લૉટર્બર, પૉલ સી. (Lauterbur, Paul C.) (જ. 6 મે 1929, સિડની, ઓહાયો, યુ.એસ.) : સન 2003ના તબીબી અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકના સર પિટર મૅન્સફિલ્ડના સહવિજેતા. તેમને ચુંબકીય અનુનાદીય ચિત્રણ(magnetic resonance imaging, MRI)ની નિદાનલક્ષી ચિત્રણપ્રણાલી શોધવા માટે આ સન્માન મળ્યું હતું. સન 1951માં તેમણે રસાયણશાસ્ત્રના વિષય સાથે ક્લિવલૅન્ડની કેસ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં બી.એસ.ની ઉપાધિ માટેનો અભ્યાસ કર્યો અને સન 1962માં પેન્સિલવેનિયાની પિટ્સબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. સન 1969થી 1985 સુધી તેમણે સ્ટોની બ્રુક ખાતે આવેલી ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં રેડિયૉલોજી વિભાગમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. સન 1985થી 1990માં તેઓ ઇલિનોઇ યુનિવર્સિટીની શિકાગો ખાતેની કૉલેજ ઑવ્ મેડિસિનમાં પ્રાધ્યાપક બન્યા. સન 1985થી તેઓ તે જ યુનિવર્સિટીની કૉલેજ ઑવ્ મેડિસિન (અર્બાના) તથા જૈવાયુર્વિજ્ઞાનિક ચુંબકીય અનુનાદ પ્રયોગશાળા(Biomedical Magnetic Resonance Laboratory)ના પ્રાધ્યાપક અને નિયામક તરીકે કાર્ય કરી રહ્યા છે. તેમને અનેક સન્માનો, પારિતોષિકો તથા પુરસ્કારો (awards) મળેલાં છે; જેમ કે, સન 1982માં આયુર્વિજ્ઞાનમાં ચુંબકીય અનુનાદ મંડળનો સુવર્ણચંદ્રક, 1984માં આલ્બર્ટ લૅસ્કર ક્લિનિકલ સંશોધનનું સન્માન, 1985માં રાષ્ટ્રીય એકૅડેમી ઑવ્ સાયન્સનું સભ્યપદ, 1986માં યુરોપિયન ચુંબકીય અનુનાદ સન્માન, 1987માં વિજ્ઞાનનો રાષ્ટ્રીય ચંદ્રક (અમેરિકા) તથા ઉત્તર અમેરિકાની રેડિયોલૉજિક મંડળનો સુવર્ણચંદ્રક, 1992માં ચુંબકીય અનુનાદ અંગેના આંતરરાષ્ટ્રીય મંડળનું સન્માન, 1994માં અધિવિકસિત ક્રિયાકલાપ (advanced technology) માટે ક્યોટો પુરસ્કાર, 1999માં યુરોપિયન કૉંગ્રેસ ઑવ્ રેડિયૉલોજીનો સુવર્ણચંદ્રક અને સમાજસેવામાં રસાયણશાસ્ત્ર અંગેનું NAS સન્માન.
શિલીન નં. શુક્લ