લે ડક થો (જ. 11 ઑક્ટોબર 1911, નાગ હા પ્રાંત, ઇન્ડોચાયના; અ. 13 ઑક્ટોબર 1990, હેનૉઇ, વિયેટનામ) : વિયેટનામ યુદ્ધનો અંત લાવવા માટે સફળ રીતે વાટાઘાટો કરનાર તથા વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે મેળવનાર વિયેટનામના મુત્સદ્દી. મધ્યમ વર્ગના પરિવારમાં ઉત્તર વિયેટનામના એક નાનકડા ગામડામાં જન્મ. મૂળ નામ ફાન દિન ખાઈ. તે જમાનામાં વિયેટનામ ફ્રેન્ચ આધિપત્ય હેઠળની એક વસાહત (પૂર્વ નામ ઇન્ડોચાયના) હતી. બાલ્યાવસ્થામાં તેમનું શિક્ષણ ફ્રેન્ચો દ્વારા સંચાલિત શાળામાં થયું હતું અને તેને લીધે નાનપણથી જ ફ્રેન્ચોના શાસન પ્રત્યે તેમના મનમાં અણગમો ઊભો થયેલો. માધ્યમિક શાળામાં ભણતા હતા તે ઉંમરે જ તેઓ સ્થાનિક કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા. ફ્રેન્ચ સરકારને હાંકી કાઢવાના કાવતરામાં ભાગ લીધેલો. માધ્યમિક શિક્ષણ અધૂરું છોડી તેઓ ટપાલખાતામાં કારકુન તરીકે જોડાયા અને સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સક્રિય બનવા લાગ્યા. આ માટે તેમની ધરપકડ કરવામાં આવી અને વર્ષો સુધી તેમને કારાવાસમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમણે પોતાનું નામ બદલ્યું અને ત્યારથી ફાન દિન ખાઈને બદલે તેઓ લે ડક થો નામથી જાણીતા બન્યા. 1936માં તેમને કારાવાસમાંથી મુક્ત કરવામાં આવ્યા પછી ત્રણ વર્ષ સુધી (1936-39) તેમણે કૉમ્યુનિસ્ટ પાર્ટીની માહિતી શાખાના અધિકારી તરીકે સેવાઓ આપી. 1939માં ફરીવાર તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારપછીનાં લગભગ પાંચ વર્ષ (193944) સુધી તેઓ ફ્રેન્ચોના બંદીવાન રહ્યા. 1944માં તેમને છોડી મૂકવામાં આવ્યા પછી કૉમ્યુનિસ્ટ પક્ષના નેતાપદે તેમની બઢતી ઝડપથી થવા લાગી. 1945ના અરસામાં તેમણે ફ્રેન્ચોના વિરુદ્ધમાં બળવાનું નેતૃત્વ કર્યું. વિયેટનામની કૉમ્યુનિસ્ટ પાર્ટીની દક્ષિણ તરફની પાંખમાં એક વરિષ્ઠ કૉમ્યુનિસ્ટ નેતા તરીકે તેમની નામના થવા લાગી. 1954માં કૉમ્યુનિસ્ટોના હાથે ફ્રેન્ચોનો પરાજય થતાં જે વાટાઘાટો થઈ તેમાં સ્વીકારવામાં આવેલ સંધિની શરતો મુજબ વિયેટનામને બે પરસ્પર સ્વતંત્ર ભાગોમાં વહેંચી નાંખવામાં આવ્યું : એક ઉત્તર વિયેટનામ અને બીજું દક્ષિણ વિયેટનામ. તેમાંથી ઉત્તર વિયેટનામ પર કૉમ્યુનિસ્ટ શાસન પ્રસ્થાપિત થયું, જ્યારે દક્ષિણ વિયેટનામ પર પશ્ચિમી રાષ્ટ્રોનું વર્ચસ્ સ્થપાયું.
1955માં લે ડક થો દક્ષિણ વિયેટનામ છોડી ઉત્તર વિયેટનામના પાટનગર હેનૉઇમાં વસ્યા. તેમને કૉમ્યુનિસ્ટ પક્ષના પૉલિટબ્યુરોનું સભ્યપદ બહાલ કરવામાં આવ્યું, જ્યાં લગભગ ત્રણ દાયકા સુધી (1955-1986) તેમણે કામ કર્યું. આ ત્રણ દાયકામાં ઉત્તર વિયેટનામના સામ્યવાદી નેતા તરીકે તેમણે નોંધપાત્ર રાજકીય કામગીરી કરી બજાવી તેને લીધે તેમની લોકપ્રિયતામાં સતત વધારો થતો ગયો. 1957માં તેમને દક્ષિણ વિયેટનામના પાટનગર સાયગૉન (Saigon) મોકલવામાં આવ્યા, જેનો હેતુ હતો દક્ષિણ વિયેટનામમાં પણ કૉમ્યુનિસ્ટ પ્રભાવ હેઠળની સરકારની રચના થઈ શકે. ત્યારથી 1972 સુધીનાં પંદર વર્ષમાં બંને વિયેટનામ વચ્ચેના સંઘર્ષમાં ઉત્તર વિયેટનામ માટે લાભકારક સાબિત થાય તેવા પ્રકારની લશ્કરી વ્યૂહરચના ઘડી કાઢવામાં લે ડક થોનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો.
1960ના દાયકામાં હજારોની સંખ્યામાં અમેરિકાના સૈનિકો દક્ષિણ વિયેટનામ વતી ઉત્તર વિયેટનામ સામે યુદ્ધના મેદાનમાં ઊતર્યા હતા અને તેમાં તેમને ભારે ખુવારીનો સામનો કરવો પડ્યો. પરિણામે ખુદ અમેરિકામાં અને વિશ્વના અન્ય દેશોમાં અમેરિકાની વિયેટનામ નીતિ ટીકાપાત્ર બની હતી. છેવટે બંને પક્ષો વચ્ચે શાંતિમંત્રણા યોજાય તથા યુદ્ધવિરામ થાય તે માટે 1969માં અમેરિકા વતી હેન્રી કિસિંજર અને ઉત્તર વિયેટનામ વતી લે ડક થોની પસંદગી કરવામાં આવી. આ બંને વચ્ચેની મંત્રણાઓ પૅરિસ ખાતે યોજવામાં આવી હતી. ચાર વર્ષ સુધી (196973) ચાલેલી આ મંત્રણાઓને અંતે 1973માં યુદ્ધવિરામની સંધિ પર બંને પક્ષોએ સહીસિક્કા કર્યા હતા. આ જટિલ રાજકીય અને લશ્કરી સમસ્યાના ઉકેલ માટે હેન્રી કિસિંજર અને લે ડક થોને 1973નું વિશ્વશાંતિનું નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યું હતું. જોકે લે ડક થોએ એમ કહીને પુરસ્કાર સ્વીકારવાની ના પાડી હતી કે ત્યાં સુધી (1973) વિયેટનામમાં સાચા અર્થમાં યુદ્ધ સમાપ્ત થયું ન હતું અને તેથી શાંતિ પ્રસ્થાપિત થઈ ન હતી. યુદ્ધવિરામની સંધિ બાદ 1973માં અમેરિકાએ પોતાનાં લશ્કરી દળો વિયેટનામમાંથી પાછાં ખેંચી લીધાં હતાં, તેમ છતાં ઉત્તર અને દક્ષિણ વિયેટનામના લશ્કર વચ્ચે યુદ્ધ ચાલુ રહ્યું હતું. 1975માં સાયગૉન પર કૉમ્યુનિસ્ટોનો કબજો સ્થપાયા બાદ ઉત્તર વિયેટનામે દક્ષિણ વિયેટનામ પર પોતાનો સંપૂર્ણ વિજય થયો હોવાની ઘોષણા કરી હતી અને ત્યારબાદ બંને વિયેટનામ વચ્ચે રાજકીય જોડાણ થયું હતું. આ જોડાણ બાદ પણ લે ડક થો સંયુક્ત કૉમ્યુનિસ્ટ પાર્ટીના પૉલિટબ્યુરોમાં સક્રિય રહ્યા હતા. 1986માં પક્ષમાં થયેલા ફેરબદલ બાદ તેમણે પૉલિટબ્યુરોના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે