લૉઇડ્ઝ બૅન્ક : બ્રિટનની બૅન્કિંગ અને વીમાનાં ક્ષેત્રોમાં કામ કરતી જૂની સંસ્થાઓ. બૅન્કિંગ અને વીમાના ક્ષેત્રમાં લૉઇડ્ઝ નામની બે જુદી જુદી સંસ્થાઓ કાર્યરત છે. સંસ્થાઓમાં માત્ર નામ અને જન્મભૂમિ ઇંગ્લૅન્ડનું સામ્ય છે. અન્યથા, એમની સ્થાપના, ગતિવિધિ, રચના અને કાર્યપદ્ધતિમાં ઘણો તફાવત છે.

લંડનમાં મુખ્ય મથક ધરાવતી લૉઇડ્ઝ બૅન્ક પોતાની ગૌણ અને સંલગ્ન સંસ્થાઓની શાખાઓ દ્વારા આખી દુનિયામાં બૅન્કિંગનો વ્યવસાય કરે છે. 1765માં ટેલર અને લૉઇડના નામથી સ્થપાયેલી આ બૅન્કનું નામ 1853માં બદલીને લૉઇડ્ઝ ઍન્ડ કંપની રાખવામાં આવ્યું. 1865માં એણે મૉઇલેટ ઍન્ડ સન્સને પોતાનામાં સમાવી દઈ પોતે સંયુક્ત હિસ્સાવાળી મંડળી બની ત્યારે એણે ફરી એક વાર નવું નામાભિધાન કર્યું અને લૉઇડ્ઝ બૅન્કિંગ કંપની લિ. બની. 1865થી એણે પચાસથી પણ વધારે બૅન્કિંગ સંસ્થાઓનું પોતાની સાથે સંયોજન કે સમાવેશ કરીને વિકાસ સાધ્યો અને એ વૈશ્ર્વિક બૅન્ક બની. 1966માં લૉઇડ્ઝે નૅશનલ બૅન્ક ઑવ્ ન્યૂઝીલૅન્ડ પણ ભેળવી લીધી. ત્યારપછી લૉઇડ્ઝે બૅન્ક ઑવ્ લંડન ઍન્ડ સાઉથ અમેરિકા(બોલ્સા)માં શરૂઆતમાં લઘુમતી શૅરહોલ્ડર તરીકે સ્થાન મેળવ્યું. પરંતુ 1971માં એણે બોલ્સા પર અંકુશ જમાવી 1973માં તેને પોતાની સંપૂર્ણ માલિકીની બનાવી. આમ છતાં બોલ્સાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખવામાં આવ્યું. 1974માં એણે કૅલિફૉર્નિયાની ફર્સ્ટ વેસ્ટર્ન બૅન્ક મેળવી તો લીધી, પરંતુ પોતાની સંયોજન-સમાવેશની નીતિમાં અપવાદ કરીને તે કંપની 1986માં વેચી કાઢી. બોલ્સા ઉપરાંત લૉઇડ્ઝે લૉઇડ્ઝ બૅન્ક ઇન્ટરનૅશનલ લિ. નામની અન્ય ગૌણ કંપની સ્થાપી. આ બંને ગૌણ કંપનીઓ મારફતે લૉઇડ્ઝે વિવિધ ચલણોમાં થાપણો સ્વીકારવી અને ધિરાણ કરવું, હૂંડિયામણના વ્યવહારો કરવા તેમજ વિશ્વના દેશોમાં રોકાણો અને નાણાકીય બાબતોની સેવા અને સલાહ આપવાનું રાખ્યું છે. લૉઇડ્ઝ અને અન્ય ગૌણ તેમજ સંલગ્ન સંસ્થાઓ સામાન્ય વાણિજ્યિક (commercial) બૅન્કિંગ અને નાણાકીય સેવાઓ આપે છે. લૉઇડ્ઝ એની ચોકસાઈ અને કાર્યક્ષમતા માટે જાણીતી બૅન્ક છે.

સૂર્યકાન્ત શાહ