લૉરેન્શિયન પર્વતો

January, 2005

લૉરેન્શિયન પર્વતો : ક્વિબેક(કૅનેડા)ના અગ્નિ ભાગમાં વિસ્તરેલી ઓછી ઊંચાઈ ધરાવતી ગિરિમાળા. તે આ વિસ્તારના દક્ષિણ ભાગમાંથી પસાર થતી સેન્ટ લૉરેન્સ નદીના હેઠવાસના વાયવ્ય કાંઠા નજીક આવેલી છે. તેની સરેરાશ ઊંચાઈ 240 મીટર જેટલી છે. આ ગિરિમાળા પ્રાચીન ભૂસ્તરીય કાળમાં વધુ ઊંચાઈ ધરાવતી હતી; પરંતુ ઘણા લાંબા કાળગાળા સુધી ઘસાતી રહીને છેલ્લા હિમયુગ સુધીમાં લગભગ ધોવાણની સમભૂમિમાં ફેરવાયેલી અને આજે તે અવશિષ્ટ ટેકરીઓમાં ફેરવાઈ છે, તેમ છતાં તેમાં મધ્યમ ઊંચાઈનાં કેટલાંક અવશિષ્ટ શિખરો જોવા મળે છે; તે પૈકીનું એક શિખર 778 મીટરની ઊંચાઈ ધરાવે છે. સેન્ટ લૉરેન્સ નદીપટમાંથી તેનું દૃશ્ય હારમાળા જેવું જણાય છે, પરંતુ તેની ટોચ પરથી જોતાં તે માત્ર નાની ટેકરીઓના જૂથ જેવું લાગે છે. વળી આ વિસ્તાર નાની નદીઓથી છેદાયેલો તેમજ સરોવરોવાળો બની રહેલો છે. તેના ઢોળાવો પરથી નીકળતી નદીઓ સેન્ટ લૉરેન્સ નદીને મળે છે. અહીં સાગ્વેનેય નદીએ ઊંડાં કોતરો કોરી કાઢેલાં છે. આ ગિરિમાળા ઓછી ઊંચાઈવાળી હોવા છતાં સેન્ટ લૉરેન્સ નદીમાંથી તેનાં દૃશ્યો જોવા જેવાં છે.

અહીંનો આ આખોય પહાડી વિસ્તાર ગીચ જંગલો, ઘણાં સરોવરો તેમજ ઝડપી નદીઓવાળો બની રહેલો છે. તે ખનિજોથી પણ સમૃદ્ધ છે. અહીં લાકડાં કાપવાના, કાગળનો માવો બનાવવાના, કાગળની મિલોના, ખાણકાર્યના અને જળવિદ્યુતના એકમો વિકસ્યા છે. અહીં લૉરેન્ટાઇડ પાર્ક અને મૉન્ટ ટ્રેમ્બ્લાન્ટ પાર્ક તૈયાર કરાયેલા છે, જ્યાં ઉનાળુ-શિયાળુ રજાઓ ગાળવા મૉન્ટ્રિયલ અને ક્વિબેકથી આવનારા પ્રવાસીઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે.

‘લૉરેન્શિયન’ નામ ઘણી વાર તો કૅનેડિયન ભૂકવચ (લૉરેન્શિયન ભૂકવચ) માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ ભૂકવચ પૂર્વ કૅનેડા સુધી વિસ્તરેલું છે અને લૉરેન્શિયન પર્વતો તેનો એક ભાગ બની રહેલા છે.

ગિરીશભાઈ પંડ્યા