લેલી પીટર (જ. 1618, જર્મની; અ. 1860, લંડન, બ્રિટન) : ડચ બરૉક વ્યક્તિચિત્રકાર. હાર્લેમમાં પીટર દ ગ્રીબર પાસે તેણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1637થી હાર્લેમમાં તેણે સ્વતંત્ર ચિત્રકાર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. વ્યક્તિચિત્રો ઉપરાંત ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગોને વિષય બનાવીને પણ તે ચિત્રો સર્જતો. 1640થી 1647 સુધી તે લંડન આવી વસ્યો. ત્યાં રાજા ચાર્લ્સ પહેલા અને તેનાં બાળકો તથા ડ્યૂક ઑવ્ યૉર્કનાં વ્યક્તિચિત્રો તેણે ચીતર્યાં. એ પછી બ્રિટિશ શ્રીમંતો પોતાનાં વ્યક્તિચિત્રો ચિતરાવવા માટે એવા તો એની પાછળ એવા પડ્યા કે લેલીએ ઢગલાબંધ ચિત્રો ચીતરવાં પડ્યાં. 1661માં બ્રિટિશ રાજા ચાર્લ્સ બીજાએ તેને ‘પ્રિન્સિપલ પેઇન્ટર’નો દરજ્જો આપ્યો. ચાર્લ્સ બીજા માટે તેણે કામોત્તેજક નગ્ન નવયૌવનાઓ પણ ચીતરી. 1680માં રાજાએ ‘નાઇટહૂડ’ વડે તેને નવાજ્યો હતો.

અમિતાભ મડિયા