લૉમેત્ઝો, જિયોવાની પાઓલો (જ. 1538, મિલાન, ઇટાલી; અ. 1600) : મેનરિસ્ટ શૈલીનો ઇટાલિયન ચિત્રકાર અને કલા-ભાષ્યકાર. મેનરિસ્ટ ચિત્રકાર ગ્વોદેન્ઝિયો ફેરારી પાસે તેણે તાલીમ લીધેલી. 1517માં તેત્રીસ વરસની ઉંમરે તે અંધ થઈ જતાં તેની ચિત્રકાર તરીકેની કારકિર્દીનો અંત આવી ગયો. પછીની જિંદગી તેણે કલાના સિદ્ધાંતો પર વિચારણા કરવામાં ગાળી; જેના પરિપાક રૂપે તેણે ભાષ્યાત્મક પુસ્તક લખ્યું : ‘લાર્તે દેલ્લા પિચ્ચુરા’ (L’Arte della Pittura) (ચિત્રની કલા). 1584માં મિલાનમાં તે પ્રકાશિત થયું. મેનરિસ્ટ શૈલીનું તે શ્રેષ્ઠ પુસ્તક – ‘બાઇબલ’ ગણાયું. 1598માં ઑક્સફર્ડના ડૉક્ટર-ફિઝિશિયન રિચાર્ડ હેડોકે તેનો અંગ્રેજી અનુવાદ કરી પ્રકાશિત કર્યો.
લૉમેત્ઝોએ પ્રારંભિક જીવનમાં આલેખેલું આત્મચિત્ર એની શ્રેષ્ઠ કૃતિઓમાંનું એક ગણાય છે. તેણે ઇટાલિયન ભાષામાં કવિતા પણ લખી છે.
અમિતાભ મડિયા