લૉન (lawn) : વ્યવસ્થિત રીતે કાતરેલા ઘાસવાળી હરિયાળી ભૂમિ. દરેકને આવી લીલી-પોચી લૉન ઉપર ચાલવાનું, બેસવાનું અને તે જોવાનું ગમે છે. સામાન્ય રીતે ઊગતા ઘાસને, આવું એકસરખું લીલુંછમ રાખવું એ પણ એક કળા છે. આ માટે મુખ્યત્વે ધરો (cynodon dactylon દુબ, દૂર્વા; કુળ : પોએસી ઘાસ) વપરાય છે. વિશ્વમાં cynodonની 11 જાતિઓ થાય છે. તે પૈકી પાંચ જાતિ ભારતમાં નોંધાઈ છે. આ પૈકી કુમળી ડાળીઓ ઉપર આછો ગુલાબી રંગ ધરાવતી જાતિ લૉન માટે ઘણી સરસ છે. લૉન રોપવા માટે એ ઘાસના કટિંગ કે મૂળમાંથી નીકળેલા રોપા વપરાય છે. એટલે સારી થયેલી લૉનના રોપા લાવવા ઇચ્છનીય છે. રોપા ન મળી શકે ત્યાં તે બીજથી પણ ઉછેરી શકાય છે, પણ બીજમાંથી એની જાત કેવી નીકળશે એ કહેવું મુશ્કેલ છે. બીજ માટે દર સો ચોરસ મીટરે અર્ધાથી પોણો કિલો બીજ જોઈએ. બીજ ખૂબ બારીક હોવાથી એકસરખા ફેલાય તેની કાળજી રાખવી જરૂરી હોય છે. શિયાળામાં લૉનનો આરામનો સમય હોય છે. તેથી શિયાળો ગયા પછી લૉન રોપવામાં આવે છે. એકદમ ગરમીમાં પણ લૉન રોપાતી નથી, કારણ કે કલમને મૂળ ફૂટે ત્યાર પહેલાં એ ગરમીથી સુકાઈ જાય છે.
જ્યાં લૉન રોપવાની હોય તે જગ્યા 30 સેમી.થી 40 સેમી. જેટલી ખોદીને એમાંથી રોડાં-કાંકરા-ઘાસ છોડનાં જડિયાં, બધું કાઢી નાખી 5 સેમી.થી 7 સેમી.નો થર થાય એટલું છાણિયું ખાતર જમીન સાથે ભેળવીને જરૂર પડે તો કાંપની માટી ઉમેરીને એક સમતલ બનાવી 10થી 15 દિવસ રોજ પાણી આપવામાં આવે છે. આમ કરવાથી ખાતરમાં આવેલાં બીજ ઊગી નીકળે છે. તે કાઢી નાખવાથી લૉનમાં પાછળથી નીંદામણ ખાસ રહેતું નથી. નીંદામણ કાઢ્યા પછી ફરી જમીન સમતલ બનાવી લૉનની કલમોને લગભગ 10 સેમી.થી 12 સેમી. x 10 સેમી.થી 12 સેમી.ને અંતરે આડા-અવળી રોપવામાં આવે છે અને પછી દરરોજ પાણી આપવામાં આવે છે. એક-દોઢ માસમાં કલમો ચોંટી જાય અને નવી ફૂટ શરૂ થાય, ત્યારે લૉન-મૂવરથી લૉન કાપવામાં આવે છે. ત્યારબાદ શિયાળામાં દર પંદર દિવસે અને બાકીના સમયમાં દર 8થી 10 દિવસે લૉન કાપવામાં આવે છે. દર ત્રણેક મહિને લૉનને દબાવીને કાપવાથી નવી કુમળી ફૂટ મળે છે અને ઉઘાડે પગે ચાલતાં પણ લૉન વાગતી નથી. દર ચોમાસામાં લૉનને ખાતર આપવામાં આવે છે. છાણિયું ખાતર હોય તો બહાર પહોળું કરી પાણી આપી ઘાસ નીકળે તે કાઢી નાખીને આપવામાં આવે છે. હાલમાં રાસાયણિક ખાતરો મિશ્ર કરીને લૉન-મિશ્રણ આપવામાં આવે છે. તે અવારનવાર થોડા પ્રમાણમાં છાંટવાથી લૉન સરસ વૃદ્ધિ પામે છે. ઘણી વખત જ્યાં ઘસારો વધારે આવતો હોય ત્યાં લૉન ખલાસ થઈ જાય છે અને લૉનમાં ધાબાં પડી જાય છે. આવું થાય ત્યારે આવી જગ્યાએ મોટા ચપ્પાથી કે ખરપડીથી લૉનમાં 8 સેમી.થી 10 સેમી.ને અંતરે આડા-ઊભા અને એટલા જ ઊંડા કાપા કરી પછી માટી સરખી કરી દે છે અને શક્ય હોય તો આવી જગ્યા ઉપરથી અવરજવર બેત્રણ અઠવાડિયાં બંધ કરવામાં આવે છે. આ માટે જરૂર પડે તો દોરી બાંધીને આડશ ઊભી કરવામાં આવે છે. તેથી મૂળ છાંટણી (root prunning) થાય છે અને લૉન પાછી બરોબર થઈ આવે છે. મૂળ છાંટણી કર્યા પછી 8થી 10 દિવસે જરૂર જેવું લાગે તો લૉન-મિશ્રણ છાંટવામાં આવે છે.
હવે સાદી સપાટ લૉનને બદલે જ્યાં વિશાળ પ્રમાણમાં લૉન હોય ત્યાં રોલિંગ લૉન અથવા લૉનમાં દૃદૃશ્યભૂમીકરણ(landscaping)ની પ્રથા ઊભી થઈ છે. તે સારા દેખાવા માટે અને એકવિધતા (monotony) ટાળવામાં ઉપયોગી થઈ પડે છે.
રોલિંગ લૉન એટલે લૉનમાં અહીંતહીં મોટા (વિશાળતાની દૃદૃષ્ટિએ) પણ બહુ ઊંચા નહિ એવા છૂટા છૂટા ટેકરા કરી એની ઉપર લૉન રોપવામાં આવે છે. આનાથી જાણે લૉન ગબડતી (rolling) હોય તેવો આકર્ષક દેખાવ આવે છે. વિશાળતા બહુ મોટી ન હોય તો આવો એકાદ ટેકરો કરવાથી દૃદૃશ્યભૂમીકરણ સુંદર લાગે છે.
પરદેશમાં, લૉન ઉગાડી હોય તેવો માટી સાથેનો વીંટો (roll) તૈયાર મળે છે અને લૉન રોપવાની હોય ત્યાં પહોળો કરી દેવામાં આવે છે. તેનાથી લૉન ઝડપથી તૈયાર થાય છે. ભારતમાં આવા વીંટા સારી રીતે થઈ શકતા નથી; કારણ કે એને માટેનું અનુકૂળ વાતાવરણ, માટી અને ઘાસની જાતિઓ ભારતમાં થતી નથી. પરંતુ જ્યાં આવી તાત્કાલિક લૉનની જરૂર હોય ત્યાં બીજે ઉગાડેલી લૉનમાં ઊંડા કાપા કરીને 20 સેમી.થી 25 સેમી. લાંબા-પહોળા ચોરસ ટુકડા કરી એને પાવડાથી વીસેક સેમી. જાડાં ચોસલાં ઉખાડી બરોબર ગોઠવીને જ્યાં જરૂર હોય ત્યાં લઈ જઈ ફરી એ પ્રમાણે ચોસલાં ગોઠવી દેવાથી લૉન તૈયાર મળી જાય છે.
ક્રિકેટ ગ્રાઉન્ડ, હવાઈ મથક, સમાધિસ્થાનો, શૈક્ષણિક સંસ્થાઓ, ગૉલ્ફ-કોર્સ, રાજમાર્ગો, વ્યાપારિક ઇમારતો અને પાર્ક જેવાં સ્થળોએ લૉન ઉગાડવાની હોય તો તે જગાને 80 સેમી.થી 90 સેમી. જેટલી ખોદી ઈંટાળા વગેરેના ભૂકાથી 15 સેમી.થી 20 સેમી. જેટલી ભરીને તેની ઉપર અગાઉ જણાવ્યા અનુસાર ખાતર-માટી ભરીને લૉન રોપવામાં આવે છે.
એક વખત લૉન રોપ્યા પછી સામાન્ય રીતે 10થી 15 વર્ષ સુધી તે ચાલે છે. ત્યારપછી જરૂર જેવું લાગે તો તે ખોદી કાઢીને નવેસરથી ખાતર-માટી નાખીને લૉન રોપી શકાય છે.
લૉનને શિયાળામાં એકાંતરે દિવસે, ઉનાળામાં દરરોજ અને ચોમાસામાં જરૂર મુજબ પાણી આપવું જરૂરી છે. પાણીની જરૂરિયાત દરેક પાણી પાતી વખતે એકસો ચો.મીટરે આશરે સાતસો લિટરની રહે છે. એટલે લૉન રોપતી વખતે આનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે.
લૉન માટે ધરો સિવાય બ્લૂ ગ્રાસ રોપી શકાય છે. stenotephrum secundetum, poa annua, રેડ ફેસ્રૂ, બૅન્ટ ગ્રાસ, કાર્પેટ ગ્રાસ, સેન્ટીપિડ ગ્રાસ, ઝોઇસીઆ ગ્રાસ, સેંટ ઑગસ્ટિન ગ્રાસ વગેરે રોપી કેટલીક વાર થોડો વરસાદ આવતાં પાણી ભરાઈ જવાથી લૉન સડી જાય છે અને ધાબાં પડી જાય છે. ઢાળ જેવું હોય ત્યાં આવું થઈ શકે છે. આ બધાં ઘાસ ધરો કરતાં દેખાવમાં વધારે આકર્ષક અને પોચાં હોય છે. બીજું આ ઘાસને કાપતાં લૉન-મૂવર થોડા વખતમાં બગડી જાય છે. કાં તો બ્લેડની ધાર ઘસાઈ જાય છે અથવા લૉન-મૂવરની પક્કડ ઢીલી પડી જાય છે. એટલે કેટલુંક ઘાસ કાપ્યા વગર છટકી જાય છે. ઠંડા પ્રદેશોમાં આ ઘાસ વધારે સારી લૉન આપે છે.
આ સિવાય Digitaria dethuctyle (‘આફ્રિકન ગ્રાસ’) નામનું ઘાસ થાય છે, તે જગ્યા લીલી દેખાય તે માટે ઠીક છે. પરંતુ બીજી લૉનની માફક તેને કાપી શકાતું નથી. આ ઘાસનાં પાન જાડાં અને મોટાં હોય છે અને તે 15 સેમી.થી 20 સેમી. ઊંચું થાય છે.
Paspelum dicondra નામનું એક ઘાસ પણ ક્યારેક જમીન લીલી દેખાય તેટલા પૂરતું રોપાય છે. એનાં પાન પણ પહોળાં, પણ ઉપરની જાત કરતાં ટૂંકાં અને જમીન ઉપર ફેલાતાં થાય છે. આ લૉન બેસવા માટે ઉપયોગી ન નીવડે.
લૉનમાં વાવવામાં આવતાં વિવિધ ઘાસને લીધે તે વિસ્તારની સુંદરતામાં વધારો થાય છે તે ઘણાં નગર અને ઉપનગર- (suburban)નાં સ્થળોનું એક અત્યંત મહત્વનું લક્ષણ છે.
મ. ઝ. શાહ