લૉકગેટ : જેમાં છેડાઓ (ends) ખુલ્લા હોય તેવી લંબચોરસ આકારની એક ચૅમ્બર કે જેમાં દરવાજાઓની મદદથી બે અલગ અલગ સ્તર ધરાવતાં પાણી વચ્ચે જહાજને સ્થાનાંતરિત કરી શકાય. લૉકગેટની મદદથી જહાજને ગોદી(Dock)માં દાખલ કરી શકાય છે. આ ચૅમ્બરના છેડાઓ પર ખોલ-બંધ કરી શકાય તેવા દરવાજાઓ જડવામાં આવે છે. આ કારણસર આ પ્રકારની ચૅમ્બરને લૉકગેટ કહેવામાં આવે છે. લૉકગેટ બંધ ગોદીના પ્રવેશ પર તથા નહેરના પ્રવેશ પર, જ્યાં બંને બાજુના જળરાશિના સ્તરમાં સારો એવો તફાવત હોય છે ત્યાં મૂકવામાં આવે છે.
અગાઉ જ્યારે બે અલગ અલગ સ્થળે જળરાશિના સ્તરમાં વધુ તફાવત જોવા મળતો ત્યારે નાવિકો માલની હેરફેર મોટા વહાણમાંથી નાની નાવો વડે કરતા હતા. પંદરમી સદીમાં યુરોપમાં લૉક-ચૅમ્બરની શોધ થઈ હતી. ઈ. સ. 1497માં લિયૉનાર્દ-દ-વિન્ચીએ લૉક-ચૅમ્બર ભરવા તથા ખાલી કરવા માટેના વાલ્વની શોધ કરી હતી.
લૉક-ચૅમ્બર એક, બે કે ત્રણ વિભાગો(compartments)ની બનેલી હોય છે. ત્રણ વિભાગોવાળા લૉક-ચૅમ્બરમાં નાનાં તથા મોટાં વહાણોને સમાવી શકાય છે.
સૂકી ગોદીના લૉકગેટ પાણીને પ્રવેશતું રોકવા વપરાય છે. આકૃતિ 1માં લૉક દર્શાવેલ છે.
લૉક-ચૅમ્બરનું માપ બંદરમાં પ્રવેશનારા સૌથી વિશાળ વહાણના માપ પર આધાર રાખે છે. તેની લંબાઈ સામાન્ય રીતે સૌથી લાંબા વહાણની લંબાઈના 1.2 ગણી હોય છે. લૉક-ચૅમ્બરની પહોળાઈ સૌથી લાંબા વહાણની લંબાઈના 0.15 થી 0.2 ગણી હોય છે. આકૃતિ 2માં લૉક તથા ગોદીનો નકશો દર્શાવ્યો છે. લૉક-ચૅમ્બરની દીવાલ તથા ફરસ સિમેન્ટ-કૉન્ક્રીટની બનાવવામાં આવે છે. જો સારી ગુણવત્તાવાળો પથ્થર પ્રાપ્ય હોય તો ફરસ પથ્થરની પણ બનાવી શકાય.
લૉક-ચૅમ્બરની બાજુની દીવાલોનો અભિકલ્પ ‘રિટેઇનિંગ વૉલ’ (બાજુ પરથી આવતાં દબાણ સહન કરતી દીવાલ) જેવો હોય છે, જ્યાં દરવાજા મૂકવાના હોય તે પક્કડ, દરવાજા ખોલ-બંધ કરતાં લાગતાં બળો ખમવા સક્ષમ હોવી જોઈએ. લૉક-ચૅમ્બર જ્યારે પાણીથી ભરેલી હોય કે સંપૂર્ણ ખાલી હોય તેવી બંને પરિસ્થિતિ સહન કરવા સક્ષમ હોવી જોઈએ. વહાણ દ્વારા લાગતાં બળો ખમવા પણ લૉક-ચૅમ્બર સક્ષમ હોવી જોઈએ.
લૉક-ગેટના પ્રકારો : લૉક-ગેટનું સંચાલન હાથ વડે (manually) કે યાંત્રિક રીતે કરી શકાય છે. નાની નહેરોમાં હાથ વડે સંચાલન શક્ય છે. ગેટ લૉક-ચૅમ્બરના ઉપરના તથા નીચેના છેડે મૂકવામાં આવે છે. નાનાં વહાણો માટે વચ્ચે ગેટની એક અન્ય જોડ મૂકવામાં આવે છે.
લૉક-ગેટના પ્રકારો નીચે મુજબ છે :
(i) મિત્રે-ગેટ (Mitregates) આ પ્રકારના ગેટમાં બે દરવાજાઓ જે સમાન પહોળાઈના હોય છે તે સામસામી દિશામાં લૉકની દીવાલ પર જડવામાં આવે છે. દરેક દરવાજો દીવાલમાં એક પિન વડે જોડાયેલો હોય છે. આ પિન નીચે એક સૉકેટ હોય છે. તેથી ખોલ-બંધ દરમિયાન દરવાજો દીવાલમાં હરી-ફરી (adjust) શકે છે. બંધ હાલતમાં બંને દરવાજાઓ એકબીજા સામે (સાથે) દબાણપૂર્વક જોડાયેલા રહે છે.
(ii) સેક્ટર-ગેટ : અહીં દરવાજાઓ સમક્ષિતિજ કે અક્ષીય સ્થિતિમાં ગોઠવવામાં આવે છે. સામાન્ય રીતે ઊંચા અને પાતળા દરવાજાઓ સમક્ષિતિજ દિશામાં તથા નાના અને પહોળા દરવાજાઓ અક્ષીય સ્થિતિમાં ગોઠવવામાં આવે છે. બે દરવાજાઓને સામ-સામા ગોઠવી ચૅમ્બર બંધ કરવામાં આવે છે.
(iii) રોલિંગ ગેટ : આ પ્રકારમાં દરવાજો લોખંડના પાટા પર સરકાવી ખોલ-બંધ કરી શકાય છે. ખુલ્લી અવસ્થામાં દરવાજો દીવાલમાં સમાઈ જાય છે.
(iv) લિફ્ટ ગેટ : આ પ્રકારનો દરવાજો સાંકળ મારફત ઊંચકીને ખોલ-બંધ કરવામાં આવે છે. જ્યારે દરવાજો ઊંચકાયેલ હોય (ચૅમ્બર ખુલ્લી હોય) ત્યારે જહાજનો કોઈ ભાગ તેની સાથે ટકરાવાનો ભય રહે છે.
લૉકનું સંચાલન : લૉકનું સ્થાન-નિર્ધારણ પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યા બાદ કરવાનું થાય છે. મોટાં વહાણ ભરતી દરમિયાન જ આવ-જા કરી શકે છે. ઉપરવાસને બંધ કરવા માટે, વહાણને હેઠવાસના દરવાજા મારફત દાખલ કરવું, ત્યારબાદ હેઠવાસનો દરવાજો બંધ કરવાથી લૉક-ચૅમ્બરમાં પાણીનું સ્તર ઉપરવાસના સ્તર જેટલું થશે. ત્યારબાદ ઉપરવાસનો દરવાજો જ્યારે પણ ખોલવામાં આવે ત્યારે વહાણ ઉપરવાસ તરફ (બહારની તરફ) જઈ શકે છે. વહાણને હેઠવાસ તરફ લઈ જવા માટે આથી વિરુદ્ધ પ્રક્રિયા કરવાની થાય છે.
ભારતમાં ગુજરાત રાજ્યમાં પશ્ચિમ કિનારે આવેલ ભાવનગર બંદરના બેસીન/ચૅનલમાં વર્ષ 1957-61 દરમિયાન ખાસ ડિઝાઇનનો એક જ દરવાજાવાળો લૉકગેટ બાંધવામાં આવ્યો છે. બંદરમાં કાંપ-(silt)થી થતું પુરાણ રોકવા તેમજ મોટાં જહાજો જેને માટે ડ્રાફ્ટ વધારે જરૂરી હોય તેવાં જહાજો પણ જેટી પાસે લાંગરી શકાય અને દરિયામાં ઓટ હોય તોપણ બેસીનમાં (ચૅનલમાં) પાણી ભરાઈ રહે અને જહાજ તરતાં રહી શકે તેવી સુવિધા માટે આ લૉકગેટ બાંધવામાં આવ્યા છે. બંદરના પ્રવેશદ્વારની ચૅનલ (નહેર) પર બંધ બાંધી વચ્ચે ગેટ મૂકવામાં આવ્યો છે. (દુનિયામાં દરિયાઈ ભરતી-ઓટના સ્તરનો તફાવત સૌથી વધુ હોય તેવા સ્થળમાંનું એક સ્થળ ભાવનગર બંદર છે અને તે કારણે પુરાણ વધુ થાય છે). 21.6 મી. (72 ફૂટ) પહોળા અને 9 મી. (30 ફૂટ) ઊંચા લોખંડના ગેટને ખાસ પ્રકારની ક્રેનથી ઊંચકી 90o ફેરવી બાજુના પ્લૅટફૉર્મ ઉપર મૂકવામાં આવે છે.
આવડા મોટા ભારે ગેટને ઊંચકવા માટે ઓછી શક્તિની જરૂર પડે તે માટે 110 ટનનો કૉંક્રીટ બ્લૉક ‘કાઉન્ટર વેટ’ તરીકે મૂકવામાં આવ્યો છે. ગેટ ઊંચકાય ત્યારે કાઉન્ટર વેટ નીચે ઊતરે અને નીચે આવે ત્યારે કાઉન્ટર વેટ ઉપર જાય. જ્યારે ભરતી હોય ત્યારે ગેટ ખોલી જહાજને અંદર લેવામાં આવે અને ત્યારબાદ ગેટ બંધ કરાય. ઓટ આવે ત્યારે ગેટ બંધ હોવાને લીધે ચૅનલમાં (બેસીનમાં) પાણી ભરેલું રહે, જહાજ તરતું રહે અને જહાજમાં માલનું ચડાણ-ઉતરાણ (loading-unloading) ચાલુ રહે. વળી જ્યારે ભરતી આવે ત્યારે ગેટ બંધ હોઈ કાંપવાળું પાણી આવે નહિ અને એ રીતે બંદરનું પુરાણ થતું અટકે અને ડ્રૅજિંગનું ખર્ચ પણ ઘટે.
આ ઉપરાંત દરિયામાં ઓટ હોય ત્યારે ગેટને અમુક પ્રમાણમાં ખોલી (ઊંચે લઈ) બેસીનમાંથી દરિયામાં અમુક પાણી સારી એવી ગતિએ વહેવરાવવાથી ગેટ પાસે દરિયા તરફ જે કાંપ જમા થયો હોય તે દરિયામાં વહી જાય છે અને એ રીતે પણ બંદરના બારામાં થતું સીલ્ટિંગ અટકાવાય છે. 1961માં પૂરા થયેલ આ લૉકગેટનું ખર્ચ રૂ. 0.96 કરોડ થયું હતું.
મધુકાંત ર. ભટ્ટ, રાજેશ મા. આચાર્ય, ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ