લૅટિન અમેરિકન ફ્રી ટ્રેડ ઍસોસિયેશન (LAFTA)
January, 2005
લૅટિન અમેરિકન ફ્રી ટ્રેડ ઍસોસિયેશન (LAFTA) : દક્ષિણ અમેરિકાના સાત દેશો દ્વારા સ્થાપવામાં આવેલું મુક્ત વ્યાપાર મંડળ. આ સંગઠનની સ્થાપના અંગેની સમજૂતી 1960માં ઉરુગ્વેના પાટનગર મૉન્ટેવિડિયો ખાતે મળેલ પરિષદમાં કરવામાં આવી હતી. તેના મૂળ સાત સભ્યોમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, ચિલી, મેક્સિકો, પારાગ્વે, પેરુ અને ઉરુગ્વેનો સમાવેશ થયો હતો. પાછળથી કોલંબિયા, ઇક્વેડૉર, વેનેઝુએલા અને બોલિવિયા તેમાં જોડાયા હતા. સંગઠનનો ઉદ્દેશ દર વર્ષે સભ્ય દેશો વચ્ચે વ્યાપાર અંગેના પ્રતિબંધો આશરે 8 ટકાના ધોરણે ઘટાડી 1973 સુધી સંપૂર્ણપણે હટાવવાનો અને તે દ્વારા પરસ્પર વ્યાપારને પ્રોત્સાહિત કરવાનો હતો. પ્રતિબંધો તદ્દન હટાવવાની મૂળ સમયમર્યાદા જે 1973 હતી તે 1969ની એક સમજૂતી દ્વારા 1980 સુધી લંબાવવામાં આવી હતી.
1961 પછીના ગાળામાં સંગઠનના સભ્ય દેશો વચ્ચે વ્યાપારના કદમાં વધારો નોંધાયો હતો ખરો, પરંતુ ત્યારપછી સાઠીના દાયકાની મધ્યમાં સંગઠનના વધુ વિકાસ પામેલા દેશો અને ઓછો વિકાસ પામેલા દેશો વચ્ચે કેટલીક સમસ્યાઓ ઊભી થવા લાગી હતી. 1967માં ઉરુગ્વેના શહેર પાન્ટા દ એસ્ટે ખાતે દક્ષિણ અમેરિકા ખંડના વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની એક બેઠક મળી હતી જેમાં ‘લૅફ્ટા’ના ધોરણે દક્ષિણ અમેરિકાના દેશોનું એક વિસ્તૃત વ્યાપારી સંગઠન રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ લૅટિન અમેરિકાના દેશોનું સહિયારું બજાર ઊભું કરવાની દિશામાં દક્ષિણ અમેરિકાના દેશો વચ્ચે વાટાઘાટો હાથ ધરવામાં આવી હતી જેની ફલશ્રુતિ રૂપે ‘ઍન્ડિયન જૂથ’ નામથી ઓળખાતું સંગઠન રચવામાં આવ્યું હતું અને તેમાં બોલિવિયા, ચિલી, કોલંબિયા, ઇક્વેડૉર અને પેરુ જોડાયા હતા. 1969માં આ નવા સંગઠનને ‘લૅફ્ટા’ના પેટાસંગઠન તરીકે માન્યતા પ્રદાન કરવામાં આવી હતી.
1981માં ‘લૅફ્ટા’ના સભ્ય દેશોએ પોતાનું અલાયદું સંગઠન વિસર્જિત કરી તેના સ્થાને ‘લૅટિન અમેરિકન ઇન્ટિગ્રેશન ઍસોસિયેશન’ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. આ નવા સંગઠનનો ઉદ્દેશ પણ લૅટિન અમેરિકાના દેશો વચ્ચે મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપી પરસ્પરની ચીજવસ્તુઓની આયાતો પર લાદવામાં આવતી જકાતો વ્યાવહારિક (pragmatic) ધોરણે ઘટાડવાનો અને છેવટે તે ક્રમશ: નાબૂદ કરવાનો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે