લેહાર ફ્રાન્ઝ (જ. 30 એપ્રિલ 1870, કોમેરોમ, હંગેરી; અ. 24 ઑક્ટોબર 1948, બૅડ આઇસ્કૅલ, ઑસ્ટ્રિયા) : વિશ્વવિખ્યાત હંગેરિયન સંગીતકાર અને સ્વરનિયોજક. ખુશમિજાજી અને આનંદી વિધવાને વિષય બનાવતા એમના ઑપેરેતા ‘ડાય લુસ્ટીકે વિથ્વે’(The Merry Widow)થી એમને નામના મળેલી.

ચેક રિપબ્લિકમાં પ્રાહા કૉન્ઝર્વેટરી ખાતે એમણે સંગીતનો અભ્યાસ કર્યો. 1890માં એક બૅન્ડમાસ્ટર તરીકે એમણે ઑસ્ટ્રિયાનો પ્રવાસ કર્યો. વિખ્યાત ચેક સંગીતકાર અને સ્વરનિયોજક ઍન્તૉનિત દ્વૉર્જાક દ્વારા લેહારને પ્રોત્સાહન, પ્રેરણા અને પીઠબળ સાંપડ્યાં. 1896માં લેહારના પ્રથમ ઑપેરેતા ‘કુકુરકા’નું મંચન-વાદન થયેલું. લિબ્રેતિસ્ટ વિક્ટોર લિયોં અને લિયોં સ્ટીને તૈયાર કરી આપેલા સંવાદોને સંગીતમાં ઢાળીને એમણે પોતાનો માસ્ટરપીસ ઑપેરેતા ‘ડાય લુસ્ટીકે વિથ્વે’ તૈયાર કર્યો. થોડે અંશે કટાક્ષમય એવા આ ઑપેરેતામાં લેહારે વિયેના વૉલ્ટ્ઝનો ઉપયોગ કર્યો. ઍટલૅન્ટિકની બંને બાજુએ આ ઑપેરેતા અત્યંત લોકપ્રિય નીવડ્યો. એ વખતે બ્યુનો એરિસ નગરમાં તો એકસાથે પાંચ થિયેટરકંપનીઓ આ ઑપેરા ભજવી રહી હતી.

લેહારના અન્ય ઑપેરેતા આ મુજબ છે : ‘ધ મૅન વિથ થ્રી વાઇવ્ઝ’ (1908), ‘ધ કાઉન્ટ ઑવ્ લુક્ઝમ્બૉર્ગ’ (1909), ‘જિપ્સી લવ’ (1910) અને ‘ધ લૅન્ડ ઑવ્ સ્માઇલ્સ’ (1923). ‘ડાય લુસ્ટીકે વિથ્વે’ અને ‘ધ લૅન્ડ ઑવ્ સ્માઇલ્સ’ ઉપરથી ફિલ્મો પણ ઉતારવામાં આવી છે. વિશાળ ફલક પર પણ લેહારે એક ઑપેરા ‘ગ્વિદિતા’ (1934) લખ્યો, પણ તેને ઝાઝી સફળતા મળી નહિ.

અમિતાભ મડિયા