લૅન્ડોર, વૉલ્ટર સેવેજ (જ. 30 જાન્યુઆરી 1775, વૉર્વિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 17 સપ્ટેમ્બર 1864, ફ્લૉરેન્સ, ઇટાલી) : અંગ્રેજ કવિ, નિબંધકાર અને વિવેચક. ડૉક્ટર પિતા વૉલ્ટર લૅન્ડોર અને માતા એલિઝાબેથના જ્યેષ્ઠ પુત્ર. શિક્ષણ રગ્બી સ્કૂલ અને ઑક્સફર્ડમાં તેર વર્ષની ઉંમરે ફ્રેન્ચ ક્રાંતિ અંગેનાં કાવ્યો સર્જ્યાં. પિતાએ માત્ર 150 પાઉન્ડ આપી ઘરમાંથી કાઢી મૂક્યા એટલે પ્રેયસી નેન્સી સાથે તેના જ ઘેર રહેવાનું રાખ્યું અને એક સંતાનના પિતા બન્યા. 1796માં વેલ્શ કોસ્ટના પ્રવાસ દરમિયાન સત્તર વર્ષની રોઝ આઇલ્સરના પ્રેમમાં પડ્યા અને તેના વિશે કવિતાઓ લખી. ચાર વર્ષ બાદ રોઝનું ભારતમાં અવસાન થયું. 1799માં લૅન્ડોરને ‘મૉર્નિંગ ક્રૉનિકલ’માં નોકરી મળી. તેમાં ‘ડ્રન્કન ડેમૉક્રસી ઑવ્ મિ પિટ્ટ’ના નામે લેખ પ્રસિદ્ધ કરી પિટ્ટની નીતિની કડક આલોચના કરી. 1803માં ‘ગૅબીર’ નામની એક પૌર્વાત્ય વાર્તાને બ્લક વર્સમાં પ્રસિદ્ધ કરી. 1807માં કવિ રૉબર્ટ સધે સાથેની મુલાકાત આજીવન મિત્રતામાં પરિણમી. (1808માં નેપોલિયન બોનાપાર્ટ સાથે લડવા સ્પેન ગયા અને લશ્કરી રેજિમેન્ટ ઊભી કરી.) સ્પેનમાં તેમને માનાર્હ કર્નાલનું બિરુદ મળેલું. 1812માં ‘કાઉન્ટ જૂલિયન’ નામનું નાટક અને કેટલીક ઉત્તમ કવિતાઓ પ્રસિદ્ધ થયાં. તેમની પ્રકૃતિ ધૂની હતી. 1807માં વેલ્સમાં આવેલા લૅન્થની એબીના ખંડેરના અવશેષો એકઠા કરી નવું ચર્ચ બનાવવાનો નિર્ધાર કર્યો તેમાં લગભગ સધે તારાજ થઈ ગયા. તેમના મિત્રવર્તુળમાં કૉલરિજ, લૅમ્બ, ડિર્કન્સ અને બ્રાઉનિંગ હતા. 1811માં જૂલિયા થૂઇલિયર નામની વીસ વર્ષની યુવતી સાથે લગ્ન કરી લીધાં. પતિ-પત્ની ફ્રાન્સ અને ઇટાલીમાં રહ્યાં જ્યાં જ્યેષ્ઠ પુત્ર આર્નોલ્ડનો જન્મ થયો. 1829માં પત્ની અને બાળકોનો ત્યાગ કરી ઇંગ્લૅન્ડ પરત આવ્યા. 1824થી 1853 દરમિયાન તેમણે રચેલ ઇમૅજિનરી કૉન્વર્સેશન્સ પ્રાચીન અને અર્વાચીન સમયના રાજપુરુષો અને સાહિત્યકારો વચ્ચે થયેલા કાલ્પનિક સંવાદો છે. 1858માં તેમના પર બદનક્ષીના દાવાની પરિસ્થિતિ સર્જાતાં ફ્લૉરેન્સ ભાગી ગયા હતા. ત્યાં તેમનાં સંતાનો રહેતાં હતાં. સંતાનોને તેમણે બધી જ મિલકતના વારસદાર બનાવી દીધેલાં પણ ત્યાં તેમને ખૂબ ઠંડો આવકાર મળ્યો. ભૂખે મરવા જેવી પરિસ્થિતિ સર્જાઈ. રૉબર્ટ બ્રાઉનિંગે તેમને સહારો આપ્યો. છેક વૃદ્ધાવસ્થા સુધી કામ કરવાનો જુસ્સો ટકાવી રાખ્યો. ‘લાસ્ટ ફ્રૂટ ઑવ્ ઍન ઓલ્ડ ટ્રી’ (1853) અને ‘હિસ્ટૉરિક ઇડીલ્સ’ (1863) પ્રસિદ્ધ થયાં. સ્વભાવે ખૂબ ક્રોધી, પણ મુક્ત હાસ્ય માટે મિત્રોમાં જાણીતા લૅન્ડોર સાહિત્યકારોમાં પ્રિય થઈ પડેલા. ડી. એચ. લૉરેન્સે પોતાની નવલકથા ‘બ્લીક હાઉસ’માં લૉરેન્સ બોયથૉર્નનું પાત્ર લૅન્ડોરના વ્યક્તિત્વ ઉપરથી નિરૂપ્યું છે. ચાર્લ્સ ડિર્કન્સને લૅન્ડોર માટે અનહદ પ્રેમ હતો.
પંકજ જ. સોની