી એક્યુબા બંદરનો કબજો મેળવે છે. તેઓ જ્યારે કેરો પરત ફરે છે, ત્યારે જનરલ ઍલનબી લૉરેન્સને અરબસ્તાનમાં તેમણે હાથ ધરેલી કામગીરી ચાલુ રાખવા કહે છે; કારણ કે લૉરેન્સ એકમાત્ર એવા બ્રિટિશર છે, જેમના પર આરબોને ભરોસો છે. એ પછી હથિયારો, સૈન્ય અને નાણાંના જોરે લૉરેન્સ ગેરીલા યુદ્ધ શરૂ કરે છે. આ યુદ્ધ દરમિયાન લૉરેન્સ તુર્કોના હાથમાં સપડાઈ જાય છે અને તેમના પર ભારે અત્યાચારો કરાયા બાદ તેમને મુક્ત કરી દેવાય છે. લૉરેન્સ કેરો પરત આવે છે ત્યારે તેમને એક નવી કામગીરી સોંપવામાં આવે છે. દમાસ્કસ પર હુમલો કરવાનો છે અને આરબોને ‘અલ ઑરેન્સ’ની જરૂરિયાત છે. આરબો ‘લૉરેન્સ’નો ઉચ્ચાર ‘અલ ઑરેન્સ’ કરતા હતા. લૉરેન્સ દમાસ્કસ જાય છે અને ત્યાં એક આરબ-પરિષદની સ્થાપના કરાય છે; પણ આરબો વચ્ચેની અંદરોઅંદરની લડાઈ ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પરિષદ વિખેરી નાંખવી પડે છે. જનરલ ઍલનબી અને પ્રિન્સ ફૈઝલ એક સંધિ કરવા પ્રયાસ કરે છે ત્યારે પોતે સદંતર નિષ્ફળ ગયા હોવાની લાગણી સાથે લૉરેન્સ ઇંગ્લૅન્ડ પાછા ફરે છે. કોઈ પણ ચિત્રસર્જકને જરાય રસ ન પડે એવા આ કથાનક પરથી ડેવિડ લીને બનાવેલા આ ચિત્રમાં રણનાં અદભુત દૃશ્યો છે. 70 એમએમની ફિલ્મ પર જ આ ચિત્રનું શૂટિંગ કરાયું હતું. આ બાબત ઉલ્લેખનીય એટલા માટે છે કે એ સમયે 35 એમએમ પર શૂટિંગ કરીને તેને 70 એમએમમાં ફેરવી નાંખવાનું શરૂ થઈ ચૂક્યું હતું.
આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ છબિકલા, શ્રેષ્ઠ સંગીત, શ્રેષ્ઠ સંપાદન, શ્રેષ્ઠ ધ્વનિ અને શ્રેષ્ઠ કલા-નિર્દેશન મળીને કુલ સાત ઑસ્કર મળ્યા હતા; જ્યારે પીટર ઓ’ટૂલને શ્રેષ્ઠ અભિનેતાનું, ઓમર શરીફને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું, રૉબર્ટ બોલ્ટને શ્રેષ્ઠ પટકથાલેખનનું ઑસ્કર-નામાંકન મળ્યું હતું. પીટર ઓ’ટૂલે આ ચિત્રમાં પ્રથમ વાર જ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી. 1989માં આ ચિત્રની સુધારેલી આવૃત્તિ પણ પ્રદર્શિત કરાઈ હતી, જેમાં વર્ષોથી કાપકૂપ કરાયેલાં દૃશ્યોને પણ ઉમેરવામાં આવ્યાં હતાં.
હરસુખ થાનકી