લૅસ્નિગ, મારિયા (જ. 1919, કાર્ન્ટેન, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન મહિલા-ચિત્રકાર. છ વરસની ઉંમરે ક્લાગનફુર્ટ નગરમાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. મેટ્રિક પછી શિક્ષિકા બનવા માટેની તાલીમ મેળવી. 1940થી 1941 સુધી મેટ્નીટ્ઝલમાં આવેલી સિંગલ ક્લાસ માઉન્ટન સ્કૂલમાં અધ્યાપન કર્યું. 1941માં એ છોડીને વિયેના ખાતેની એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પ્રો. ડેશોર પાસે ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. 1943માં પ્રો. ડેશોરે મારિયા લૅસ્નિગની કલાને ‘સડેલી’ જાહેર કરીને લૅસ્નિગને પોતાના વર્ગમાંથી તગેડી મૂકી. તેથી લૅસ્નિગ એ જ કૉલેજમાં પ્રો. ફર્ડિનાન્ડ ઍન્ડ્રી હેઠળ ચાલતા વર્ગમાં દાખલ થઈ અને પ્રો. બોકલ પાસે માનવીના નગ્ન શરીરનો અભ્યાસ (nude study) કર્યો. 1945માં તેણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1948માં પ્રસિદ્ધ ઑસ્ટ્રિયન ચિત્રકાર ઍર્નુફ ટેઇનરના સંપર્કમાં આવી અને સર્રિયાલિઝમથી પરિચિત બની. 1951માં લૅસ્નિગ ટેઇનરની સાથે પૅરિસ ગઈ અને ત્યાં સર્રિયાલિઝમ કલાશૈલીના પ્રણેતા પ્રસિદ્ધ કવિ આન્દ્રે બ્રેતોં સાથે પરિચય કેળવ્યો. 1952માં તેણે પોતાનાં ચિત્રોનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન વિયેનામાં કર્યું અને એ જ નગરમાં 1956માં પણ એવું વૈયક્તિક પ્રદર્શન ફરી કર્યું. 1961માં પૅરિસ જઈને પોતાના શરીરની ચામડી પર ચિતરામણ (body painting) કરીને પૅરિસની શેરીઓ ખૂંદી વળી. 1968થી એણે યુ.એસ.માં ન્યૂયૉર્ક નગરમાં રહેવું શરૂ કર્યું.
1970માં લૅસ્નિગે પોતાની પ્રથમ ઍનિમેટેડ ફિલ્મ(કાર્ટૂનફિલ્મ)નું સર્જન કર્યું. 1971થી 1976 સુધીમાં ન્યૂયૉર્કમાં તેણે સંખ્યાબંધ આત્મચિત્રો અને પદાર્થચિત્રો ચીતર્યાં. 1976માં પશ્ચિમ બર્લિનમાં અને 1977માં વિયેનામાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શન યોજ્યાં.
પશ્ચિમ જર્મની સરકારે લૅસ્નિગને ચિત્રકલાના વિકાસ માટે એક વર્ષની ફેલોશિપ આપી. 1979માં એણે પોતાની નવી ચિત્રકૃતિઓનાં વૈયક્તિક પ્રદર્શનો વિયેના અને ડુસેલ્ડૉર્ફમાં કર્યાં. 1980માં વિયેના ખાતેની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટમાં ઍનિમેટેડ ફિલ્મનું અધ્યાપન શરૂ કર્યું. 1983માં એણે પોતાની તાજેતરની ચિત્રકૃતિઓનાં વૈયક્તિક પ્રદર્શનો હૅનોવર, મ્યૂનિક, ડુસેલ્ડૉર્ફ અને ગ્રેઝમાં કર્યાં. એવાં જ વૈયક્તિક પ્રદર્શનો એણે 1985માં વિયેના તથા ડુસેલ્ડૉર્ફમાં અને 1987માં સાલ્ઝબર્ગમાં, 1988માં વિયેનામાં, 1989માં ગ્રેઝમાં તથા 1990માં વિયેનામાં કર્યાં. હાલમાં લૅસ્નિગ વિયેનામાં રહે છે અને ચિત્રસર્જનમાં મગ્ન છે.
નવ-અભિવ્યક્તિવાદી (Neo-Expressionist) કલા માટે થઈને લૅસ્નિગનું નામ યુરોપમાં જાણીતું થયું છે.
અમિતાભ મડિયા