લૅટરાઇટ : અયનવૃત્તીય-ઉપઅયનવૃત્તીય પ્રદેશોમાં જોવા મળતું વિલક્ષણ ભૂમિનિક્ષેપનું ખડકસ્વરૂપ. લૅટરાઇટ એ મુખ્યત્વે લોહ અને ઍલ્યુમિનિયમના જલયુક્ત ઑક્સાઇડ તેમજ તેની સાથે અલ્પાંશે રહેલા મૅંગેનીઝ અને ટાઇટેનિયમ ઑક્સાઇડના મિશ્રણનો બનેલો કોટરયુક્ત માટીવાળો ખડકપ્રકાર છે. લોહ અને ઍલ્યુમિનિયમના ઑક્સાઇડ ક્યારેક એટલા બધા અસમાન પ્રમાણમાં રહેલા હોય છે કે ઘણી વાર અરસપરસ એકબીજાનું સ્થાન લઈ લે છે; પરિણામે લૅટરાઇટના અનેક પ્રકારો મળે છે, જેમાં એક છેડે અચોક્કસ મિશ્રણવાળો ફેરિક ઑક્સાઇડ તો બીજે છેડે બૉક્સાઇટ જોવા મળે છે. લોહ ઑક્સાઇડ સામાન્યત: આગળ પડતું સ્થાન ધરાવે છે અને ખડકને તેનો રૂઢ થયેલો રાતા રંગવાળો બનાવે છે; ક્યારેક રવાદાર કાંકરીઓમાં લોહ સંકેન્દ્રિત થયેલું હોય છે, તો ક્યારેક તે બિલકુલ હોતું નથી તેથી ખડક ઊડી ગયેલા રંગવાળો સફેદ કે છાંટવાળો બની રહે છે. વળી કેટલીક જગાએ મૅંગેનીઝ ઑક્સાઇડ દ્વારા લોહ વિસ્થાપિત થાય છે. દા.ત., ભારતમાં ધારવાડ રચનાની ઉપરના લૅટરાઇટ આવરણમાં આ સ્થિતિ વિશેષત: જોવા મળે છે. આ જ કારણે એફ. બુચાનને દક્ષિણ ભારતમાં મળતા બેસાલ્ટની લોહસમૃદ્ધ ખવાણ પેદાશને 1807માં લૅટરાઇટ નામ આપેલું છે. બુચાનને લૅટરાઇટ તરીકે મૂળ વર્ણવેલો મલબારમાંનો લૅટરાઇટ ખડક, સારા પ્રમાણમાં સંયુક્ત સિલિકા અને માટીનો સમાવેશ કરે છે જ, પરંતુ ભારતના અન્ય ભાગોમાં વિશાળ વિસ્તારોમાં સ્પષ્ટ રીતે મળી આવતો આ જ પ્રકારનો ખડક માટી(કેઓલિન)વિહીન હોય છે અને સિલિકાનું અસ્તિત્વ કલિલ સ્થિતિમાં તેમજ ભૌતિક રીતે સંકળાયેલું હોય છે. આ બીજા પ્રકારના માટીમુક્ત ખડકને જ નમૂનેદાર લૅટરાઇટ તરીકે સ્વીકારેલો છે. તેની વર્તમાન ઉપયોગિતા મુજબ લોહ, ઍલ્યુમિનિયમ કે મૅંગેનીઝના ઑક્સાઇડ પૈકી કોઈ પણ એકના વધુ પડતા પ્રમાણ મુજબ, જુદાં જુદાં સ્થળોએ, આ ખડક તે ધાતુ માટે કાર્યોપયોગી ધાતુખનિજ બની રહે છે. ઘણુંખરું લૅટરાઇટ આવરણ અને તેની નીચેના બેસાલ્ટ અથવા તો જેના પર તે રહેલું છે તે ખડકો વચ્ચે, વચગાળાની પેદાશ જેવો લિથોમર્જ પ્રકારનો ખડક કે ‘બોલ’ (bole) મળે છે, જે નીચે રહેલા ખડક(બેસાલ્ટ કે નાઇસ)માંથી લૅટરાઇટ તરફનો ક્રમિક ફેરફાર દર્શાવે છે.
લૅટરાઇટ જ્યારે તાજો ખોદેલો હોય ત્યારે નરમ હોવાનો વિલક્ષણ ગુણધર્મ ધરાવે છે, પરંતુ વાતાવરણમાં તે ખુલ્લો રહે તો સખત બની જાય છે. આ ગુણધર્મને કારણે બાંધકામના હેતુઓ માટે સામાન્ય રીતે તેને ઈંટોના આકારમાં કાપવામાં આવે છે. કાપેલા ટુકડાઓ મૂળ ખડક જેટલા જ સખત સ્વરૂપે નક્કર જથ્થાઓમાં પોતાની મેળે પુન:સંશ્ર્લેષિત થવાનું લક્ષણ પણ ધરાવે છે.
વિતરણ : લૅટરાઇટ એ વિશિષ્ટ પ્રકારની અયનવૃત્તીય પેદાશ છે. વિશેષે કરીને તે ભારતના દક્ષિણ ભાગોમાં જોવા મળે છે. મધ્યપ્રદેશ સહિત દ્વીપકલ્પીય ભારતના ઊંચાણવાળા ભૂમિપ્રદેશોની બેસાલ્ટની ટેકરીઓનાં શિખરો ઉપર અને સપાટ શિરોભાગવાળા ઉચ્ચપ્રદેશો ઉપર તે ઘણુંખરું આવરણસ્વરૂપે મળી આવે છે. મુંબઈની ડેક્કન ટ્રૅપની ટેકરીઓ ઉપર તેનો લાક્ષણિક વિકાસ થયેલો છે. અહીં બધે જ તે ડેક્કન ટ્રૅપના સૌથી ઉપલા પ્રવાહના આવરણ રૂપે જોવા મળે છે. આ ખડકનાં ઘણાં રૂપાંતરો પૈકી જો લિથોમર્જ ખડકો અને લોહયુક્ત માટીને લક્ષમાં લેવામાં આવે તો લૅટરાઇટનું ઊંચાઈનું પ્રમાણ આશરે 600થી 1,500 મીટર કે તેથી પણ થોડી વધુ ઊંચાઈ સુધી ચલિત રહેતું જોવા મળે છે. લૅટરાઇટનાં આવરણોની જાડાઈ સ્થાનભેદે આશરે 15થી 60 મીટર સુધી પ્રવર્તે છે; આ પૈકીનાં કેટલાંક આવરણો ઓછા વિસ્તારમાં મર્યાદિત છે, પરંતુ બીજાં અતિ વિસ્તૃત છે અને વિશાળ સપાટીને આવરી લે છે. લૅટરાઇટ ડેક્કન ટ્રૅપ પૂરતો જ મર્યાદિત છે એવું નથી, પરંતુ ઉત્તરમાં છેક ઝારખંડમાંની રાજમહાલ ટેકરીઓથી માંડીને દ્વીપકલ્પના દક્ષિણ છેડા સુધી છૂટક વિવૃતિઓમાં વિસ્તરેલો જોવા મળે છે. શ્રીલંકામાં પણ તે નાઇસ અને ખૉન્ડેલાઇટ ખડકોને ઢાંકી દેતું જાડું આવરણ રચે છે. આ બધા જ પ્રદેશોમાં તે વિવિધ કાળની તેમજ અસમાન ખડકબંધારણવાળી રચનાઓ ઉપર રહેલો છે. દા.ત., આર્કિયન નાઇસ, ધારવાડ શિસ્ટ, ગૉંડવાના મૃદ, વગેરે. મ્યાનમારના વિભાગોમાં પણ લૅટરાઇટ ઠીક ઠીક પ્રમાણમાં વિસ્તરેલો મળી આવે છે.
ઊર્ધ્વ ભૂમિ લૅટરાઇટ અને નિમ્ન ભૂમિ લૅટરાઇટ : ઉપર દર્શાવેલાં લગભગ બધાં જ સ્થાનોમાં તૈયાર થયેલો લૅટરાઇટ સમુદ્રસપાટીથી આશરે 600 મીટરની આજુબાજુની ઊંચાઈએ મળતો હોવાથી તેને ઊર્ધ્વ ભૂમિ લૅટરાઇટ (high level laterite) તરીકે ઓળખવામાં આવે છે. આ ખડકપ્રકાર દળદાર સમાંગ કણોવાળો અને એકસરખા બંધારણવાળો છે. દ્વીપકલ્પની બંને બાજુએ પૂર્વ અને પશ્ચિમ કિનારાની નીચાણવાળી ભૂમિ પર મળતો લૅટરાઇટ નિમ્ન ભૂમિ લૅટરાઇટ (low level laterite) નામથી ઓળખાય છે. મલબાર તરફની બાજુએ તેનાં પ્રાપ્તિસ્થાનો થોડાં અને છૂટાંછવાયાં હોય છે, પરંતુ પૂર્વ કિનારા પર તે લગભગ બધે જ, કિનારાની ધારે ધારે આવેલી કાંપમય પટ્ટીની નીચેથી ઉપર તરફ મળે છે. નિમ્ન ભૂમિ લૅટરાઇટ મ્યાનમાર(પેગુ અને મર્તબાન)માં પણ મળી આવે છે. નિમ્ન ભૂમિ લૅટરાઇટ ઓછો દળદાર હોવાને કારણે તેમજ ઊર્ધ્વ ભૂમિ લૅટરાઇટના ભૌતિક વિભંજનની પેદાશમાંથી બનેલો જળકૃત ઉત્પત્તિવાળો હોવાને કારણે, ઊર્ધ્વ ભૂમિ લૅટરાઇટથી જુદો પડે છે. આ બંને પ્રકારોનો અહીં દર્શાવેલો તફાવત સારી રીતે સ્થાપિત થયેલો છે અને તે બંને પ્રકારોની ઉત્પત્તિ તથા વયના ભૂસ્તરીય તફાવત પર આધારિત છે.
ઉત્પત્તિ : લૅટરાઇટ એ ઋતુભેદે બદલાતી જતી આબોહવાના વિશિષ્ટ સંજોગો હેઠળ ઉદભવતી ખવાણની પેદાશ ગણાય છે, તેમાં મૂળ ખડકમાંનાં સિલિકા, આલ્કલી અને આલ્કલી-મૃદ નીકળી જતાં હોય છે, જ્યારે લોહ અને ઍલ્યુમિનિયમના જલયુક્ત ઑક્સાઇડ સંકેન્દ્રિત થાય છે. આ પ્રકારનો ફેરફાર થવાની ઘટનાને લૅટરાઇટીકરણ કહે છે. લૅટરાઇટીકરણ થવા માટેનાં મુખ્ય પરિબળોમાં ઊંચું તાપમાન અને મોસમી વરસાદવાળી અયનવૃત્તીય આબોહવા તેમજ સ્રાવ થઈ જવા માટે જરૂરી ભૂમિઢોળાવનો સમાવેશ થાય છે. આ પ્રકારના સંજોગો ટેકરીઓ પર કે ઢોળાવો પર જ મળી શકે. આ ક્રિયામાંથી ઉદભવતી વધારાની એક અવશિષ્ટ પેદાશ સ્થાનાંતરિત થઈને નજીકની ખીણોમાં કેઓલિન રૂપે મળે છે. દ્વીપકલ્પીય ભારતમાં આ પ્રકારના સંજોગો ઉપલબ્ધ છે.
લૅટરાઇટની ઉત્પત્તિ ભારતમાં પ્રવર્તમાન મોસમી આબોહવા તેમજ ધોવાણની ક્રિયાઓ સાથે ગાઢપણે સંકળાયેલી છે. આ માટે જુદા જુદા અધિતર્કો રજૂ થયેલા છે. એ સંભવિત છે કે જુદાં જુદાં બધાં જ સ્થાનોના લૅટરાઇટ સમાન ઉત્પત્તિવાળા નથી અને તેથી વિવિધ પ્રકારોની ઉત્પત્તિ માટે ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓ શક્ય છે.
તેની કોટરયુક્ત છિદ્રાળુ રચના અને બેસાલ્ટ સાથેના વધુ પડતા સંબંધ ઉપરથી પહેલાં તે જ્વાળામુખી ખડક હોવાનું ધારવામાં આવેલું. તે પછી તેની પાર્થિવ પ્રકૃતિ માલૂમ પડી અને ત્યારબાદ વહેતા પાણીમાં અથવા સરોવરમાં અને ટ્રૅપ ખડકોની સપાટી પરનાં સરોવરોમાં કે ખાડાઓમાં બનેલી નિક્ષેપક્રિયાથી થયેલી જળકૃત રચના હોવાનું ધારવામાં આવ્યું હતું.
આ પછીનાં દૃષ્ટિબિંદુઓ મુજબ આ ખડકોને ગરમ, ભેજવાળી અને મોસમી આબોહવા હેઠળ બેસાલ્ટ અને ઍલ્યુમિનિયમયુક્ત અન્ય ખડકોના પોતાના જ સ્થાનમાં થયેલી પાર્થિવ વિઘટનની પરિણામી પેદાશ ગણે છે. આબોહવાના આવા સંજોગો હેઠળ સિલિકેટ ખનિજોનું – ખાસ કરીને સ્ફટિકમય ખડકોના ઍલ્યુમિનિયમયુક્ત સિલિકેટ ખનિજોનું વિઘટન એક સોપાન આગળ વધે છે, જેમાં વિઘટનની અંતિમ પેદાશ કેઓલિન થવાને બદલે તે સિલિકા અને બૉક્સાઇટ(ઍલ્યુમિનિયમનો જલયુક્ત ઑક્સાઇડ)માં વિભાજિત થાય છે. સિલિકા દ્રાવણમાં વહી જાય છે; ફેરોમૅગ્નેશિયન અને ઍલ્યુમિનિયમયુક્ત સિલિકેટના વિઘટનમાંથી મળેલા આલ્કલીના ક્ષારો તેમજ આલ્કલી લક્ષણવાળી મૃદ સ્રવણ પામતા પાણી દ્વારા ઓગળી જાય છે. આમ બાકી રહેલા ઍલ્યુમિના અને લોહના ઑક્સાઇડ વધુ ને વધુ સંકેન્દ્રિત થાય છે તથા વિઘટનની ક્રિયામાં છૂટી પડેલી અન્ય પેદાશો સાથે તેમનું ભૌતિક મિશ્રણ થાય છે. કોટરયુક્ત અથવા છિદ્રાળુ રચના કે જે લૅટરાઇટની લાક્ષણિકતા છે તે પાછળ રહેલી પેદાશોમાં બનતી સંકેન્દ્રીકરણ ક્રિયાને આભારી છે.
જે. એમ. મૅકલેરને જણાવ્યું છે કે લૅટરાઇટ નિક્ષેપો ખનિજીય દ્રાવણો દ્વારા જમીનના સપાટીસ્તરની કે ઉપસ્તરની કણશ: વિસ્થાપનક્રિયાને કારણે તો કેટલાક ભૌતિક વિસ્થાપનક્રિયાને કારણે બનેલા છે. આવાં દ્રાવણો ભૂગર્ભજળની કેશાકર્ષણની ક્રિયા દ્વારા ઉપરના વિભાગમાં ખેંચાઈ આવે છે.
આ વિલક્ષણ ખડકની અત્યંત પરિવર્તનશીલ પ્રકૃતિ ઉપરથી એ સંભવિત છે કે ઉપરનાં કારણોમાંનું પ્રત્યેક કારણ વિશિષ્ટ સ્થાનિક સંજોગો મુજબ જુદાં જુદાં સ્થાનોના લૅટરાઇટની ઉત્પત્તિ માટે કારણભૂત બન્યું હોય અને તેથી ભારતીય દ્વીપકલ્પના બધા જ લૅટરાઇટ નિક્ષેપો માટે કોઈ પણ એક અધિતર્ક કામ આપી શકે નહિ.
લૅટરાઇટના ખડકજથ્થાઓ પરિણામી ફેરફારોને અધીન છે, તેને લીધે પણ વધુ ગૂંચવણ ઊભી થાય છે. ‘‘મુક્ત જળપરિવાહ અને વધુ વરસાદ(વાર્ષિક 2,500 મિમી. કે વધુ)ના સંજોગો હેઠળ લૅટરાઇટ ખાસ ફેરફારની અસર વિના બની શકે છે, જ્યારે જળવિચ્છેદનની ક્રિયાથી બનેલી દ્રાવ્ય પેદાશો સ્રવણ દ્વારા ઝડપથી વહી જાય છે. બીજી બાજુએ અવરોધાતા જળપરિવાહ અને સૂકી તેમજ ભેજવાળી ઋતુઓની અદલાબદલીના સંજોગો હેઠળ ભૂગર્ભ જળસપાટી બદલાતી રહે છે; ઓગળેલા સિલિકા અને બેઝ વહી જાય છે; પરિણામે લૅટરાઇટ પૂર્ણપણે ફેરફાર પામે છે. તેનો ગિબ્સાઇટ ઘટક પરિણામી કેઓલિનમાં પરિવર્તન પામે છે, જે જલયુક્ત લોહ-ઑક્સાઇડના અવશેષોને કારણે લાલ ડાઘવાળો બને છે.’’
ચેન્નાઈના નાઇસ ખડકના વિસ્તારો જેવાં આર્દ્ર અયનવૃત્તોના આગ્નેય ખડકપ્રદેશોની ઉપરની ભૂમિસપાટી પર રહેલા લાલ માટીના વિપુલ જથ્થાઓની રચના માટે કેટલાક નિષ્ણાતોએ આ પ્રમાણે સમજૂતી આપી છે. લૅટરાઇટના બૉક્સાઇટ કે ગિબ્સાઇટ દ્રવ્યના પુન:સિલિકાકરણમાંથી પરિણામી માટી થવા માટેનું અનુમાન આ ઉપરથી કરી શકાય છે.
માતૃખડકો : લૅટરાઇટના બંધારણનો આધાર તેમના માતૃદ્રવ્ય પર રહેલો હોય છે. તે અગ્નિકૃત, જળકૃત કે વિકૃત ખડકો હોઈ શકે છે. પેરિડૉટાઇટ જેવા લોહસમૃદ્ધ ખડકો લોહ અયસ્ક આપી શકે; સાયનાઇટ જેવા ઍલ્યુમિનસ ખડકો બૉક્સાઇટ બનાવી શકે; જ્યારે ઍન્ડીઝાઇટ કે બેસાલ્ટ જેવા ખડકો વચગાળાની પેદાશો આપે છે. મૂળ ખડકોમાંના વધુ પ્રતિકાર કરી શકતા અદ્રાવ્ય ખનિજઘટકો સહિત કણરચનાત્મક અને સંરચનાત્મક લક્ષણો મોટેભાગે જળવાઈ રહેતાં હોય છે. ક્ષારો તેમજ સેન્દ્રિય તત્વોની ન્યૂનતાને કારણે લૅટરાઇટમાંથી સારી જમીનો બનતી નથી, તેથી પરિપક્વ લૅટરાઇટજન્ય જમીનો ખેતી માટે ફળદ્રૂપ હોતી નથી, જોકે સવાનાના ઘાસભૂમિના પ્રદેશો લૅટરાઇટજન્ય જમીનો પર નભી શકે છે.
વય : આજે અસ્તિત્વ ધરાવતા ઊર્ધ્વ ભૂમિ લૅટરાઇટ આવરણનું વય ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાય તેમ નથી; અમુક અંશે તે પ્લાયોસીન અથવા તેથી પણ જૂના સમયનું છે અને અમુક અંશે તેનું વય પશ્ર્ચાત્ ટર્શ્યરી (પ્લાયસ્ટોસીન) અથવા થોડાક પછીના સમયનું છે. એ સંભવિત છે કે હજી આજે પણ તે બનતું હોય. કિનારાના નિમ્ન ભૂમિ લૅટરાઇટનું વય સ્પષ્ટપણે અર્વાચીન હોવું જોઈએ. પુરાપાષાણિક હથિયાર-સ્વરૂપે પ્રાગૈતિહાસિક માનવના આદિ અવશેષો નિમ્ન ભૂમિ લૅટરાઇટમાં મોટી સંખ્યામાં રહેલા જોવા મળે છે.
જોકે લૅટરાઇટના અગત્યના જથ્થાઓ ઇયોસીનમાં અને તેથી પણ જૂના સમયમાં બનેલા હોવાનો પુરાવો છે. પશ્ચિમ પાકિસ્તાનમાં નુમ્યુલાઇટયુક્ત શ્રેણીના તળિયે ચણોઠિયો હીમેટાઇટ, રાતી માટી કે બૉક્સાઇટનું પાતળું પણ સળંગ નિમ્નસ્તર મળી આવે છે. ઉપર્યુક્ત સંજોગો હેઠળ તેનો પાર્થિવ ઉત્પત્તિપ્રકાર મંજૂર રાખીએ તોપણ તે અમુક વય પૂરતો શા માટે મર્યાદિત હોવો જોઈએ તેને માટે કોઈ કારણ મળતું નથી. ઘણાં અધિકૃત પ્રમાણોને આધારે ભારતની સ્તરવિદ્યાના હેવાલમાં લૅટરાઇટ બીજા ઘણા કાળના સ્તરો(horizons)માં જોવા મળે છે. ખાસ કરીને, તે અસંગતિ અથવા નિક્ષેપવિરામ દર્શાવતી સપાટીઓ ઉપર મળી આવે છે. આ અસંગતિ દ્વારા દર્શાવાતા નિક્ષેપવિરામ દરમિયાન જૂની ભૂમિસપાટીઓ લાંબા સમય માટે પ્રાકૃતિક પરિબળોની અસર નીચે આવેલી તે બાબતનો નિર્દેશ કરે છે. તેથી પુરાણકાળના ખડક પુરાવા પૈકી લોહયુક્ત લૅટરાઇટવાળો ગ્રેવલસ્તર પણ અસંગતિના કૉંગ્લોમરેટ જેટલી જ અગત્ય ધરાવે છે.
આર્થિક મહત્વ : લૅટરાઇટ કેટલીક વાર અમુક ધાત્વિક ઑક્સાઇડ(લોહ-અયસ્ક, મૅંગેનીઝ અયસ્ક, ગિબ્સાઇટ કે બૉક્સાઇટ)ના સંકેન્દ્રણ માટે અનુકૂળ સંજોગો ઉપસ્થિત કરે છે. લોહ-અયસ્ક તરીકે તેનો ઉપયોગ જૂના સમયથી ચાલ્યો આવે છે; પરંતુ ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ અને મૅંગેનીઝ માટે પણ તે એટલું જ મહત્વ ધરાવે છે. દક્ષિણ ભારત અને મ્યાનમારના ઘણા ભાગોમાં ઈંટોમાં કાપી શકવાની તેની અનુકૂળતાને કારણે બાંધકામ-ખડક તરીકેના તેના ઉપયોગ માટે લૅટરાઇટનું ખોદકામ કરવામાં આવે છે. હકીકતમાં તો લૅટરાઇટ શબ્દ મૂળ લૅટિન શબ્દ લેટર ઈંટમાંથી બનેલો છે.
ગુજરાત : ગુજરાતમાં લૅટરાઇટ ખડકો સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ તળભૂમિના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં મળે છે. સૌરાષ્ટ્ર અને તળભૂમિના લૅટરાઇટ પેલિયોસીન વયના તથા કચ્છના લૅટરાઇટ પેલિયોસીન અને ઇયોસીન વયના છે. ત્રણે ભાગોમાં તે ડેક્કન ટ્રૅપ ખડકોની ઉપર રહેલા છે. લૅટરાઇટની ઉત્પત્તિ હજી સુધી સંપૂર્ણપણે સમજી શકાઈ નથી. લૅટરાઇટીકરણની પ્રક્રિયા વિવાદાસ્પદ રહી છે. તેમ છતાં તેની સ્પષ્ટતા આ રીતે કરી શકાય : અયનવૃત્તીય કે ઉપઅયનવૃત્તીય આબોહવાના સંજોગોમાં તે પાર્થિવ ખવાણની અસર હેઠળ અવશિષ્ટ નિક્ષેપો હોવાનું કહેવાય છે. બીજી દૃષ્ટિએ તે ભૂગર્ભજળની અસર હેઠળ અવક્ષેપ તરીકે તૈયાર થયેલા હોવાનું પણ કહેવાય છે. ગુજરાતના લૅટરાઇટ સંભવત: આ બે વચ્ચેના સંજોગો હેઠળ તૈયાર થયેલા હોવાનું માનવામાં આવે છે. જ્યાં જ્યાં બેસાલ્ટ ખડકો ફાટોવાળા બનેલા છે કે તેમનું બ્રેસિયાકરણ થયું છે ત્યાં લૅટરાઇટની રચના સારી રીતે થયેલી છે. લૅટરાઇટીકરણની ઘટના પેલિયોસીન કાલખંડ દરમિયાન થયેલી છે.
સૌરાષ્ટ્ર : ભૂસ્તરીય સંદર્ભમાં જોતાં, લૅટરાઇટ ખડકો સૌરાષ્ટ્રના ડેક્કન ટ્રૅપ અને તૃતીય જીવયુગની ગજ શ્રેણી વચ્ચે એક વિભાગ તરીકે વિવૃત થયેલા છે. ભૌગોલિક વિતરણની દૃષ્ટિએ આ ખડકો ઉત્તરમાં જામનગરથી શરૂ કરીને દક્ષિણમાં ભાવનગર સુધી ખંડિત વિભાગો તરીકે જોવા મળે છે. જ્યાં જ્યાં મળે છે ત્યાંના ભૂમિતળથી તે 10થી 20 મીટર ઊંચા ટેકરાઓના રૂપમાં મળે છે; વળી આજુબાજુની ભૂમિથી અલગ પડી જતા લાલ, કથ્થાઈ કે પીળા રંગને કારણે તે જુદા પડી આવતા હોવાથી ખૂબ જ સહેલાઈથી ઓળખાઈ જાય છે.
જામનગર જિલ્લામાં ખંભાળિયાથી પશ્ચિમે 40થી 45 કિમી. અંતરે આવેલા મેવાસા, રાણ અને ભાટિયા ખાતે લૅટરાઇટની વિવૃતિઓ જોવા મળે છે. મેવાસામાં તે 6 કિમી. પહોળો પટ્ટો બનાવે છે, હડમતિયા ખાતે તે 1 કિમી. પહોળો પટ્ટો બનાવે છે. અહીંનો લૅટરાઇટનો સ્તરપટ 7થી 8 મીટરની જાડાઈનો છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં તે કિનારાની મેદાની પટ્ટીમાં મળે છે, અહીં તે ખૂબ જ પ્રમાણમાં લોહદ્રવ્યયુક્ત છે. ભાવનગર જિલ્લામાં પણ તેની સારી વિવૃતિઓ મળે છે. કોઈ કોઈ સ્થળે તો તે 6થી 7 મીટર જાડાઈવાળા પણ છે. તે ભાવનગરથી દક્ષિણે 50 કિમી. જેટલી લંબાઈમાં અને સ્થાનભેદે 1થી 5 કિમી. પહોળા પટ્ટામાં મળે છે.
કચ્છ : કચ્છના લૅટરાઇટ ખડકો મુંદ્રા, માંડવી, અબડાસા, નખત્રાણા, લખપત, ભુજ અને અંજાર તાલુકાઓમાં તૃતીય જીવયુગના સ્તરોને સમાંતર ઠીક ઠીક લંબાઈ-પહોળાઈમાં તેમજ ખીણોથી અલગ પડતા 10થી 15 મીટર ઊંચા ટેકરાઓ રૂપે પેલિયોસીન પટ્ટો રચે છે. આ પટ્ટો ડેક્કન ટ્રૅપના બેસાલ્ટ અને તૃતીય જીવયુગના ખડકોની વચ્ચે રહેલો છે, આજુબાજુના ભૂમિભાગો પર લૅટરાઇટના ગોળાશ્મો અને શિલાચૂર્ણ વેરવિખેર થયેલાં જોવા મળે છે. અહીં પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતની તળભૂમિની જેમ જ લૅટરાઇટ બેસાલ્ટમાંથી બનેલી સ્થાનિક પેદાશ જ છે. કચ્છના લૅટરાઇટને બે વયજૂથોમાં જુદા પાડી શકાય છે : પેલિયોસીન અને ઇયોસીન. અહીંનો સૌથી ઉપરનો લૅટરાઇટ થર બૉક્સાઇટના કાર્યોપયોગી આર્થિક જથ્થા પણ ધરાવે છે.
મુખ્ય તળભૂમિ : સૌરાષ્ટ્ર અને કચ્છની સરખામણીએ લૅટરાઇટ ખડકો ગુજરાતની તળભૂમિમાં ઓછા પ્રમાણમાં મળે છે, તેમ છતાં તેમની વિવૃતિઓમાં પ્રાપ્તિસ્થિતિ, ઊર્ધ્વ અને ક્ષૈતિજ છેદો તથા ખનિજબંધારણની વિવિધતા જોવા મળે છે. તળભૂમિના લૅટરાઇટ મુખ્યત્વે તો 20° 45´થી 24° 00´ ઉ. અ. અને 72° 45´થી 73° 15´ પૂ. રે. વચ્ચે રેખીય પટ્ટા રૂપે છૂટક છૂટક વિવૃતિ પામેલા છે. એક જૂથ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા (બાયડ આજુબાજુ) અને ખેડા(કપડવંજ આજુબાજુ)માં અને બીજું જૂથ દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી વલસાડ સુધી જોવા મળે છે. આ બંને જૂથ મધ્ય ગુજરાતના કાંપના પહોળા આવરણથી અલગ પડે છે. દક્ષિણ ગુજરાતમાં તે નર્મદાથી અંબિકા નદીની ખીણ સુધીનો ભાગ આવરી લે છે, જેમાં રતનપુર, ભૂરી, વાલિયા, વાગલખોડ, તારકેશ્વર, તરભાણ, મુંજીલાવ અને માણેકપુરનો સમાવેશ થાય છે. સપાટી ખાણો, નદીખીણો કે કૂવાઓમાં તેની વિવૃતિઓ જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા
વ્રિજવિહારી દીનાનાથ દવે