લેગહૉર્ન (Leghorn) : ઇટાલીમાં આવેલું મુખ્ય દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : 43° 33´ ઉ. અ. અને 10° 19´ પૂ. રે.. તેનું સ્થાનિક ઇટાલિયન નામ ‘લિવોર્નો’ છે. ફ્લૉરેન્સથી નૈર્ઋત્યમાં આશરે 100 કિમી. અંતરે લિગુરિયન સમુદ્રને કાંઠે તે આવેલું છે. બંદર હોવા ઉપરાંત તે અગત્યનું ઔદ્યોગિક શહેર પણ છે, જ્યાં પોલાદનાં અને કાચનાં કારખાનાં તથા મોટરગાડીઓના એકમો આવેલા છે. ઘઉંની સળીઓમાંથી બનાવેલ લેગહૉર્ન હૅટની તથા અહીંનાં પ્રવાળનાં ઘરેણાંની નિકાસ થાય છે. આ શહેરની અન્ય નિકાસોમાં આરસપહાણ, ઑલિવ ઑઇલ, બોરિક ઍસિડ, રેશમ અને દારૂનો સમાવેશ થાય છે.
અહીંની ખૂબ જ જાણીતી જાહેર ઇમારતોમાં કથીડ્રલ, યહૂદી-દેવળ (synagogue), વિજ્ઞાન-અકાદમી તથા નૌકા-અકાદમીનો સમાવેશ થાય છે. આ નગરની વિશિષ્ટ ઓળખનું આગવું સીમાચિહ્ન સિંહના શિલ્પનો ટાવર છે. તે આ શહેર જ્યારે મુક્ત બંદર હતું ત્યારના સંજોગોની યાદ અપાવે છે.
1421માં ફ્લૉરેન્ટાઇને આ સ્થળનો કબજો લીધેલો ત્યારે લેગહૉર્ન માછીમારોનું એક નાનકડું ગામ હતું. ધીમે ધીમે તેનો વિકાસ થયો તથા જાહોજલાલી અને મહત્વ પણ વધતાં ગયાં. અહીં આવેલા ગંધકના ઝરા, સમુદ્ર કંઠારપટ અને સમુદ્રસ્નાન ઘણા પ્રવાસીઓને આકર્ષે છે.
ગિરીશભાઈ પંડ્યા