લૉઇડ, મૅરી (મટિલ્ડા એલિસ વિક્ટોરિયાવુડ)
January, 2005
લૉઇડ, મૅરી (મટિલ્ડા એલિસ વિક્ટોરિયાવુડ) (જ. 12 ફેબ્રુઆરી 1870, લંડન; અ. 7 ઑક્ટોબર 1922, લંડન) : મ્યૂઝિક હૉલની દંતકથારૂપ ઉચ્ચકોટિની અંગ્રેજ ગાયિકા. પિતા હોટલમાં ભોજન વખતે ચાકરીમાં હાજર રહેનાર વેઇટર હતા. શરૂઆતમાં મૅરીએ કૃત્રિમ ફૂલો બનાવવાનો હુન્નર કર્યો. 1885માં ‘રૉયલ ઈગલ’ કાર્યક્રમમાં તે પ્રથમવાર ‘બેલો ડેલમેર’ના નામે રજૂ થયાં. જોકે તેમણે પોતાનું ‘મૅરી લૉઇડ’ નામ તે સમયના લૉઇડના દૈનિકમાંથી પસંદ કરી લીધું હતું. નેલી પાવરનું લોકપ્રિય ગીત ‘ધ બૉય આઇ લવ ઇઝ અપ ઇન ધ ગૅલરી’ તેમણે છટાથી ગાયું હતું. ‘એવ્રી થિંગ ઇન ધ ગાર્ડન ઇઝ લવલી’ અને ‘ઓહ, મિસ્ટર પૉર્ટર’ તેમનાં ગાયેલાં નોંધપાત્ર ગીતો છે. 1888થી તેમનાં ચટાકેદાર ગીતો ‘ધેન યૂ વિંક ધી અધર આઇ’ અને ‘શી હૅડ નેવર હૅડ હર ટિકિટ પંચ્ડ બિફોર’ ભારતના પાર્શ્ર્વગાયક અને સિનેકલાકાર કિશોરકુમારની જેમ શૃંગારયુક્ત ચેનચાળા અને ગાલમાં દાબીને હસવાની રીતે ગાઈને તેમણે શ્રોતાગણને વારંવાર મુગ્ધ કર્યો હતો. તેમની અઠવાડિક આવક 600 પાઉંડની હતી. જોકે વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે તેઓ એટલાં બધાં પરોપકારી હતાં કે તેમની ખાસ્સી આવક હોવા છતાં પોતાનાં દેવાં ભાગ્યે જ પૂરેપૂરાં ચૂકવી શકતાં. તેમણે ત્રણ વાર લગ્ન કર્યાં હતાં. મશહૂર હાસ્યનટ ઍલેક હર્લી સાથેના લગ્નવિચ્છેદને લીધે 1912માં યોજાયેલ પ્રથમ રૉયલ કમાન્ડ વેરાઇટી પર્ફૉર્મન્સમાં ગાવા માટેનું તેમને નિમંત્રણ મળ્યું ન હતું. મ્યૂઝિક હૉલની જાણીતી પક્ષાપક્ષીની લડાઈમાં તેમણે વ્યવસ્થાપકો સામે બંડ પોકાર્યું હતું. બોઅર અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકો અને કારખાનાંઓના કર્મચારીઓને તેમણે ઉષ્માસભર અવાજમાં ઊર્મિશીલ ગીતો સંભળાવીને અવિસ્મરણીય મનોરંજન પૂરું પાડ્યું હતું. ‘ડોન્ટ ડિલી ડેલી’ અને ‘વન ઑવ્ રૂઇન્સ ધૅટ ક્રૉમવેલ નૉક્ડ અબાઉટ અબિટ’ ગીતોએ તો શ્રોતાઓને અક્ષરશ: ઘેલાં કર્યાં હતાં.
અંગ્રેજ નિબંધકાર બિયરબોહ્મે ફ્લૉરેન્સ નાઇટિંગેલ અને મહારાણી વિક્ટોરિયા સાથે મૅરીનું નામ તેમના યુગની સૌથી મહાન નારીઓ તરીકે ગણાવ્યું હતું. ટી. એસ. એલિયટ જેવા યુગકવિએ તેમને ‘લોકોનો સાચો અવાજ’ ગણાવી મુક્તકંઠે વખાણ્યાં હતાં. મૅરી લૉઇડના જીવનકવનને ધ્યાનમાં રાખી ત્રણ સુખાંત પ્રહસનો લખાયાં અને ભજવાયાં હતાં.
વિ. પ્ર. ત્રિવેદી