લેસિંગ, ડૉરિસ (મે) (જ. 22 ઑક્ટોબર 1919, કર્માનશાહ, ઈરાન) : બ્રિટિશ લેખિકા. વીસમી સદીની સામાજિક અને રાજકીય ઊથલપાથલોમાં કારણભૂત વ્યક્તિઓના જીવનને આલેખતી ઘટનાઓ ઉપર તેમણે ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમના જન્મસમયે પિતા ટેલર બ્રિટિશ લશ્કરમાં કૅપ્ટનનો હોદ્દો ધરાવતા હતા. તેમનો પરિવાર રહોડેશિયા(ઝિમ્બાબ્વે)ના ફાર્મમાં 1924માં રહેવા ગયેલો. 1949માં ડૉરિસ ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયેલાં. શરૂઆતમાં તેઓ સક્રિય સામ્યવાદી કાર્યકર હતાં.
‘ધ ગ્રાસ ઇઝ સિંગિંગ’ (1950) તેમનું પ્રથમ પ્રકાશન હતું. રહોડેશિયાનાં એક શ્ર્વેત દંપતી અને તેમના અશ્ર્વેત, આફ્રિકન નોકરના જીવનની એ કથા છે. ‘ગોઇંગ હોમ’ (1957) રહોડેશિયાની બીજી મુલાકાત વખતના તેમના પ્રતિભાવની કથની છે. માર્થા ક્વેસ્ટને કેન્દ્રમાં રાખીને લખેલી આત્મકથનાત્મક નવલકથાઓમાં શરૂઆતમાં આફ્રિકા અને પાછળથી ઇંગ્લૅન્ડની પશ્ર્ચાદભૂમિકા છે. આ કથાઓ ‘ચિલ્ડ્રન ઑવ્ વાયોલન્સ’(1952-1969)ના પાંચ ગ્રંથોમાં પ્રસિદ્ધ થઈ હતી. ‘ઇન પર્સ્યૂટ ઑવ્ ધી ઇંગ્લિશ’(1960)માં લેખિકા ઇંગ્લૅન્ડ રહેવા ગયાં તે વખતના શરૂઆતના દિવસોની તેમની સાંભરણો છે. ‘ધ ગોલ્ડન નોટબુક’ (1962) તેમની ખૂબ જાણીતી સ્ત્રીસ્વાતંત્ર્યની નવલકથા છે. ‘બ્રીફિંગ ફૉર અ ડીસન્ટ ઇન્ટુ હેલ’ (1971) અને ‘ધ સમર બિફૉર ધ ડાર્ક’ (1973) તેમની અન્ય નવલકથાઓ છે. ‘ધ મેમ્વાર્સ ઑવ્ અ સર્વાઇવર’ (1975) કપોલકલ્પિત તરાહની તરંગ-કથા છે. ‘ધ હૅબિટ ઑવ્ લવિંગ’ (1957), ‘અ મૅન ઍન્ડ ટુ વિમેન’ (1965), ‘ધ સ્ટોરી ઑવ્ અ નૉન-મૅરિઇંગ મૅન’ (1972), ‘ધિસ વૉઝ ધી ઓલ્ડ ચીફ કન્ટ્રી’ અને ‘ધ સન બિટ્વીન ધેર ફીટ’ (બંને 1973) અને ‘આફ્રિકન સ્ટૉરિઝ’ (1978) તેમના ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે.
‘કેનોપસ ઇન આગૉર્સ : આર્કાઇવ્ઝ’ (1979), ‘ધ મૅરેજ બિટ્વીન ઝોન્સ થ્રી, ફોર ઍન્ડ ફાઇવ’ (1980), ‘ધ સિરિયન એક્સપેરિમેન્ટ્સ’ (1981), ‘ધ મેકિંગ ઑવ્ ધ રેપ્રિઝેન્ટેટિવ ફૉર પ્લૅનેટ 8’ (1981) અને ‘ડૉક્યુમેન્ટ્સ રિલેટિંગ ટુ ધ સેન્ટિમેન્ટલ એજન્ટ્સ ઇન ધ વૉલિયેન એમ્પાયર’ (1983) વિજ્ઞાનકથાઓ છે. ‘ધ ફિફ્થ ચાઇલ્ડ’ (1988), ‘લવ, અગેઇન’ (1996) નવલકથાઓ છે. ‘અન્ડર માય સ્કિન’ (1994) તેમની આત્મકથા છે.
વિ. પ્ર. ત્રિવેદી