લેઝિમ : તાલબદ્ધ રીતે સાધન-વ્યાયામ કરવાની ખૂબ જ લોકપ્રિય પ્રાચીન ભારતીય પદ્ધતિ. શહેરો કરતાં ગામડાંઓમાં આજે પણ લેઝિમ ખૂબ જ લોકપ્રિય સાધન-વ્યાયામ ગણાય છે. લેઝિમની વિશેષતા એ છે કે લેઝિમ કરતી વખતે તેમાંથી જે ઝંકાર સાથે સંગીત નીકળે છે તેને કારણે લેઝિમ કરનારને થાક લાગતો નથી અને સાથે સાથે જો તાલબદ્ધ રીતે સમૂહમાં કરવામાં આવે તો જોનારાઓને ખૂબ જ દર્શનીય અને કર્ણપ્રિય લાગે છે. એટલા માટે જ અત્યારે તો લેઝિમનો ઉપયોગ ફિલ્મોમાં પણ કરવામાં આવે છે. આમ તો લેઝિમનો ઉપયોગ ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ ગણેશ-વિસર્જનોત્સવ દરમિયાન મહારાષ્ટ્રમાં તથા ગુજરાતમાં પણ સામૂહિક રીતે લેઝિમનો ઉપયોગ જોવા મળે છે. મહારાષ્ટ્ર તથા ગુજરાત ઉપરાંત ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ધીમે ધીમે લેઝિમનો ઉપયોગ લોકપ્રિય બનતો જાય છે.
લેઝિમ ખૂબ જ સરળ અને સસ્તું વ્યાયામનું સાધન છે. તેના મુખ્ય ચાર ભાગો હોય છે : 1. લાકડાની દાંડી, 2. લોખંડની સળી, 3. લોખંડની કડીઓ અને 4. દરેક લોખંડની કડીમાં નાની નાની પતરાની પટ્ટીઓ. લેઝિમનું કુલ વજન આશરે એક કિલોગ્રામ જેટલું હોય છે. લાકડાની દાંડી પર રંગ કરીને એને આકર્ષક પણ બનાવી શકાય છે. લેઝિમ કરતી વખતે પતરાની નાની નાની પટ્ટીઓ જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે ખૂબ જ કર્ણપ્રિય સંગીત નીકળે છે, જે લેઝિમનો વ્યાયામ કરનારને તેમજ જોનારને મંત્રમુગ્ધ કરી નાંખે છે. કેટલીક વાર લેઝિમ સાથે ‘ઢોલ’ અથવા ‘દલગી’ પણ ઉપયોગમાં લેવાય છે. આમ તો લેઝિમનો ઉપયોગ કરનારાઓ પોતાની રીતે લેઝિમ કરતા હોય છે; પરંતુ મોટાભાગે લેઝિમની ત્રણ પદ્ધતિઓ ખૂબ જ પ્રચલિત છે : 1. હિન્દુસ્તાની લેઝિમ, 2. એન. ડી. એસ. (નૅશનલ ડિસિપ્લિન સ્કીમ) લેઝિમ અને 3. ઘાટી લેઝિમ. આ ત્રણેયમાંથી ઘાટી લેઝિમ સૌથી વધુ લોકપ્રિય છે. મહારાષ્ટ્રમાં ઘાટી લોકો આ પદ્ધતિ પ્રમાણે લેઝિમ કરે છે તેના કારણે આ ‘ઘાટી લેઝિમ’ કહેવાય છે. ઘાટી લેઝિમની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં ફક્ત આઠ કાઉન્ટ જ છે અને આ આઠ કાઉન્ટની મદદથી બધા જ દાવો કરી શકાય છે. અત્યારે ભારત સરકારે સામાન્ય પ્રજાના સ્વાસ્થ્ય માટે ‘ભારતીયમ્’ વ્યાયામનિદર્શન પદ્ધતિ અપનાવી છે અને તેમાં પણ ઘાટી લેઝિમના દાવો પસંદ કરવામાં આવ્યા છે; એટલું જ નહિ, પણ ભારતની સમગ્ર શાળાઓની અંદર પણ લેઝિમને વ્યાયામની માન્ય પદ્ધતિ ગણવામાં આવી છે. આ રીતે પ્રાચીન કાળથી ચાલી આવતી લેઝિમ દ્વારા વ્યાયામ કરવાની પદ્ધતિ આજે પણ ભારતમાં લોકપ્રિય છે.
પ્રભુદયાલ શર્મા