લેરમનટૉવ, મિખેલ (જ. 3 ઑક્ટોબર 1814, મૉસ્કો; અ. 15 જુલાઈ 1841) : રશિયાના એક મહાન કવિ. 29 વર્ષની વયે જ દ્વન્દ્વયુદ્ધમાં તેમનું અવસાન થયું, પણ તેમની ટૂંકી જિંદગીમાં તેમણે રશિયાના સૌથી અગ્રણી રોમૅન્ટિક કવિ તથા ગદ્યસાહિત્યના અગ્રેસર તરીકેની દૃઢ પ્રતિભા ઉપસાવી તેમજ 1825ના નિષ્ફળ બળવા પછીની પ્રગતિવિરોધી નીતિઓના અણનમ વિરોધી બની રહ્યા.
ઘેર રહીને પર્યાપ્ત શિક્ષણ મેળવ્યા પછી થોડો વખત તેમણે મૉસ્કો યુનિવર્સિટીમાં ગાળ્યો. વળી 2 વર્ષ (1832-34) તેમણે સ્કૂલ ઑવ્ કૅવલરી કૅડેટ્સમાં ગાળ્યાં અને ત્યારબાદ તેમને ‘લાઇફ ગાર્ડ હુઝાર’માં નિયુક્તિ મળી.
તેમના તરફ સૌપ્રથમ ધ્યાન ખેંચાયું ‘ડેથ ઑવ્ એ પોએટ’(1837)થી; એક દ્વંદ્વયુદ્ધમાં ઍલેક્ઝાન્ડર પુશ્કિનના થયેલ મૃત્યુ પરથી આ કાવ્યની પ્રેરણા મળી હતી. આ કરુણ પ્રસંગ બદલ તેમણે આ કાવ્યમાં રાજદરબારની સભ્યતાને દોષિત ઠરાવી તેની કડક આલોચના કરી હતી. આને પરિણામે કૉકેસસની એક રેજિમેન્ટમાં તેમને દેશવટો અપાયો; પરંતુ તેમનાં દાદીમાની વગને કારણે તેઓ 1838માં પાછા આવ્યા. 1840માં દ્વંદ્વયુદ્ધ ખેલવા બદલ તેમને 1840માં ફરીથી કૉકેસસમાં દેશવટો અપાયો હતો, પણ પછીના વર્ષે તેઓ સેંટ પીટર્સબર્ગ પાછા ફર્યા. ત્યારબાદ ફરી એક વાર તેમને ટ્યૅટિગૉર્સ્ક ખાતે દેશવટો અપાયો અને ત્યાં જ તેમનું અવસાન થયું.

મિખેલ લેરમનટૉવ
તેમણે અનેકવિધ અસરો ઝીલી હતી. તેમના પર બાયરનનો સૌથી પ્રબળ પ્રભાવ હતો; બાયરનના કોઈ નિર્ભ્રાન્ત નાયકનો ખ્યાલ સતત તેમના મનમાં રમતો હતો. ઈશ્વરનિર્મિત જગતનાં અન્યાયો અને સમાજની રૂઢિ અને ઘોર દાંભિકતા સામે તેમણે ભારોભાર અજંપો અને આક્રોશ ઠાલવ્યો છે. તેમના નાયકો તેમની નિષ્ફળતા અને નિરાશાનું વેર વાળવા પરપીડનનું વલણ અપનાવતા હોય છે. તેમના સૌથી જાણીતા વર્ણન-કાવ્ય ‘ધ ડેમન’ (1841, ભા. 1930) તેમજ તેમની નવલકથા ‘અ હીરો ઑવ્ અવર ટાઇમ’(1840, અં.ભા. 1886)માં પણ આ જ અભિગમ રહેલો છે. આ નવલકથા મનોવૈજ્ઞાનિક વાસ્તવદર્શિતાની ગણનાપાત્ર કૃતિ છે. તેનાથી રશિયન સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક નવલકથાનો પ્રારંભ થયો. નિસર્ગ પ્રત્યેના અસીમ પ્રેમમાંથી તેમને અપાર સાંત્વના મળી હતી. ‘સાગ ઑવ્ ધ મર્ચન્ટ કૅલૅશ્નિકૉવ’ (1837) જેવી ઉત્તરકાલીન રચનાઓમાં લોકકાવ્યો વિશેની તેમની અભિરુચિ અને તે માટેનો પ્રેમ વરતાય છે. રશિયાની રોમૅન્ટિક ઝુંબેશના તેઓ અગ્રેસર બની રહ્યા હતા. તેમની કવિતાની સંવેદનગ્રાહિતા તથા ઊર્મિશીલતાની ભારોભાર પ્રશંસા થઈ છે.
મહેશ ચોકસી