લૅટવિયા (Latvia) : 1991માં પુન: સ્વાતંત્ર્ય મેળવનાર બાલ્ટિક પ્રદેશમાં આવેલો પૂર્વ યુરોપનો એક દેશ. ભૌગોલિક સ્થાન : તે 57° 00´ ઉ. અ. અને 25° 00´ પૂ. રે. આજુબાજુનો આશરે 63,700 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 450 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 270 કિમી. છે. તેની ઉત્તરે બાલ્ટિક સમુદ્ર અને એસ્તોનિયા, પૂર્વમાં રશિયા, દક્ષિણે બેલારુસ અને લિથુઆનિયા તથા પશ્ચિમે બાલ્ટિક સમુદ્ર આવેલા છે. 1918થી 1940 સુધી તે એક સ્વતંત્ર દેશ હતો. તે પછી સોવિયેત સંઘે 15 પ્રજાસત્તાક રાજ્યોને બળપૂર્વક પોતાનામાં સમાવી લીધેલાં, તેમાં લૅટવિયા પણ એક હતું. 50 વર્ષ સુધી તે સોવિયેત સંઘમાં ભેળવાયેલું રહ્યું. 1991માં વિભાજન થતાં તે સ્વતંત્ર બન્યું. રીગા તેનું મોટામાં મોટું શહેર અને પાટનગર છે. દેશનું સત્તાવાર નામ લૅટવિયા પ્રજાસત્તાક છે.
ભૂપૃષ્ઠ-આબોહવા : લૅટવિયા, એસ્તોનિયા અને લિથુઆનિયાને બાલ્ટિક રાજ્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ત્રણે થઈને ઉત્તર યુરોપના મોટા દરિયાઈ મેદાનના એક ભાગરૂપ બની રહેલાં છે. લૅટવિયાના વિસ્તારમાં મુખ્યત્વે તો નીચી ટેકરીઓ અને છીછરી ખીણો પથરાયેલી છે. દેશમાં ઘણાં નાનાં સરોવરો અને કળણો આવેલાં છે. જંગલો અહીંની ભૂમિનો 40 % જેટલો ભાગ આવરી લે છે. મધ્ય લૅટવિયામાં આવેલી 311 મીટર ઊંચાઈ ધરાવતી ગાઇઝિના ટેકરી દેશનું સર્વોચ્ચ સ્થળ છે. પશ્ચિમ ડવીના અહીંની મુખ્ય નદી છે. તે બેલારુસમાંથી નીકળી, વાયવ્ય તરફ વહી, લૅટવિયામાંથી પસાર થઈ, રીગાના અખાતમાં ઠલવાય છે. લૅટવિયાને 472 કિમી. લાંબો દરિયાકિનારો મળેલો છે. અહીંના કિનારા પરના રેતપટ લોકપ્રિય વિહારધામો સહિત ખૂબ જાણીતા બનેલા છે.
લૅટવિયાનું તાપમાન જાન્યુઆરીમાં -17° સે. અને કિનારા પર 3° સે. તથા જુલાઈમાં 18° સે. અને કિનારા પર 16° સે. રહે છે. દેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ સ્થાનભેદે આશરે 500થી 800 મિમી. જેટલો પડે છે.
અર્થતંત્ર : લૅટવિયા જ્યારે સોવિયેત સંઘના શાસન હેઠળ હતું ત્યારે જેટલા ઉદ્યોગો હતા તે બધા સરકાર હસ્તક હતા. સ્વતંત્ર બન્યા પછી તેના ઉદ્યોગો વિકસ્યા અને વધ્યા છે. આજે તેના અર્થતંત્રમાં ઔદ્યોગિક ઉત્પાદનનો હિસ્સો 75 % જેટલો થયો છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં વીજાણુ સાધનો, વીજળીનાં સાધનો અને ઉપકરણો, યંત્રસામગ્રી, ધાતુઉત્પાદન અને પ્રક્રમિત ખાદ્યપેદાશોનો સમાવેશ થાય છે. બસો, રેલવેના ડબ્બા, ખેતીની યંત્રસામગ્રી માટેના પોલાદનું ઉત્પાદન લેવાય છે. માછીમારી પણ થાય છે. ઉદ્યોગોના વિકાસની સાથે અહીં નદીઓ, સરોવરો અને બાલ્ટિક સમુદ્રમાં પ્રદૂષણ પણ વધ્યું છે.
લૅટવિયાના અર્થતંત્રમાં કૃષિપેદાશોના ઉત્પાદનનો ફાળો 20 % જેટલો છે. અહીં જવ, શણ, ઓટ, બટાટા અને રાય(Rye)નું વાવેતર થાય છે. ખેડૂતો તેમજ કેટલાક લોકો ડેરીની પેદાશો અને પશુપાલન સાથે પણ સંકળાયેલા છે. સોવિયેત સંઘે અહીં નાનાં ખેતરોને ભેગાં કરી મોટાં ખેતરો બનાવેલાં. 1980ના દાયકામાં લોકોને ખાનગી રાહે ખેતી અને ધંધાની મંજૂરી મળી છે.
વસ્તી-લોકો : લૅટવિયાની વસ્તી 2021ના અંદાજ મુજબ 18.8 લાખ જેટલી છે. વસ્તીની ગીચતા દર ચોકિમી. દીઠ 43 લોકોની છે. શહેરી વસ્તી 71 % અને ગ્રામીણ વસ્તી 29 % છે. શહેરોમાં ઉદ્યોગો સ્થપાવાને કારણે ગ્રામીણ લોકો શહેરોમાં આવી વસ્યા છે.
દેશના આશરે 52 % લોકો મૂળ લૅટવિયનો અથવા લૅટ્સ પોતે છે, 34 % રશિયનો, 5 % બેલારુસના, 3 % પોલૅન્ડના, 3 % યુક્રેનિયનો, જ્યારે લિથુઆનિયનો અને યહૂદીઓ બંને મળીને 2 % જેટલા છે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓએ ઘણા યહૂદીઓને મારી નાખેલા. લૅટવિયનો પોતાની સંસ્કૃતિ, રીતરિવાજો, ભાષાનું ગૌરવ જાળવે છે. સોવિયેત સંઘે 1940માં આ વિસ્તાર કબજે કરી લીધેલો ત્યારે અહીં લૅટવિયનોની 75 % જેટલી વસ્તી હતી, તે પૈકી ઘણાને મારી નાખેલા અને બીજા કેટલાકને સાઇબીરિયા હાંકી કાઢેલા. આ દરમિયાન રશિયનો અહીં આવીને વસેલા. અહીંના લોકો પર ધર્મપાલનનાં, શિક્ષણ પર તેમજ નોકરીઓમાં બંધનો લાદેલાં.
અહીંની મૂળ ભાષા લૅટવિયન છે, તે યુરોપની જૂનામાં જૂની ભાષાઓ પૈકીની એક ગણાય છે. કહેવાય છે કે તે ભારતની સંસ્કૃત ભાષાને મળતી આવે છે. રશિયનોએ લૅટવિયા કબજે કર્યા પછી રશિયન ભાષા શીખવાનું ફરજિયાત બનાવેલું. દેશની સત્તાવાર ભાષા પણ રશિયન રાખેલી. સરકારી કાર્યાલયો તેમજ અન્યત્ર પણ રશિયન ભાષા બોલવાનું ફરજિયાત બનાવેલું. વર્તમાનપત્રો રશિયન ભાષામાં છપાતાં. 1989માં છેવટે લૅટવિયન ભાષાને સત્તાવાર ભાષા બનાવી ત્યારથી તે લૅટવિયાની પ્રથમ ક્રમની ભાષા બની રહેલી છે, ધર્મ પરનાં બંધનો પણ ઉઠાવી લેવાયાં છે.
અહીંના મોટાભાગના લોકો હવે પાશ્ર્ચાત્ય ઢબનો પોશાક પહેરે છે, પરંતુ તહેવારો કે ઉત્સવો ટાણે તેઓ તેમનો પરંપરાગત પોશાક પહેરે છે; રમતો, ગીતો, નૃત્ય, બૅલે, નાટકો, ઑપેરાનો આનંદ માણે છે. અહીંના ઘણાખરા લોકો રોમન કૅથલિક છે; બાકીના લ્યૂથેરન, કે રશિયન રૂઢિવાદી ચર્ચમાં માનનારા છે. લૅટવિયાના લગભગ બધા જ લોકો લખી-વાંચી જાણે છે. અહીં 10 જેટલી યુનિવર્સિટીઓ છે, તે પૈકી રીગા ખાતે આવેલી લૅટવિયન યુનિવર્સિટી મોટામાં મોટી છે.
ઇતિહાસ : નવમી અને દસમી સદી દરમિયાન આ પ્રદેશ ઉપર રશિયનોનું પ્રભુત્વ હતું. તેરમી સદીમાં જર્મનોએ પ્રભુત્વ સ્થાપ્યું. સોળમી સદીમાં લિથુઆનિયનોએ સત્તા હાંસલ કરી. 1721માં રશિયનોએ પોતાનું વર્ચસ્ સ્થાપ્યું. 1900માં અહીં સ્વાતંત્ર્ય માટેની ઝુંબેશ શરૂ થઈ. 1914-18ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનોએ આ પ્રદેશ જીતી લીધો. 1940માં તે સોવિયેત સંઘ સાથે સંકળાયું. 1941માં આ પ્રદેશ જર્મનોને હસ્તક આવ્યો. 1944માં તેમણે અહીં પોતાની સત્તા જમાવી. 1988માં લૅટવિયન પૉપ્યુલર પક્ષની સ્થાપના થઈ અને સ્વાતંત્ર્ય મેળવવા ચળવળ શરૂ કરી. 1994માં રશિયાએ પોતાનું લશ્કર પાછું ખેંચી લીધું. 1996માં ગુંટિશ ઉલમનીશ પુન: પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા.
પીપલ્સ પાર્ટીના, દેશના વડાપ્રધાન એન્દ્રિસ સ્કેલી સામે સરકારમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થવાથી તેણે 1997માં રાજીનામું આપ્યું. વાઈરા વાઈક ફ્રી બર્ગા પૂર્વ યુરેપના દેશોમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે 1999માં ચૂંટાઈ. 2000માં કોએલિશન-સંઘ સરકારનો એન્દ્રિસ બર્જિન વડોપ્રધાન બન્યો. 2003માં લેટવિયાએ યુરોપીય સંઘમાં જોડાવાની તરફેણમાં લોકમત દ્વારા મતદાન કર્યું. 2004માં લેટવિયા યુરોપીય સંઘ અને નાટો (NATO) બંનેનું સભ્ય બન્યું.2005માં લેટવિયાએ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સક્રિય ભાગ લીધો. 2007થી 2009 સુધી ચલણ તરીકે યુરો સ્વીકારવાનું મુલતવી રાખવા લેટવિયાને ફરજ પાડવામાં આવી. 2006માં થયેલ પાર્લામેન્ટની ચૂંટણીમાં પીપલ્સ પાર્ટીનો વિજય થયો. અઈગાર્સ કલ્વીટીસે જુદા જુદા પક્ષોના સંઘની સરકારની રચના કરી. નવેમ્બર, 2006માં પાટનગર રીગામાં નાટો (NATO) ની શિખર પરિષદ મળી. 2007ના જુલાઈમાં પ્રમુખ વાઈસ વાઈક ફ્રી-બર્ગાએ પોતાનો હોદ્દો છોડ્યો, અને પીપલ્સ પાર્ટીના વાલ્દિસ ઝેટલર્સ નવો પ્રમુખ ચૂંટાયો. 2009માં દેશની મહત્વની સમસ્યા દેશ-વિદેશમાં મંદીની અસરોની હતી. તેથી અર્થતંત્રને પુન: ગોઠવવાની આવશ્યકતા હતી. 2010નું અંદાજપત્ર સંસદે સ્વીકાર્યા પછી સરકાર ચૂંટણીની મુદત સુધી ટકવાની આશા રાખવામાં આવી.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી
જયકુમાર ર. શુકલ