લેનૉક્સ, શાર્લોટ રૅમસે (જ. 1720, ન્યૂયૉર્ક સિટી; અ. 4 જાન્યુઆરી 1804, લંડન) : જન્મે અમેરિકન, પણ અંગ્રેજ મહિલા નવલકથાકાર. પિતા ન્યૂયૉર્કના લેફ્ટેનન્ટ ગવર્નર હતા. અભિનેત્રી તરીકે સફળતા મળી નહિ એટલે તેમણે લેખનનો વ્યવસાય સ્વીકાર્યો. માત્ર 15 વર્ષની ઉંમરે ન્યૂયૉર્ક છોડીને લંડનમાં વસવાટ કર્યો. 1748માં ઍલેક્ઝાન્ડર લેનૉક્સ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. શેક્સપિયરનાં નાટકોના મૂળ સ્રોતોના તુલનાત્મક અભ્યાસના નિષ્કર્ષ રૂપે તેમણે ‘શેક્સપિયર ઇલસ્ટ્રેટેડ’ (1753-54) પ્રસિદ્ધ કર્યું. આ સંશોધન માટે કદાચ ડૉ. જૉનસનનું માર્ગદર્શન તેમને મળ્યું હોય તેમ લાગે છે. જોકે મુખ્યત્વે તેમણે નવલકથાઓ લખી હતી. ‘ધ લાઇફ ઑવ્ હૅરિયટ સ્ટુઅર્ટ’ (1750) એમનો લખેલો જીવનવૃત્તાંત છે. તેમની ‘ધ ફીમેલ ક્વિક્સોટ
ઑર ધી એડવેન્ચર્સ ઑવ્ ઍરાબેલા’ (1752) નવલકથાની પ્રશંસા એ જમાનાના સૅમ્યુઅલ જૉનસન, હેન્રી ફીલ્ડિંગ અને સૅમ્યુઅલ રિચાર્ડ્ઝ જેવા મૂર્ધન્ય સાહિત્યકારોએ કરેલી. ‘ઍન્જેલિકા : ઑર ક્વિક્સોટ ઇન પેટિકોટ્સ’ (1758) તેનું નાટ્યરૂપાંતર છે. ઍરાબેલા એક ઉમરાવની અતિસુંદર પુત્રી છે અને પુરુષોને તે માત્ર ગુલામો તરીકે જ જુએ છે. તેની માન્યતા મુજબ પુરુષસમાજ સારો ન જ હોઈ શકે. તે પોતે પ્રવાસની ભારે શોખીન છે. છેવટે ગ્રેનવિલ સાથે લગ્ન કરી તે સ્થિર થાય છે. એમની અન્ય એક નવલકથા ‘હેન્રિયેટા’(1758)નું પણ નાટ્યરૂપાંતર કરવામાં આવેલું. ‘ધ સિસ્ટર’ (1769) તેમનું હાસ્યપ્રધાન નાટક છે અને તેને સફળતાપૂર્વક રંગમંચ પર રજૂ કરવામાં આવ્યું હતું. ‘સોફિયા’ (1762) અને ‘યૂફીમિયા’ (1790) તેમની અન્ય નવલકથાઓ છે. ડૉ. જૉનસને તેમના શબ્દકોશમાં ‘ટૅલન્ટ’ શબ્દનો અર્થ આપતી વખતે શાર્લોટ લેનૉક્સના નામનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તીવ્ર લાગણીઓને પારખીને તેમની તાદૃશ અભિવ્યક્તિ કરવાની કલા એમને વરી હતી. ભાવપ્રધાન નવલકથા(novel of sentiment)નાં સર્જકોમાં શાર્લોટ લેનૉક્સનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. જોકે તાજુબીની વાત એ છે કે તેમનું મૃત્યુ મુફલિસી હાલતમાં થયેલું.
વિ. પ્ર. ત્રિવેદી