લેગેટ, ઍન્થની જેમ્સ (સર)

January, 2005

લેગેટ, ઍન્થની જેમ્સ (સર) (Anthony James Leggett) (જ. 26 માર્ચ 1938, કેમ્બરવેલ, લંડન) : નિમ્ન તાપમાન ભૌતિકવિજ્ઞાન અને અતિતરલતા(superfluidity)ના કાર્યક્ષેત્રે પુરોગામી વૈશ્વિક અગ્રણી નેતા અને યુ.કે.ના નાગરિક. આ કાર્યની સ્વીકૃતિરૂપે વર્ષ 2003ના નોબેલ પુરસ્કારના વિજેતા. સામાન્ય અને અતિતરલ હિલિયમ પ્રવાહી અને પ્રબળ રીતે યુગ્મિત (coupled) અતિતરલો માટેની સૈદ્ધાંતિક સમજૂતીને સુંદર ઓપ આપ્યો. વળી સ્થૂળ ક્ષયકારી (dissipative) પ્રણાલીઓની ક્વૉન્ટમ ભૌતિકીમાં સંશોધનની દિશા નિશ્ચિત કરી આપી તથા ક્વૉન્ટમ યાંત્રિકીની બુનિયાદની કસોટી માટે સંઘનિત પ્રણાલીઓનો ઉપયોગ કરી બતાવ્યો.

તેમના પૂર્વજો હેમ્પશાયરના એક નાનકડા ગામમાં મોચી હતા, પણ તેમના પિતાએ જ્ઞાતિની તમામ પ્રણાલિકાઓનો ભંગ કરીને ફળ તથા શાકભાજી વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. તેમની માતા આયરિશ હતાં. તેમના પરિવારમાં માતા-પિતા યુનિવર્સિટીનું શિક્ષણ લેનાર પ્રથમ હતાં. તેમના પિતા માધ્યમિક શાળામાં ગણિતશાસ્ત્ર, ભૌતિક અને રસાયણવિજ્ઞાનના શિક્ષક હતા. તેમનાં માતા ગણિતશાસ્ત્ર ભણાવતાં હતાં. લેગેટને બે ભાઈઓ અને બે બહેનો હતાં. તેમનાં માતા-પિતા રોમન કૅથલિક હતાં.

ઍન્થની જેમ્સ લેગેટ (સર)

લેગેટના જન્મ બાદ તેમનાં માતા-પિતાએ દક્ષિણ લંડનના અપર નોરવૂડમાં મકાન ખરીદ્યું. તેમની 18 વર્ષની વયે યુદ્ધ ફાટી નીકળતાં તેમના પરિવારને એન્ગલફિલ્ડ ગ્રીનમાં રહેવા જવાની ફરજ પડી. યુદ્ધ દરમિયાન ત્યાં જ રહેવું પડ્યું. યુદ્ધ પૂરું થતાં તે અપર નોરવૂડના મકાનમાં પાછાં ફર્યાં અને 1950 સુધી ત્યાં રહ્યાં.

1954માં બેલિયોલ કૉલેજ(ઑક્સફર્ડ)ની શિષ્યવૃત્તિ મળી; યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને ટૅકનિકલ ડિગ્રી મેળવવાનું નક્કી કર્યું. મૅરટોન કૉલેજમાંથી ભૌતિકવિજ્ઞાનમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી. અહીંના સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનના રીડર, ડિર્ક ટર હારે (Dirk Ter Haar) લેગેટને ‘Some Problems in the Theory of Many Body System’ ઉપર સંશોધન કરવાનું સોંપ્યું. હાર પોતાના વિદ્યાર્થીઓમાં અને તેમના પરિવારમાં અંગત અને ઊંડો રસ લઈને તેમને મદદ કરવા હરગિજ તૈયાર રહેતા. વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરતા. લેગેટને મેગ્ડેલન ખાતે પ્રાઇઝ ફેલોશિપ મળે તે માટે પૂરો પ્રયાસ કર્યો.

1964–65ના એક વર્ષ દરમિયાન ડેવિડ પ્રાઇન્સ અને તેમના સાથીદારો જ્હૉન બાર્ડીને, ગોર્ડન બાય્મ (Baym) અને અન્યોએ લેગેટને પોસ્ટ ડૉક્ટરલ સંશોધન માટે સુંદર વાતાવરણ પૂરું પાડ્યું. ત્યાર બાદ તેમણે જાપાનમાં કિયોટો યુનિવર્સિટીના પ્રો. મેટસુબારા સાથે એક વર્ષ ગાળ્યું. 1967માં સસેક્સ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતાપદ સ્વીકારી પછીનાં 15 વર્ષ ત્યાં ગાળ્યાં. 1982માં ઇલિનૉઈ યુનિવર્સિટીમાં મૅક્આર્થર સ્વાધ્યાયપીઠ સાથે જોડાઈને કાર્ય કર્યું. 1980થી અતિતરલ 3Heના સંશોધનથી વિમુખ થઈને નિમ્ન તાપમાન ભૌતિકવિજ્ઞાન તરફ વળ્યા. નિમ્ન તાપમાને કાચના ગુણધર્મો, ઉચ્ચ તાપમાન અતિવાહકતા (super conductivity) અને ભૌતિક જગતને વર્ણવવા માટે ક્વૉન્ટમ યાંત્રિકીની રચના રોજબરોજના જીવનમાં કસોટીરૂપ પ્રયોગના નિર્માણ માટેના સિદ્ધાંત ઉપર કાર્ય કર્યું.

તેઓ અનેક દેશ-વિદેશની એકૅડેમીની ફેલોશિપ ધરાવે છે. ભૌતિકવિજ્ઞાનક્ષેત્રે કરેલી સેવાઓ અને સંશોધનની કદર રૂપે રાણી ઇલિઝાબેથ-II એ તેમને KBEથી સન્માન્યા. તેઓ યુ.કે. અને યુ.એસ. બંનેનું નાગરિકત્વ ધરાવે છે. 2007થી તેઓ વોટર્લુ યુનિવર્સિટીમાં પાંચ વર્ષ માટે જોડાયા છે.

પ્રહલાદ છ. પટેલ