લૅન્ફ્રેન્કો, જિયૉવાની

January, 2005

લૅન્ફ્રેન્કો, જિયૉવાની (જ. 1582, પાર્મા, ઇટાલી; અ. 1647, રોમ, ઇટાલી) : ઇટાલિયન બરૉક ચિત્રકાર. ચિત્રકાર એગોસ્તીનો કારાચીના તેઓ શિષ્ય હતા. ઉપરાંત કોરેજિયોએ ચીતરેલાં ભીંતચિત્રોની તેમના પર ખાસ્સી અસર પડી હતી. 1616માં તેમણે કેસીનો બોર્ગીસેના ઘુમ્મટનું તાળવું ચીતર્યું. અહીં ચિત્રિત આકાશ અને માનવઆકૃતિઓ દ્વારા એવી ભ્રમણા ઊભી કરવામાં એ સફળ થયા કે જાણે ઘુમ્મટ છે જ નહિ અને નીચે ઊભા ઊભા ડોકું ઊંચું કરી જોતાં ખુલ્લું આકાશ તથા તે આકાશમાં ઉડ્ડયન અને સ્વૈરવિહાર કરતી માનવઆકૃતિઓ નજરે પડે છે.

જિયૉવાની લૅન્ફ્રેન્કોએ દોરેલું એક ચિત્ર

આ પછી તેમને રોમના અનેક ઘુમ્મટોનાં તાળવાં ચીતરવાનું કામ મળ્યું. ચિત્રકાર ડોમેનિયિનોને રોમના સેંટ આન્દ્રેયા દેલ્લા વાલે ચર્ચમાં આવું મળેલું એક કામ પણ પછી લૅન્ફ્રેન્કોને મળતાં ઈર્ષ્યાથી સળગી ઊઠેલા ડોમેનિયિનોએ કડિયાઓને ફોડીને વજનથી તૂટી પડે એવો માંચડો બંધાવ્યો જેથી લૅન્ફ્રેન્કો ચિત્ર ચીતરતા હોય ત્યારે એમના પોતાના વજનથી માંચડો તૂટી જાય અને લૅન્ફ્રેન્કો મરી જાય ! પણ માંચડો તૂટ્યો જ નહિ અને લૅન્ફ્રેન્કોએ પૂરું કરેલું ભીંતચિત્ર ‘એસમ્પ્શન’ (દૈવી ગર્ભધારણ) અનન્ય લોકપ્રિયતા પામ્યું; એટલું જ નહિ, આ ચિત્રથી પ્રભાવિત પોપે સેંટ પીટર્સ બસીલિકામાં ભીંતચિત્રો ચીતરવાનું કામ તેને આપ્યું. 1634થી 1646 સુધી એ નેપલ્સમાં રહ્યા. ત્યાં સેંટ જેનારો ચૅપલમાં પણ તેમણે ઘુમ્મટનું તાળવું કોરેજિયોની શૈલીમાં ચીતર્યું.

અમિતાભ મડિયા