લૅટાઇટ (Latite) : બહિર્ભૂત-અગ્નિકૃત પ્રકારનો ખડક. તેની કણરચના અદૃશ્ય સ્ફટિકમય (aphanatic) હોય છે. તે મુખ્યત્વે સોડિક પ્લેજિયોક્લેઝ (ઑલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન) અને આલ્કલી ફેલ્સ્પાર (સેનિડિન કે ઑર્થોક્લેઝ) તથા ગૌણ પ્રમાણમાં બાયોટાઇટ, ઍમ્ફિબોલ (હૉર્નબ્લેન્ડ) કે પાયરૉક્સિન (ઑગાઇટ) જેવાં ઘેરા રંગવાળાં મૅફિક ખનિજોથી બનેલો હોય છે. પોટાશ ફેલ્સ્પાર અને પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર લગભગ સરખા પ્રમાણમાં રહેલાં હોય છે. આ પ્રકારના બંધારણને કારણે તે ટ્રેકાઇટ અને ઍન્ડીઝાઇટના વચગાળાનો (સાયનાઇટ-ડાયોરાઇટના વચગાળાના મૉન્ઝોનાઇટને સમકક્ષ) ખડક ગણાય છે. આ રીતે તે ટ્રેકી ઍન્ડીઝાઇટનો પ્રકાર કહેવાય છે. કેટલાક લૅટાઇટમાં પ્લેજિયોક્લેઝ-ફેલ્સ્પારનું પ્રમાણ આલ્કલી-ફેલ્સ્પાર કરતાં વધુ હોય છે. ટ્રેકાઇટમાં આલ્કલી-ફેલ્સ્પાર વધુ હોય છે. જ્યારે ઍન્ડીઝાઇટમાં પ્લેજિયોક્લેઝ-ફેલ્સ્પાર વધુ હોય છે; પરંતુ આલ્કલી-ફેલ્સ્પાર બિલકુલ હોતું નથી અથવા તદ્દન ઓછું હોય છે. આ ખડકમાં જો ક્વાટર્ઝનું પ્રમાણ 5 %થી વધી જાય તો તેને ક્વાટર્ઝ-લૅટાઇટ કહે છે. આ ક્વાટર્ઝ-લૅટાઇટ ક્રમશ: ડેસાઇટમાં ભળી જાય છે. અનુષંગી ખનિજોમાં ઍપેટાઇટ તથા અપારદર્શક ઑક્સાઇડ હોઈ શકે છે. આ ખડકના સૂક્ષ્મ સ્ફટિકમય કે કાચમય પરિવેદૃષ્ટિત દ્રવ્યમાં પોટાશ-ફેલ્સ્પાર જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા