લૉંગ આઇલૅન્ડ (Long Island) : ન્યૂયૉર્ક(યુ.એસ.)નો અગ્નિ ભાગ રચતો ટાપુ. ભૌગોલિક સ્થાન : 40° 50^ ઉ. અ. અને 73° 00^ પ. રે. તે પરાં અને નાનામોટા નિવાસી વિસ્તારોમાં વહેંચાયેલો છે. આ ઉપરાંત, તેમાં ખેતરો, માછીમારી કરતા વિભાગો અને તેના પૂર્વ ભાગમાં વિહારધામો પણ છે; જ્યારે તેનો પશ્ચિમતરફી ભાગ ન્યૂયૉર્ક શહેરનો ભાગ બની રહેલો છે. તેનો વિસ્તાર 3,627 ચોકિમી. જેટલો છે.
આ ટાપુ પૂર્વ તરફ આશરે 193 કિમી. જેટલી લંબાઈનો અને 48 કિમી. પહોળાઈનો છે. યુ.એસ.ની મુખ્ય ભૂમિથી દૂરના વિસ્તાર તરીકે તે મોટામાં મોટો છે. આ ટાપુ તેના પૂર્વ છેડા પર બે નાના સાંકડા દ્વીપકલ્પીય ભાગોમાં વહેંચાયેલો છે : એક, આશરે 40 કિમી. લંબાઈનો નૉર્થ ફૉર્ક, બીજો, 65 કિમી. લંબાઈનો સાઉથ ફૉર્ક. મોટાભાગના દક્ષિણ કિનારા પર આ ટાપુના કંઠારપટની આડશો હોવાથી ટાપુને દરિયાથી રક્ષણ મળે છે. લૉંગ આઇલૅન્ડના કંઠારપટમાં લૉંગ બીચ, જૉન્સ બીચ, વેસ્ટ હેમ્પ્ટન બીચ અને ફાયર આઇલૅન્ડ નૅશનલ સીશોરનો સમાવેશ થાય છે.
પરગણાં : લૉંગ આઇલૅન્ડ કિંગ્ઝ, ક્વીન્સ, નાસાઉ અને સફૉક પરગણાંથી બનેલો છે. આ પૈકી કિંગ્ઝ કાઉન્ટી (બ્રુકલિન) અને ક્વીન્સ કાઉન્ટી ન્યૂયૉર્ક શહેરનો મુખ્ય ભાગ બની રહેલાં છે.
આ ટાપુના મુખ્ય ઉદ્યોગોમાં હવાઈ જહાજો બનાવવાનો ઉદ્યોગ છે. ઇલેક્ટ્રૉનિક ચીજવસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ, સફૉક કાઉન્ટીમાં ઊંડા જળમાં માછીમારી કરવાનો, ઑઇસ્ટર કલ્ટિવેશન અને પ્રવાસનના ઉદ્યોગો વિકસેલા છે. ઈશાન ભાગમાં થતી ખેતીમાંથી પણ આવક મળી રહે છે. બ્રુકલિન ખાતે નૅશનલ લૅબોરેટરી વૈજ્ઞાનિક ક્ષેત્રે કાર્યરત છે.
અહીં કૅનેડી હવાઈ મથક, અનેક વિહારધામો, દુનિયાનું મોટામાં મોટું ઑટોમોટિવ મ્યુઝિયમ, ન્યૂયૉર્ક એક્વેરિયમ અને વહેલ-મ્યુઝિયમ આવેલાં છે.
ઇતિહાસ : હેન્રી હડસન નામનો અભિયંતા 1609માં આ ટાપુ પર પહોંચેલો. સત્તરમી સદીના અંતિમ ચરણમાં ડચ લોકો અહીં આવીને તેના પશ્ચિમ છેડા પર વસ્યા, જ્યારે ન્યૂ ઇંગ્લૅન્ડના લોકો તેના પૂર્વ ભાગમાં વસ્યા. અમેરિકી ક્રાંતિની ઘણી લડાઈઓમાંની એક લડાઈ 27 ઑગસ્ટ 1776ના રોજ અહીંના બ્રુકલિન ખાતે થયેલી. બ્રિટિશ દળોએ અમેરિકનોને હરાવેલા, પરંતુ વસાહતીઓનાં દળો અહીંથી ભાગી ગયેલાં.
1840ના દશકામાં આ ટાપુના ઉત્તર કિનારા પર રેલમાર્ગ બંધાવાથી તે નિવાસી સ્થળ બની રહ્યું. વીસમી સદી સુધીમાં અદ્યતન આવાસો બંધાયા. તે પછીથી મુખ્ય માર્ગો તૈયાર થવાથી તેનો ઝડપી વિકાસ થયો. 1940 અને 1960 વચ્ચે નાસાઉ અને સફૉક પરગણાંની વસ્તી ત્રણથી ચારગણી થઈ ગઈ.
2000 મુજબ આ ટાપુની વસ્તી 70,00,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા