લૅંગ, ફ્રિત્ઝ (જ. 5 ડિસેમ્બર 1890, વિયેના; અ. 2 ઑગસ્ટ 1976) : ચલચિત્ર-દિગ્દર્શક. અમેરિકન અને જર્મન ચિત્રોમાં મહત્વનું પ્રદાન કરનારા ફ્રિત્ઝ લૅંગ એક સ્થપતિના પુત્ર હતા. ફ્રિત્ઝ પણ પિતાની જેમ એ જ વ્યવસાય કરે એવો પરિવારનો આગ્રહ હતો પણ ફ્રિત્ઝને કળાના અભ્યાસમાં વધુ રુચિ હતી. 20 વર્ષની ઉંમરે તેઓ ઘર છોડીને નીકળી ગયા અને મ્યુનિક તથા પૅરિસમાં કળાનો અભ્યાસ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેમણે ઑસ્ટ્રિયન લશ્કરમાં ફરજ બજાવી, ઈજાગ્રસ્ત થયા ને અંતે એક વર્ષ હૉસ્પિટલમાં રહેવાનું આવ્યું. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અનેક પટકથાઓ તથા વાર્તાઓ લખવા માંડી.

હૉસ્પિટલમાંથી છૂટા થયા પછી તેઓ બર્લિનમાં ડેલ્કા કંપનીમાં જોડાયા. 1919માં તેમણે પોતાની જ વાર્તા પરથી પ્રથમ ફિલ્મ ‘ધ હાફ બ્રીડ’નું દિગ્દર્શન કર્યું. એ જ વર્ષે તેમના ત્રીજા ચિત્ર ‘ધ સ્પાઇડરે’ તેમને વ્યાવસાયિક સફળતા અપાવી હતી. ભેજાબાજ ગુનેગારો દુનિયા પર પોતાનું આધિપત્ય જમાવવા પ્રયત્ન કરે છે એવું એમાં કથાનક હતું. 1920માં ફ્રિત્ઝે પટકથાલેખનમાં થિયા વૉન હાર્બુ સાથે સંકલન સાધ્યું. આ લેખિકા સાથે 1924માં તેમણે લગ્ન કરી લીધાં. 1921માં ફ્રિત્ઝને ખ્યાતિ અપાવનાર જર્મન ચિત્ર ‘ધ ટાયર્ડ ડેથ’માં ચલચિત્રકળાના માધ્યમનો ઉપયોગ કરવાની તેમની આગવી શૈલી વધુ મુખર થઈ. ખાસ કરીને તેમનું આ ચિત્ર અને એ પછીનાં કેટલાંક ચિત્રો ચલચિત્રકળામાં અભિવ્યંજનાવાદનું પ્રતિનિધિત્વ કરનારાં ચિત્રો બની રહ્યાં. તેમનાં ચિત્રો બે કે ત્રણ ભાગનાં રહેતાં અને તે જર્મન છબિઘરોમાં રોજ એક એક ભાગ તરીકે દર્શાવાતાં. 1924માં તેઓ ન્યૂયૉર્ક ગયા. ન્યૂયૉર્કની ગગનચુંબી ઇમારતો જોતાંજોતાં તેમને ‘મેટ્રોપોલિસ’ ચિત્ર માટેનો વિચાર સ્ફુર્યો હતો.

ફ્રિત્ઝ લૅંગ

મહાનગરોમાં ભવિષ્યમાં જીવન કેવું યંત્રવત્ હશે એની કલ્પના કરતું 1927માં બનેલું એ મૂક ચિત્ર વિશ્વનાં શ્રેષ્ઠ ચિત્રોમાં સ્થાન પામી ચૂક્યું છે. આ ચિત્ર એટલું ખર્ચાળ હતું કે એ સમયની જર્મનીની સૌથી મોટી ચિત્રનિર્માણ કંપની ‘યુએફએ’ને દેવાળું ફૂંકવાનો વખત આવ્યો હતો. ફ્રિત્ઝે એ પછીનું ચિત્ર બનાવવા પોતાની ખુદની નિર્માણ-કંપની શરૂ કરી હતી અને ચિત્ર ‘સ્પાયઝ’(1928)માં ફરી એક વાર દુનિયા પર આધિપત્ય જમાવવા માંગતા અપરાધીઓનું કથાનક લાવ્યા હતા. 1929માં તેમણે ‘બાય રૉકેટ ટુ ધ મૂન’ બનાવ્યું. આ ચિત્રને ખાસ વ્યાવસાયિક સફળતા મળી નહોતી, પણ અંતરીક્ષનાં કથાનકો લઈને ચિત્રો બનાવવાનો ચીલો આ ચિત્રે પાડ્યો હતો. આ ચિત્ર નિષ્ફળ જવાનું એક કારણ કદાચ એ પણ હતું કે સવાક્ ચિત્રો બનવા માંડ્યાં હતાં તે પછી આ મૂક ચિત્ર રજૂ થયું હતું. જોકે ફ્રિત્ઝે તેમના પછીના ચિત્ર ‘એમ’(1931)માં અવાજનો ખૂબ સુંદર ઉપયોગ કર્યો હતો. ડસેલડૉર્ફમાં બાળકોના એક હત્યારાની સત્ય ઘટના પર આ ચિત્ર આધારિત હતું. આ ચિત્રમાં તેમણે અભિવ્યંજનાવાદ ને વાસ્તવવાદનો સમન્વય સાધ્યો હતો. આ ચિત્ર ફ્રિત્ઝનું સર્વશ્રેષ્ઠ ચિત્ર ગણાય છે.

ચલચિત્રકળાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી જાણતા ફ્રિત્ઝે એ પછી રાજકીય છાયા ધરાવતું ચિત્ર ‘ધ ટેસ્ટામેન્ટ ઑવ્ ડૉ. મેબ્યુઝ’ (1933) બનાવ્યું. આ ચિત્રમાં તેમણે પોતાની નાઝી-વિરોધી ભાવનાઓ કલાત્મક રીતે રજૂ કરી હતી. ચિત્રમાંનાં કુટિલ પાત્રોનાં મોંમાં તેમણે નાઝીઓના નારા મૂક્યા હતા. આ ચિત્ર પર નાઝીઓએ પ્રતિબંધ લાદી દીધો. હિટલરના પ્રચાર-વિભાગના પ્રધાન જોસેફ ગૉબેલ્સનું તેડું આવ્યું. તેણે ફ્રિત્ઝ સમક્ષ હિટલરની એ અપેક્ષા રજૂ કરી કે ફ્રિત્ઝ નાઝી-પ્રચારચિત્રોના નિર્માણકાર્યની દેખરેખ રાખે. ફ્રિત્ઝને એવો સંદેશો આવી ગયો કે તેનાં માતા યહૂદી હતાં તે નાઝીઓ બહુ ઝડપથી શોધી કાઢશે. પળનોય વિલંબ કર્યા વિના એ જ રાત્રે પોતાનાં તમામ ચિત્રો, સંપત્તિ વગેરે ત્યાં જ રહેવા દઈને ફ્રાન્સ જતા રહ્યા. તેમનાં પત્ની થિયાએ એ જ વર્ષે તેમને છૂટાછેડા આપી દીધા હતા એટલે તેમને પણ સાથે લઈ જવાનો પ્રશ્ન નહોતો.

પૅરિસમાં આવ્યા પછી ફ્રિત્ઝે એક ચિત્ર ‘લિલિયમ’નું દિગ્દર્શન કર્યા પછી તેમને હૉલિવુડનું તેડું આવ્યું. હૉલિવુડમાં પણ તેમણે કેટલાંક નોંધપાત્ર ચિત્રો બનાવ્યાં. સામાજિક અન્યાય તેમનાં ચિત્રોનો મુખ્ય વિષય રહ્યો, પણ 1941માં તેમણે બનાવેલા ‘મૅન હન્ટ’ ચિત્રે તેમને તેમની ચિરપરિચિત શૈલી તરફ વાળ્યા હતા. એ પછી બર્તોલ્ત બ્રેખ્ત સાથે મળીને તેમણે 1943માં ‘હેન્ગમેન ઑલ્સો ડાઇ’ ચિત્રની પટકથા લખી હતી. નાઝી-વિરોધી આ ચિત્ર બનાવ્યા પછી ફરી તેઓ તેમના પ્રિય વિષય ગુનાખોરી તરફ વળ્યા હતા. તેમણે કેટલાંક સુંદર ‘વેસ્ટર્ન’ ચિત્રો પણ બનાવ્યાં. 1956માં ‘તાજમહાલ’ની કહાણી પર આધારિત ઐતિહાસિક પ્રણયકથા-ચિત્રની પૂર્વતૈયારી અને સંશોધન માટે તેઓ ભારત આવ્યા હતા, પણ આ યોજના અધવચ્ચે પડતી મુકાઈ હતી. 1957માં તેઓ જર્મની જતા રહ્યા અને અગાઉ 1921માં તેમણે થિયા સાથે મળીને લખેલી એક પટકથા પરથી બે ભાગમાં ચિત્ર બનાવ્યું. આ બંને ભાગ પોણા બે કલાકની લંબાઈ ધરાવતા હતા. અમેરિકામાં આ ચિત્ર ‘જર્ની ટુ ધ લૉસ્ટ સિટી’ નામે પ્રદર્શિત થયું હતું અને બે ભાગને એક કરીને તેમાં ભારે કાપકૂપ કરીને તે દર્શાવાયું હતું. ફ્રિત્ઝે 1957માં જર્મનીમાં તેમનું આખરી ચિત્ર ‘1000 આઇઝ ઑવ્ ડૉ. મેબ્યુઝ’ બનાવ્યું હતું. 1963માં તેમણે ગોદાર્દના એક ચિત્ર ‘ક્ધટેમ્પ્ટ’માં અભિનય કર્યો હતો. એ પછી તેઓ ફરી અમેરિકા જતા રહ્યા ને બાકીનાં વર્ષો નિવૃત્તિમાં પસાર કર્યાં હતાં.

હરસુખ થાનકી