લેન્સ (lens) : કાચ કે અન્ય પારદર્શક માધ્યમનો ટુકડો, જેની એક અથવા બંને સપાટી(ઓ) વક્રાકાર હોય. લેન્સની એક સપાટી તરફ કોઈ વસ્તુ કે ચિત્ર મૂકેલ હોય તો તેનું પ્રતિબિંબ પ્રકાશના વક્રીભવન બાદ બીજી સપાટી તરફથી અવલોકવામાં આવે છે. લેન્સની બંને (અથવા એક) સપાટી ગોળાકાર હોય છે. એટલે કે તેની વક્રતા-ત્રિજ્યા નિશ્ચિત હોય છે. જો લેન્સની જાડાઈ તેનાથી વસ્તુના અંતર કરતાં ઓછી હોય તો તે પાતળો લેન્સ ગણાય છે. લેન્સને દૃક્કાચ પણ કહે છે.
લેન્સનું વર્ગીકરણ તેની સપાટીઓના આકાર પરથી થઈ શકે છે. આ બાબત આકૃતિ 1માં દર્શાવેલ છે.
વળી આકૃતિ 2માં લેન્સનું કાર્ય સમજાવેલ છે અને કેટલાક ખાસ શબ્દો કે વ્યાખ્યાઓ; દાખલા તરીકે અક્ષ કે ધરી (axis), કેન્દ્રતલ (focal plane), મુખ્ય કેન્દ્ર F (focus) વગેરેની સમજૂતી આપવામાં આવી છે. આકૃતિ 2(a) મુજબ જ્યારે પ્રકાશનાં સમાંતર કિરણો બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે ત્યારે લેન્સમાં વક્રીભવન થવાથી તે કિરણો બીજી બાજુએ અક્ષ પરના બિંદુ F (મુખ્ય કેન્દ્ર) પર કેન્દ્રિત થાય છે, જ્યારે આકૃતિ 2(b) મુજબ અંતર્ગોળ લેન્સમાં કિરણો F પર કેન્દ્રિત થતાં હોય તેવો એક આભાસ થાય છે. પદાર્થ(object)માંથી નીકળતાં કિરણો લેન્સમાંથી પસાર થાય ત્યારે તે પદાર્થનું સાચું (real) કે આભાસી (virtual) પ્રતિબિંબ રચાય છે. સાચું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી કે નોંધી શકાય નહિ, તે માત્ર લેન્સ દ્વારા જોઈ શકાય છે. નાની વસ્તુ(દાખલા તરીકે ઝીણા અક્ષરો)ને મોટી દેખાડવા માટે સાદા પ્રવર્ધક (magnifier) તરીકે વપરાતો બહિર્ગોળ કાચ એ લેન્સનો ખૂબ જ જાણીતો ઉપયોગ છે. વધુમાં એક લેન્સના ઉપયોગો ચશ્માંના કાચ, સંપર્ક દૃક્કાચ (contact lens) વગેરેમાં પણ થાય છે. લેન્સની ઉપયોગિતામાં વધારો કરવા માટે બે કે વધુ લેન્સનું સંયોજન રચવામાં આવે છે, જેને સંયુક્ત લેન્સ (compound lens) કહે છે. આવી રચના કૅમેરા, બાઇનૉક્યુલર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ વગેરેમાં પ્રયોજાય છે.
આપણી આંખ એ સંકેન્દ્રી લેન્સનું વિશિષ્ટ ઉદાહરણ છે. વળી કોઈક લેન્સના કાર્યમાં કેટલીક ત્રુટિઓ કે ખામીઓ (aberrations) જોવા મળે છે. ત્યારે લેન્સનું યોગ્ય જોડાણ કરવાથી આ ખામીઓ સુધારી કે ઘટાડી શકાય છે. આ ખામીઓ જેટલા પ્રમાણમાં સુધરે તે મુજબ લેન્સ-પ્રણાલીની ગુણવત્તા [દા.ત., તેની વિભેદનશક્તિ(resolving power)]માં વધારો થાય છે. પ્રકાશીય (optical) સાધનોની ગુણવત્તા અને ઉપયોગિતા વધારવા માટે તેના વસ્તુ-કાચ(objective)માં બેથી વધુ લેન્સનું યોગ્ય સંયોજન કરવામાં આવે છે. કૅમેરાનો ઝૂમ-લેન્સ (zoom lens) એ ચલિત-કેન્દ્રલંબાઈ (variable focal length) ધરાવતો સંયુક્ત લેન્સ છે, જેમાં જુદા જુદા સમૂહોમાં મળીને 18થી 20 જેટલા દૃક્કાચોનું જોડાણ કરેલું હોય છે. આ લેન્સ-સમૂહોના સુયોગ્ય સ્થાનાન્તર દ્વારા ઇચ્છિત ફેરફાર મેળવી શકાય છે.
લેન્સનો વ્યાસ પણ તેના ઉપયોગ પ્રમાણે ઓછોવધતો હોય છે. માઇક્રોસ્કોપનો લેન્સ 0.16 સેમી. જેટલા વ્યાસનો હોય છે, તો ખગોળીય ટેલિસ્કોપનો લેન્સ લગભગ 100 સેમી. વ્યાસનો હોઈ શકે. કાચના ટુકડાને કાપીને તેને યોગ્ય આકાર આપ્યા બાદ સપાટીઓને લિસ્સી-મૃદુ (smooth) બનાવવાથી જરૂરિયાત મુજબનો લેન્સ બને છે. આ પ્રક્રિયામાં હવે જટિલતા તેમજ આધુનિકતા આવેલ છે; પરંતુ ભૂતકાળમાં આને માટે સમય, ધીરજ અને ખંતની ખૂબ જરૂર પડતી. વિલિયમ હર્ષલ જેવા ખગોળશાસ્ત્રીઓએ પોતાનાં સંશોધનો માટે શક્તિશાળી ટેલિસ્કોપ બનાવવા તે માટે જરૂરી લેન્સ તૈયાર કરવામાં દિવસોના દિવસો સુધી મહેનત કર્યાનું પણ ઇતિહાસમાં નોંધાયેલ છે.
પ્રવીણચંદ્ર ડાહ્યાભાઈ પટેલ