લૉન્ગ, રિચર્ડ (જ. 1945, બ્રિટન) : આધુનિક બ્રિટિશ શિલ્પી. ચાલવું જેનો જન્મજાત સિદ્ધાંત છે તેવા પદયાત્રાના શોખીન લૉન્ગ વનવગડામાં જતાં-આવતાં પથ્થરો, ઝાંખરાં, સૂકી ડાળીઓને આરણ્યક સ્થળમાં જ પોતાની સ્વયંસૂઝથી ગોઠવીને અમૂર્ત શિલ્પ સર્જે છે. આવાં શિલ્પ પહેલી નજરે ઘણી વાર સીધી, આડીઅવળી કે વર્તુળાકાર અણઘડ વાડ જેવાં જણાય છે. સ્વાભાવિક છે કે આ શિલ્પ વેચાણ માટે હોઈ શકે નહિ; પરંતુ લૉન્ગને કલા જેવી ઉદાત્ત જણસના વેચાણ સામે પણ પહેલેથી જ ઘૃણા છે. બ્રિટનની બહાર પેરુ અને બોલિવિયાની એરો ઍન્ડીઝ મહાપર્વતમાળા અને ભારતીય ઉપખંડની હિમાલય પર્વતમાળામાં પણ પદયાત્રા કરીને ત્યાં પણ આવાં શિલ્પ તેણે સર્જ્યાં છે.
અમિતાભ મડિયા