લૅરેમી પર્વતો : રૉકી પર્વતોની ફ્રન્ટ હારમાળાનું ઈશાની વિસ્તરણ. 1820-21ના અરસામાં આ વિસ્તારને રુવાંટી માટે જે ખૂંદી વળેલો તે ફ્રેન્ચ વેપારી ઝાક લૅરેમીના નામ પરથી આ પર્વતોને ઉપર્યુક્ત નામ અપાયેલું છે. આ હારમાળામાંથી વાયવ્ય તરફ ફંટાતું વિસ્તરણ મેડિસિન બો હારમાળા નામથી ઓળખાય છે. લૅરેમી પર્વતો 240 કિમી.ની લંબાઈમાં એક ચાપ-સ્વરૂપે વિસ્તરેલા છે. મધ્ય કૉલોરાડોના ઉત્તર છેડામાંથી શરૂ થઈ તે પૂર્વ વાયોમિંગ સુધી જાય છે. આ હારમાળાનાં શિખરો ઉચ્ચપ્રદેશ જેવાં છે, સમુદ્ર-સપાટીથી તેમની સરેરાશ ઊંચાઈ 2,400-2,600 મીટર જેટલી છે. તેનું લૅરેમી શિખર 3,131 મીટર ઊંચું છે. હારમાળાનો પશ્ચિમ ઢોળાવ લૅરેમીનાં મેદાનો તરફનો છે. આ મેદાન તેમનાથી 460 મીટર જેટલાં નીચાં છે, જ્યારે તેની પૂર્વ તરફ ઉગ્ર સમુત્પ્રપાતો (escarpment) આવેલા છે.
ગિરીશભાઈ પંડ્યા