લેબેનૉન (Lebanon) : એશિયા ખંડની પશ્ચિમ સીમા પર આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 33° 50´ ઉ. અ. અને 35° 50´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,400 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉ.દ. લંબાઈ 193 કિમી. અને પૂ.પ. પહોળાઈ 80 કિમી. જેટલી છે. તેની ઉત્તરે અને પૂર્વે સીરિયા, દક્ષિણે ઇઝરાયલ અને પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર આવેલા છે. દેશને આશરે 210 કિમી. લાંબો દરિયાકિનારો મળેલો છે.

ભૂપૃષ્ઠ : લેબેનૉનની પ્રાકૃતિક રચના વિવિધતાવાળી તેમજ જટિલ છે; તેથી તેના ભૂપૃષ્ઠને ચાર વિભાગોમાં વહેંચેલું છે : (1) સમુદ્રકિનારાનો મેદાની પ્રદેશ, (2) લેબેનૉનના પર્વતો, (3) બિકા(Biqa)નો ખીણપ્રદેશ તથા (4) ઍન્ટિ-લેબેનૉન અને હમૉર્ન(Hermon)ના પર્વતો.

સમુદ્રકિનારાનો પ્રદેશ સાંકડો અને તૂટક છે. અહીં નદીઓેએ કાંપનું મેદાન રચ્યું છે. રેતાળ પટ ખડકાળ છે, ત્યાં દરિયાઈ નિક્ષેપનું પ્રમાણ તથા અખાતી વિસ્તારમાં રેતીનું પ્રમાણ અધિક છે. દૂર ઉત્તરે આવેલું મેદાન ‘અક્કર’ (Akkar) તરીકે ઓળખાય છે.

લેબેનૉનનો પર્વતોવાળો વિભાગ મુખ્ય છે. અહીં ગેડપર્વતો જોવા મળે છે જેમાં ચૂનાખડકો, રેતીખડકો અને આરસપહાણ મુખ્ય છે. પર્વતીય હારમાળાનો વિભાગ 160 કિમી. લાંબો અને સ્થાનભેદે 10થી 55 કિમી. પહોળાઈવાળો છે. તેનું શિખર કુરનેટ અસ સાઉદા (Qurnet es Sauda) ટ્રિપોલીથી અગ્નિદિશામાં આવેલું છે, તે 3,083 મીટર ઊંચાઈ ધરાવે છે. આ ઉપરાંત, બૈરૂતની ઈશાને આવેલું જેબેલ સુનીન (Jebel Sunnin) શિખર (ઊંચાઈ : 2,628 મીટર) પણ મહત્ત્વનું છે. પૂર્વ તરફની હારમાળા બિકાના ખીણપ્રદેશથી 900 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે, જ્યારે પશ્ચિમે ઉગ્ર ઢોળાવવાળાં કોતરો આવેલાં છે.

બિકાના ખીણપ્રદેશની પશ્ચિમે લેબેનૉન હારમાળા તથા પૂર્વે ઍન્ટિ-લેબેનૉન અને હમૉર્ન હારમાળા આવેલી છે. આ ખીણપ્રદેશ કાંપ-માટીના નિક્ષેપથી રચાયેલો છે તથા 176 કિમી. લાંબો અને 10થી 26 કિમી. પહોળો છે. લેબેનૉનમાં આ વિસ્તાર સૌથી વધુ સમતળ ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્રદેશની ઉત્તરે ઑરોનેટ્સ નદી અને દક્ષિણે લિટાની નદી વહે છે. પૂરતા પ્રમાણમાં અહીં વરસાદ થતો ન હોવાથી બીજા વિશ્વયુદ્ધ પછી અહીં સિંચાઈ-યોજનાઓ ઊભી કરવામાં આવી છે, તેથી ખેત-પ્રવૃત્તિ વિકસી છે.

લેબેનૉન

લેબેનૉનની પૂર્વ સરહદે આવેલી ઍન્ટિ-લેબેનૉન અને હમૉર્ન પર્વતીય હારમાળા ગેડીકરણ-પ્રક્રિયાથી નિર્માણ પામેલી છે. લેબેનૉન હારમાળાથી તે ઊંચાઈમાં ઓછી છે, પરંતુ ભૂસ્તરીય દૃષ્ટિએ વૈવિધ્યસભર છે. ચૂનાખડકોથી બનેલી ઍન્ટિ-લેબેનૉન હારમાળાની સૌથી વધુ ઊંચાઈ 2,658 મીટર છે તથા હમૉર્ન હારમાળામાં વધુ ઊંચાઈ 2,814 મીટર છે. આ બંને હારમાળાને જુદી પાડવામાં બરાદા (Barada) નદીનો ફાળો મહત્ત્વનો છે.

લેબેનૉનની મુખ્ય નદીઓ લિટાની (144 કિમી. લંબાઈ), નહર (Nahr), ઇબ્રાહીમ, ઓરોનેટ્સ અને કબીર છે. આ ઉપરાંત નાની પહાડી નદીઓમાં બારિદ (Barid), અબૂ અલી (Abu Ali) અને અવાલી (Awwali)નો સમાવેશ કરવામાં આવે છે.

આબોહવા : લેબેનૉનના સ્થાનિક પ્રદેશોમાં આબોહવાની વિવિધતા જોવા મળે છે. પશ્ચિમ ભાગમાં ભૂમધ્ય પ્રકારની આબોહવા અનુભવાય છે. શિયાળામાં ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતા પવનો વરસાદ આપે છે, જ્યારે ઉનાળા સૂકા હોય છે. લેબેનૉનની આબોહવા એકંદરે ઉષ્ણકટિબંધ પ્રકારની હોવાથી પ્રમાણમાં ઉનાળા ગરમ અને સૂકા જ્યારે શિયાળામાં થોડોઘણો ભેજ જોવા મળે છે. જુલાઈ માસમાં મહત્તમ તાપમાન 32° સે. જેટલું રહે છે, જ્યારે સમુદ્રકિનારે અને અલ બિકાના ખીણપ્રદેશમાં 16° સે. જેટલું રહે છે. શિયાળામાં એટલે કે જાન્યુઆરી માસમાં લઘુતમ તાપમાન 10° સે. જેટલું રહે છે. સમુદ્રકિનારે અને ખીણપ્રદેશમાં જાન્યુઆરી માસમાં સરેરાશ તાપમાન અનુક્રમે 7° સે. અને 3° સે. જેટલું અનુભવાય છે. શિયાળામાં સમુદ્રકિનારે વરસાદનું પ્રમાણ 750થી 1,000 મિમી. જ્યારે વધુ ઊંચાઈએ 1,500 મિમી. જેટલું રહે છે. અલ બિકાનો ખીણપ્રદેશ પ્રમાણમાં સૂકો રહે છે. અહીં વરસાદનું પ્રમાણ 380 મિમી.થી 630 મિમી. રહે છે, જ્યારે વધુ ઊંચાઈએ આવેલા પર્વતીય ભાગોમાં ઉનાળાના પ્રારંભ પહેલાં હિમવર્ષા અનુભવાય છે.

વનસ્પતિજીવન-પ્રાણીજીવન : પ્રાચીન સમયમાં લેબેનૉનના પ્રદેશમાં ગીચ જંગલો હતાં; અહીંનું સિડારવૃક્ષનું લાકડું આવાસો અને જહાજ બાંધકામમાં ઉપયોગમાં લેવાતું. આજે અહીં ઓક, પાઇન, સાઇપ્રસ, ફર, જૂનિપર જેવાં વૃક્ષો જોવા મળે છે. અહીંનાં હિંસક પ્રાણીઓમાં રીંછ મુખ્ય છે, જ્યારે અન્ય પ્રાણીઓમાં હરણ, જંગલી બિલાડી, શાહુડી, ખિસકોલી અને નોળિયાનો સમાવેશ થાય છે. યુરોપ અને આફ્રિકામાંથી અનેક પક્ષીઓ સ્થળાંતર કરીને અહીં આવે છે. તેમાં સુરખાબ, પેલિકન, સારસ, બતક, બાજ અને ગરુડ મુખ્ય છે. સ્થાનિક પક્ષીઓમાં ઘુવડ, કિંગફિશર, લક્કડખોદ વગેરેનો સમાવેશ થાય છે. અહીંનાં પાલતુ પશુઓમાં ઘેટાં-બકરાં અને ઊંટ મુખ્ય છે.

લેબેનૉનમાં કૃષિક્ષેત્રે ઊંટનો ઉપયોગ

અર્થતંત્ર : ખેતી – ખેતી માટે યોગ્ય જમીનો ન હોવા છતાં આબોહવા અને મર્યાદિત પાણી-પુરવઠાને આધારે પહાડી ઢોળાવો અને સમુદ્રકાંઠે ખેતી થતી જોવા મળે છે. પહાડી ઢોળાવો અને ખીણ વિસ્તારોમાં ઑલિવ, દ્રાક્ષ, તમાકુ, અંજીર અને બદામની ખેતી થાય છે; 500 મીટરની ઊંચાઈએ આવેલા ઢોળાવો પર પીચ, અખરોટ, રાસબરી અને ચેરીના બગીચા આવેલા છે; 1,000 મીટરની ઊંચાઈએ બટાટા, શર્કરાકંદ, કઠોળ અને શાકભાજી થાય છે. સમુદ્રકાંઠાના પ્રદેશમાં શાકભાજી, કેળાં અને ખાટાં ફળોની ખેતી લેવાય છે. ખેતીમાં આધુનિકીકરણ થવાથી હવે સફરજનનું ઉત્પાદન લેવાય છે અને તેની નિકાસ પણ થાય છે.

ખનિજસંપત્તિ : લેબેનૉનમાં ખનિજોનું પ્રમાણ મર્યાદિત છે. ખાસ કરીને અહીં લોહઅયસ્ક, કોલસો અને ફૉસ્ફેટ મળી આવે છે. અહીંથી બાંધકામ માટેના પથ્થરો, કાચરેતી અને ચૂનાખડકો મળે છે. સમુદ્રકિનારે ખનિજતેલ મેળવવા સંશોધન થઈ રહ્યું છે.

ઉદ્યોગો : 1970માં થયેલા આંતરિક યુદ્ધને કારણે દેશનું અર્થતંત્ર ભાંગી પડેલું, પરંતુ આજે અહીં સિમેન્ટ, રસાયણો, વીજળીનાં સાધનો, કાપડ, રાચરચીલું અને ખાદ્યસામગ્રી બનાવતા એકમો કાર્યરત છે.

પરિવહન : લેબેનૉનમાં પાકા રસ્તા અને રેલમાળખું સંતોષકારક નથી. યુદ્ધને કારણે માર્ગો અને વાહનો સાધનોને પારાવાર નુકસાન પહોંચેલું. બૈરૂત અહીંનું મુખ્ય હવાઈ મથક તથા ટ્રિપોલી, ટાયર, સિડોન અને જુનિએહનો મુખ્ય બંદરોમાં સમાવેશ થાય છે. અહીં એક રેડિયોમથક અને ત્રણ ટેલિવિઝન-મથકો છે. અહીંથી 40 વર્તમાનપત્રો પ્રગટ થાય છે.

વસ્તી : 2021 મુજબ લેબેનૉનની કુલ વસ્તી 55.9 લાખ જેટલી છે. દર ચોકિમી. દીઠ વસ્તીની ગીચતા 291 વ્યક્તિની છે. શહેરી અને ગ્રામીણ વસ્તી અનુક્રમે 84 % અને 16 % જેટલી છે. વસ્તીના 90 % લોકો આરબ છે, તેમાં 60 % લોકો મુસ્લિમ છે, 30 % ખ્રિસ્તી તથા 10 % અન્ય છે. દેશમાં શિક્ષણનું મહત્ત્વ વધુ ન હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓ માંડ માધ્યમિક શિક્ષણની કક્ષા સુધી પહોંચે છે. આર્થિક રીતે સધ્ધર લોકો બાળકોને શિક્ષણ અપાવે છે. અહીંની રાષ્ટ્રીય ભાષા અરેબિક છે. દેશમાં લેબેનૉન યુનિવર્સિટી, બૈરૂત આરબ યુનિવર્સિટી, અમેરિકન યુનિવર્સિટી ઑવ્ બૈરૂત તથા સેન્ટ જોસેફ યુનિવર્સિટી આવેલી છે.

ઇતિહાસ : પ્રાગૈતિહાસિક કાળથી લેબેનૉનમાં માનવ-વસવાટ થયેલો છે. ત્યાં સૌપ્રથમ આવનારા ફિનિશિયનો, ઘણુંખરું ઈ. પૂ. 3000માં, દક્ષિણમાંથી આવ્યા હતા, એમ જાણવા મળે છે. તેઓ નાવિકો, વેપારીઓ, શોધકો વગેરે હતા. તેમણે કિનારાના પ્રદેશોમાં શક્તિશાળી સ્વતંત્ર રાજ્યો સ્થાપ્યાં હતાં. આશરે ઈ. પૂ. 1800થી અન્ય વિદેશી સત્તાઓ ફિનિશિયન નગર-રાજ્યો પર અંકુશ ધરાવતી હતી. તેઓ અનુક્રમે ઇજિપ્શિયનો, હિટ્ટાઇટ, અસિરિયનો, બૅબિલોનિયનો અને પર્શિયનો હતા. ઈ. પૂ. 332માં મેસિડૉનિયાના જાણીતા શાસક ઍલેક્ઝાંડરે લેબેનૉન કબજે કર્યું. ઈ. પૂ. 64માં આ પ્રદેશ રોમન સામ્રાજ્યના અંકુશ હેઠળ આવ્યો. રોમન ઇમારતોના અવશેષો હજી પણ ત્યાં મોજૂદ છે.

ઈ. સ. 325માં લેબેનૉનમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થયો. ઈ. સ. 395માં આ પ્રદેશ બાયઝેન્ટાઇન સામ્રાજ્યનો ભાગ બન્યો. સાતમી સદીની શરૂઆતમાં, અરબસ્તાનના મુસ્લિમોએ લેબેનૉન કબજે કર્યું. લેબેનૉનના કિનારાના પ્રદેશોમાં  ક્રમશ: ખ્રિસ્તીઓએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. આમ છતાં ત્યાંના પહાડી પ્રદેશોમાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્ જળવાઈ રહ્યું હતું.

ઈ. સ. 1100ના અરસામાં યુરોપના ખ્રિસ્તીઓએ લેબેનૉન પર આક્રમણ કર્યું. તેમને મુસ્લિમો પાસેથી, પૅલેસ્ટાઇનની પાસેના પવિત્ર પ્રદેશો પુન: પ્રાપ્ત કરવા હતા. લેબેનૉનના પહાડી પ્રદેશોના ખ્રિસ્તીઓએ આક્રમક ખ્રિસ્તીઓ સાથે મૈત્રીસંબંધો વિકસાવ્યા. આશરે 1300માં ઇજિપ્તના મામુલક વંશના શાસકોએ સર્વે હુમલાખોરોને લેબેનૉનમાંથી હાંકી કાઢ્યા.

તુર્કોએ 1516માં લેબેનૉન કબજે કરીને, તેને ઑટોમન સામ્રાજ્યમાં વિલીન કરી દીધું. તેમનું પાટનગર ઇસ્તંબુલમાં હતું. લેબેનૉનના મધ્યભાગમાં આવેલ માઉન્ટ લેબેનૉને સ્થાનિક શાસકો હેઠળ મર્યાદિત સત્તા જાળવી રાખી. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) સુધી ઑટોમન સામ્રાજ્યે લેબેનૉન પર શાસન કર્યું. ત્યારબાદ ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સે લેબેનૉન કબજે કર્યું.

ઈ. સ. 1922માં ફ્રાન્સે, લેબેનૉનને સ્વતંત્રતા માટે તૈયાર કરવા માંડ્યું. ફ્રેન્ચોએ માઉન્ટ લેબેનૉનમાં ખ્રિસ્તીઓને તથા કિનારાના પ્રદેશોમાંના મુસ્લિમોને એક સરકાર હેઠળ ભેગા કર્યા. લેબેનૉનનું બંધારણ ઘડવામાં પણ ફ્રેન્ચોએ મદદ કરી. લેબેનૉન 1943માં સંપૂર્ણ સ્વંતત્ર થયું. ખ્રિસ્તી તથા મુસ્લિમ નેતાઓ સરકારમાં સત્તામાં હિસ્સો આપવા કબૂલ થયા. સ્વાતંત્ર્ય બાદ, વેપાર અને નાણાકીય કેન્દ્ર તરીકે લેબેનૉન ઘણું સમૃદ્ધ થયું.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી, લેબેનૉને પશ્ચિમના દેશો સાથે ઘનિષ્ઠ સંબંધો વિકસાવ્યા. દેશમાં શાંતિ પ્રવર્તતી હતી, પરંતુ 1958માં કેટલાક મુસ્લિમોએ બળવો કર્યો. તેમણે પશ્ચિમના દેશો સાથે રાજકીય તથા લશ્કરી જોડાણનો વિરોધ કર્યો. ઈ. સ. 1969માં, પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠનની પ્રવૃત્તિએ લેબેનૉનમાં લડાઈ કરાવી. તેના નેતાઓનો ઉદ્દેશ પૅલેસ્ટાઇનનું અલગ રાજ્ય ત્યાંના આરબો વાસ્તે સ્થાપવાનો હતો.

સિત્તેરના દાયકામાં, લેબેનૉનના ખ્રિસ્તીઓ તથા મુસ્લિમ જૂથો વચ્ચે સંઘર્ષ થયો. દેશમાં સશસ્ત્ર પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠનની હાજરીનો ખ્રિસ્તીઓએ વિરોધ કર્યો અને મુસ્લિમોએ તેને ટેકો આપ્યો.

ખ્રિસ્તીઓ તથા પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠન અને ત્યાંના મુસ્લિમોના જોડાણ વચ્ચે 1973માં દેશમાં આંતરવિગ્રહ શરૂ થયો. તેમાં હજારો લોકો મરણ પામ્યા અને મિલકતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું. લેબેનૉનની ઉત્તર તથા પૂર્વની સરહદે આવેલા સીરિયાએ 1976માં શાંતિ સ્થાપવા માટે લશ્કર મોકલ્યું. તે વર્ષે લડાઈ બંધ થઈ, પરંતુ ધિંગાણાં થતાં હતાં. ખ્રિસ્તીઓને મુસ્લિમો તથા સીરિયાથી આવેલા સૈનિકો વચ્ચે લડાઈઓ થતી હતી. આવા બનાવો વારંવાર બનવાથી 1978માં યુનાઇટેડ નેશન્સે લેબેનૉનમાં શાંતિસેના મોકલી.

જૂન 1982માં ઇઝરાયલના સૈન્યે દક્ષિણ લેબેનૉન પર આક્રમણ કરીને, પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠનના લશ્કરને દેશના દક્ષિણ પ્રદેશોમાંથી નસાડી મૂક્યું. ઇઝરાયલી સેનાએ, પશ્ચિમ બૈરૂતને ઘેરી લીધું. ઇઝરાયલે માગણી કરી કે પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠન લેબેનૉન ખાલી કરી જાય. આ આક્રમણથી ઘણા નાગરિકો તથા સૈનિકો માર્યા ગયા અને ઘણું નુકસાન થયું. એ વર્ષના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠનનું લશ્કર બૈરૂત છોડીને ગયું. છતાં ઉત્તર લેબેનૉનમાં તેના કેટલાક સૈનિકો રહ્યા હતા.

સપ્ટેમ્બરની મધ્યમાં લેબેનૉનના ચૂંટાયેલા પ્રમુખ તથા લેબેનીઝ ક્રિશ્ચિયન મિલિશિયાના આગેવાનની હત્યા થઈ. તેથી ક્રિશ્ચિયન મિલિશિયાના સભ્યોએ પશ્ચિમ બૈરૂતમાં ઇઝરાયલે કબજે કરેલા પ્રદેશમાં નિરાશ્રિતોની છાવણીઓમાં સેંકડો પૅલેસ્ટિનિયન નાગરિકોની કતલ કરી. તે સમયે ઇઝરાયલી સેના નિષ્ક્રિય રહેવાથી તેની ટીકા કરવામાં આવી. ત્યારબાદ લેબેનૉનમાં હિંસા ફાટી નીકળવાથી, ત્યાંની સરકારે શાંતિ જાળવવા વિદેશી સૈન્યો બોલાવ્યાં. તેથી યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, ઇટાલી અને ગ્રેટ બ્રિટને સૈન્યો મોકલ્યાં. યુનાઇટેડ નેશન્સની શાંતિસેના તથા અગાઉ આવેલી ઇઝરાયલ અને સીરિયાની સેનાઓ પણ ત્યાં રોકાઈ ગઈ.

1983ના છેલ્લા મહિનાઓમાં, વિદેશી સૈનિકો આતંકવાદીઓના બૉમ્બમારાનો ભોગ બન્યા. એક આત્મઘાતી આતંકવાદીએ કરેલા બૉમ્બ-વિસ્ફોટથી યુનાઇટેડ સ્ટેટ્સના 241 સૈનિકો મરણ પામ્યા. એવા બીજા હુમલાથી 54 ફ્રેન્ચ સૈનિકો તથા ઇઝરાયલી લશ્કરી મુખ્ય મથક પરના હુમલાથી ટાયગર નગરીમાં 28 ઇઝરાયલીઓ મોતને ભેટ્યા.

ફેબ્રુઆરી 1984માં શિયા મુસ્લિમોએ લેબેનૉનની સરકાર પાસેથી બૈરૂતનો કેટલોક વિસ્તાર કબજે કર્યો. ત્યારબાદ યુ.એસ., ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ તથા ઇટાલીએ લેબેનૉનમાંથી પોતાનાં સૈન્યો દૂર કર્યાં. 1985માં ઇઝરાયલે તેની સરહદ પર આવેલ સલામત વિસ્તાર સિવાયના લેબેનૉનમાંથી તેના સૈનિકો પાછા બોલાવી લીધા. લેબેનૉનમાં આતંકવાદ ચાલુ રહ્યો. લેબેનૉનના વડાપ્રધાન રશીદ કરામી 1987માં, લશ્કરના હેલિકૉપ્ટરમાં પ્રવાસ કરતા હતા ત્યારે, બૉમ્બ-વિસ્ફોટમાં મરણ પામ્યા.

ખ્રિસ્તી કોમના પ્રમુખ અમીન ગેમાયેલે 1988માં, પોતાનો હોદ્દો છોડતાં અગાઉ, મુસ્લિમ વડાપ્રધાન સલીમ અલ હસના સ્થાને ખ્રિસ્તી કોમના જનરલ માઇકલ એઉનને નીમ્યા. ગેમાયેલે નવા પ્રધાનમંડળની પણ નિમણૂક કરી. લેબેનૉનના મુસ્લિમોએ વચગાળાની આ સરકારને માન્ય રાખી નહિ. અલ હસે દાવો કર્યો કે તેને અને તેના પ્રધાનમંડળને સત્તા પર રહેવાનો હક છે તેથી લેબેનૉનમાં બે સરકારો થઈ.

5 નવેમ્બર 1989ના રોજ ધારાસભાએ, નવા ખ્રિસ્તી પ્રમુખ રેને મૌઆવદને ચૂંટ્યા, પરંતુ 22 નવેમ્બરના રોજ તેમની હત્યા થઈ. ત્યારબાદ, ધારાસભાએ બીજા ખ્રિસ્તી ઇલિયાસ હરાવીને પ્રમુખપદે ચૂંટ્યા.

ઑક્ટોબર 1990માં સીરિયાના કમાન્ડોએ હારાવીના ટેકાથી માઇકલ એઉનના સૈનિકોએ હરાવ્યા. ત્યારબાદ, લેબેનૉનમાં ખાનગી લશ્કરી જૂથો વચ્ચે લડાઈ થઈ. શાંતિની યોજનાના ભાગરૂપે, લેબેનીઝ સરકારે બધાં ખાનગી લશ્કરી દળોને બૈરૂતમાંથી પાછાં જવા હુકમ કર્યો અને તેનો અમલ કરવામાં આવ્યો. 1991માં સરકારના હુકમ મુજબ, બધાં ખાનગી લશ્કરી જૂથો વિખેરી નાંખી, શસ્ત્રો સોંપી દેવામાં આવ્યાં. ત્યાં બાકી રહેલા પૅલેસ્ટાઇન મુક્તિ સંગઠનના સૈનિકોને હરાવીને નિ:શસ્ત્ર કરી દેવામાં આવ્યા. 1975થી 1991 દરમિયાન ત્યાં આંતરવિગ્રહ ચાલ્યો. સરકાર દ્વારા પ્રકાશિત આંકડા અનુસાર તેમાં 1,44,240 માણસો માર્યા ગયા; 1,97,506 ઘવાયા અને 17,415 ખોવાયા, જે મરણ પામ્યા હશે. હડતાળો, રમખાણો, ભ્રષ્ટાચાર અને ફુગાવાને કારણે વડાપ્રધાન ઓમર કરામીએ 6 મે 1992ના રોજ રાજીનામું આપ્યું. તેમના પછી રશીદ અલ સુલને પ્રમુખ ઇલિયાસ હારાવીએ વડાપ્રધાન નીમ્યા. જુલાઈ 1993માં ઇઝરાયલે દક્ષિણ લેબેનૉન પર બૉમ્બવર્ષા કરી. તેનાથી 70 ગામોને નુકસાન થયું. 130 લેબેનીઝ મરણ પામ્યા, 600 ઘવાયા અને ત્રણ લાખ લોકો નિરાશ્રિત થઈ ગયા. 1995ના વર્ષમાં દક્ષિણ લેબેનૉન પર ઇઝરાયલના હુમલા ચાલુ રહ્યા. એપ્રિલ 1996માં અને તે પછીના ઇઝરાયલના હુમલામાં સેંકડો લેબેનીઝ માર્યા ગયા, બીજા સેંકડો ઘવાયા તથા કરોડો પાઉન્ડની મિલકતો – પુલો, માર્ગો, ઇમારતો વગેરેને નુકસાન થયું.

સીરિયાનું 30,000નું લશ્કર લેબેનૉનમાં હતું અને ત્યાંના રાજકારણ ઉપર સીરિયા અંકુશ ધરાવતું હતું. લેબેનૉનના યુદ્ધખોર હઝ્બોલ્લા ઉપર તેનો પ્રભાવ હતો. ઇઝરાયલે 1978માં દક્ષિણ લેબેનૉન જીતી લીધું હતું અને બે દાયકા સુધી તેના કબજામાં હતું. 1998માં ઇઝરાયલના અંકુશ હેઠળથી તેને મુક્ત કરાવવા વાસ્તે આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું. યુનાઇટેડ નેશન્સે પણ લેબેનૉન ખાલી કરવા ઇઝરાયલને જણાવતો ઠરાવ કર્યો. આ વર્ષ દરમિાયન હઝબોલ્લા ગેરીલાઓ તથા ઇઝરાયલના લશ્કર વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો. આખરે મે 2000માં ઇઝરાયલે દક્ષિણ લેબેનૉનમાંથી તેનું લશ્કર પાછું બોલાવી લીધું અને સિરિયાના ટેકાથી હિઝબોલા અંદર પ્રવેશ્યા. 2001માં ઈઝરાયલે મધ્ય લેબેનોનમાં સિરિયાનાં રડારના સ્થળોએ હુમલો કર્યો. જૂન 2001માં સિરિયાનું લશ્કર બૈરૂતથી બોલાવી લેવામાં આવ્યું. 2003માં લેબેનોનમાં મહત્ત્વનો રાજકીય પ્રશ્ન પ્રમુખ અને વડાપ્રધાન વચ્ચેનો ધ્રુવીકરણનો હતો. 2004માં સિરિયાના દબામથી લેબેનોનની પાર્લામેન્ટે પ્રમુખ એમિલ લેહીઉડની મુદતમાં ત્રણ વર્ષનો વધારો કર્યો. 2005માં લેબેનોનમાંથી સિરિયાનું લશ્કર પાછું ખેંચી લેવામાં આવ્યું. નવેમ્બર 2007માં પ્રમુખની મુદત પૂરી થઈ. પરંતુ નવો પ્રમુખ ચૂંટાયો નહોતો. તેથી વડાપ્રધાન ફૌઆદ સિનીઅરા કામચલાઉ પ્રમુખ બન્યો. 25 મે, 2008થી જનરલ મુશેલ સુલેમાન દેશનો નવો પ્રમુખ ચૂંટાયો. 7 જૂન, 2009ના રોજ પાર્લમેન્ટની ચૂંટણી થઈ. સાદ અલ હરીરીએ તે પછી રાષ્ટ્રીય સરકારની રચના કરી. જાન્યુઆરી 2011માં રાષ્ટ્રીય એકતા સરકારનું પતન થયું. ઈ. સ. 2012માં હિંસાના બનાવો વધ્યા અને સુન્ની તથા અલાવાઈટ્સ લોકો વચ્ચે ટ્રિપોલીમાં સશસ્ત્ર અથડામણો થઈ. 27 ડિસેમ્બર, 2013ના રોજ પાટનગર બૈરૂતમાં નાણાં મંત્રી મોહમદ ચાટા અને બીજા સાત જણાને કાર બોમ્બ વડે મારી નાખવામાં આવ્યા.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ