લૉરેન્ઝેતી, એમ્બ્રોજિયો

January, 2005

લૉરેન્ઝેતી, એમ્બ્રોજિયો (જ. આશરે 1290, સિયેના, ઇટાલી; અ. 1348, ઇટાલી) : ઇટાલિયન ગૉથિક ચિત્રકાર. ગોથિક ચિત્રકલાની સિયેનીઝ શાખાની ત્રિપુટીમાં એનું સ્થાન સિમોની માર્તિની અને ડુચિયોની સાથે છે. એણે ચીતરેલાંમાંથી માત્ર છ જ ચિત્રો બચ્યાં છે. એ ચિત્રો તેર વરસના ગાળામાં ચીતરાયેલાં છે. આ ચિત્રોમાં ફ્લૉરેન્સના ઉફીત્ઝી મ્યુઝિયમમાંનાં 1,332માં ચિત્રિત ‘સેંટ નિકોલસ ઑવ્ બેરી’નાં ચાર દૃશ્યો, સિયેના નગરના પેલાત્ઝો પુબ્લીચિયો(પબ્લિક પૅલેસ)માંનું 1337થી 1339 સુધીમાં ચીતરેલું ભીંતચિત્ર ‘ગવર્નન્સ ઑવ્ ગુડ ઍન્ડ બેડ ગવર્નમેન્ટ્સ’ તથા ઉફીત્ઝી મ્યુઝિયમમાંનું 1342માં ચિત્રિત ‘પ્રેઝન્ટેશન ઑવ્ ક્રાઇસ્ટ ઇન ધ ટેમ્પલ’ અને સિયેનાના રાષ્ટ્રીય સંગ્રહાલય ‘પિનાકોતીકા નેસીયાનાલે’માં રહેલું અને 1344માં ચીતરેલું ‘એનન્સિયેશન’ સમાવેશ પામે છે.

એમ્બ્રોજિયો લૉરેન્ઝેતીએ ચીતરેલું ચિત્ર : એનન્સિયેશન

એનાં ચિત્રોની શૈલી જોતાં એવું લાગે છે કે એણે ડુચિયો, ડુચિયોના ભાઈ પિયેત્રો તથા જ્યોત્તો પાસે તાલીમ મેળવી હોવી જોઈએ; પણ ઝીણી ઝીણી વિગતોનાં આલેખનોથી એનાં ચિત્રો એ ત્રણેય સંભવિત ગુરુઓથી નોખાં તરી આવે છે. પ્રાચીન ગ્રેકોરોમન કલાકૃતિઓનો પણ તેણે અભ્યાસ કર્યો હોય એવું તેનાં ચિત્રો પરથી અનુમાન કરવામાં આવે છે. ઘણે ઠેકાણે એરિયલ પર્સ્પેક્ટિવ (ઉપરથી દેખાતો પરિપ્રેક્ષ્ય) પણ તેણે ચીતર્યો છે. એનો મોટો ભાઈ પિયેત્રો પણ પ્રખ્યાત ચિત્રકાર હતો.

અમિતાભ મડિયા