લૉઇડ, જ્યૉર્જ (જ. 17 જાન્યુઆરી 1863, મૅન્ચેસ્ટર; અ. 26 માર્ચ 1945, ટાઇન્યુઇડ, વેલ્સ, ઇંગ્લૅન્ડ) : ઉદ્દામવાદી બ્રિટિશ મુત્સદ્દી તથા ઇંગ્લૅન્ડના પૂર્વ પ્રધાનમંત્રી. પિતા પ્રાથમિક શાળાના મુખ્ય અધ્યાપક હતા તથા માતા બૅપ્ટિસ્ટ મિનિસ્ટરનાં પુત્રી હતાં. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ચૌદ વર્ષની ઉંમરે સોલિસિટરના વ્યવસાયમાં દાખલ થયા અને એકવીસ વર્ષની ઉંમરે 1884માં તેની છેલ્લી પરીક્ષા પસાર કરી. 1890માં થયેલ પેટાચૂંટણીમાં લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે ઇંગ્લૅન્ડની આમસભાના સભ્ય ચૂંટાયા. દક્ષિણ આફ્રિકા સામેના યુદ્ધનો વિરોધ કરનારાઓમાં તેઓ મોખરે હતા. 1905માં મંત્રી બન્યા અને પ્રેસિડન્ટ ઑવ્ ધ બૉર્ડ ઑવ્ ટ્રેડ નિમાયા. તરત જ કલ્યાણલક્ષી સુધારા-વધારા દાખલ કરવાની પહેલ કરી. મર્ચન્ટ શિપિંગ ઍક્ટ પસાર કરાવવામાં તથા પૉર્ટ ઑવ્ લંડન ઑથૉરિટીની સ્થાપના કરાવવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી. શ્રમિકોની હડતાળો દરમિયાન તેમની સમસ્યાઓના નિરાકરણની દિશામાં તેમણે હકારાત્મક અને રચનાત્મક વલણ અખત્યાર કર્યું. 1908માં હર્બર્ટ ઍસ્ક્વિથના મંત્રીમંડળમાં ચાન્સેલર ઑવ્ એક્સચેકર (નાણામંત્રી) નિમાયા. નૅશનલ ઇન્શ્યૉરન્સ ઍક્ટ, 1911 દ્વારા દેશમાં આધુનિક ઢબે કલ્યાણલક્ષી રાજ્યનો પાયો મજબૂત કરવામાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી. પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ના ગાળામાં 1915-16માં મિનિસ્ટર ઑવ્ મ્યૂનિશન અને 1916માં યુદ્ધમંત્રીનો હવાલો સંભાળ્યો. 1916માં હર્બર્ટ ઍસ્ક્વિથને પ્રધાનમંત્રીપદનું રાજીનામું આપવું પડ્યું તે ઘટનામાં લૉઇડ જ્યૉર્જનો હાથ હતો એવા આક્ષેપો તેમના પર થયા અને તેમાં તેમના પોતાના પક્ષના સભ્યોએ પણ સૂર પુરાવ્યો હતો. 1916માં મિશ્ર (coalition) મંત્રીમંડળના તે પ્રધાનમંત્રી બન્યા (1916-22) અને તરત જ પાંચ સભ્યોની વૉર કૅબિનેટની રચના કરી, સરકારના માળખામાં પાયાના ફેરફારો દાખલ કર્યા તથા લશ્કરની જુદી જુદી પાંખો વચ્ચે સંકલન સધાય તે માટેનાં અસરકારક પગલાં લીધાં. પ્રથમ યુદ્ધની સમાપ્તિ બાદ 1919માં પૅરિસ શાંતિ પરિષદમાં સક્રિય ભૂમિકા ભજવી, જેના પરિણામે વર્સેલ્સની સંધિ સધાઈ હતી. તે જ વર્ષે તેમને ‘ઑર્ડર ઑવ્ મેરિટ’ ખિતાબથી સન્માનવામાં આવ્યા હતા. 1918માં સંસદમાં બહુમતી મેળવવામાં તેઓ સફળ થયા ખરા, છતાં તેમના લિબરલ પક્ષની સરકાર ટકાવી રાખવા માટે રૂઢિચુસ્ત પક્ષ પર આધાર રાખવો પડતો હતો. તેને પરિણામે 1922માં જ્યારે રૂઢિચુસ્ત પક્ષે લિબરલ પક્ષની લૉઇડ જ્યૉર્જના નેતૃત્વ હેઠળની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું ત્યારે તેમને પ્રધાનમંત્રીપદનું રાજીનામું આપવું પડ્યું હતું. 1926-31ના ગાળામાં ખખડી ગયેલ લિબરલ પક્ષને નેતૃત્વ પૂરું પાડવાનો તેમણે પ્રયાસ કર્યો. 1936માં જર્મનીની મુલાકાત દરમિયાન હિટલર સાથે મંત્રણા કરી. તેનાથી શરૂઆતમાં પ્રભાવિત પણ થયા. પરંતુ પાછળથી નાઝી જર્મનીને સવલતો આપીને સંતુષ્ટ કરવાની નીતિનો સખત વિરોધ કર્યો. 1945માં તેમના અવસાનના થોડાક જ દિવસો પહેલાં ઇંગ્લૅન્ડની રાણીએ ઉમરાવપદ બહાલ કર્યું. 1940માં વિન્સ્ટન ચર્ચિલના નેતૃત્વ હેઠળ ઇંગ્લૅન્ડમાં જે મંત્રીમંડળની રચના થયેલી તેમાં જોડાવા લૉઇડ જ્યૉર્જને આમંત્રણ હતું. પરંતુ સ્વાસ્થ્યને કારણે તે જોડાઈ શક્યા ન હતા.

જ્યૉર્જ લૉઇડ

તેમણે લખેલા બે જાણીતા ગ્રંથો છે : (1) ‘વૉર મેમ્વાર્સ’ (1933-36) અને (2) ‘ધ ટ્રૂથ અબાઉટ ધ પીસ ટ્રીટિઝ’ (1938).

વીસમી સદીનાં પ્રથમ પચ્ચીસ વર્ષના ઇંગ્લૅન્ડના અને યુરોપના રાજકારણને વિશિષ્ટ ઘાટ આપવામાં તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે