લૉક લોમૉન્ડ (Loch Lomond) : સ્કૉટલૅન્ડમાં આવેલાં સરોવરો પૈકી ખૂબ જ જાણીતું અને વિશાળ સરોવર. ભૌગોલિક સ્થાન : તે 56°-10´ ઉ. અ. અને 4°-35´ પ. રે.ની આજુબાજુ પથરાયેલું છે. તે બેન લોમૉન્ડ શિખર(973 મીટર)ની નજીક નૈર્ઋત્ય તરફ પહાડી વિસ્તારમાં તથા ગ્લાસગોથી વાયવ્યમાં આશરે 32 કિમી.ને અંતરે આવેલું છે. તેના જળરાશિ વચ્ચે ઘણા બેટ આવેલા છે. તેથી લંબાઈ 37 કિમી. અને મહત્તમ પહોળાઈ 8 કિમી. જેટલી છે. સ્કૉટલૅન્ડમાં ગવાતાં ગીતોમાં જો કોઈ વધુ લોકપ્રિય ગીત હોય તો તે લૉક લોમૉન્ડ વિશે છે. જૂના વખતમાં, સ્કૉટલૅન્ડનાં લોકજૂથો સભાઓ, મેળાવડા ભરવા આ સરોવરકાંઠે ભેગા મળતાં.

ગિરીશભાઈ પંડ્યા