લૅંગમ્યૂર, અરવિંગ (જ. 31 જાન્યુઆરી 1881, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 16 ઑગસ્ટ 1957, ફાલ્માઉથ, મૅસેચૂસેટ્સ) : યુ.એસ.ના રસાયણવિદ અને 1932ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કાર વિજેતા. કુટુંબના ચાર પુત્રો પૈકીના ત્રીજા અરવિંગ છ વર્ષની નાની વયથી જ તેમના મોટા ભાઈ આર્થરના રાસાયણિક પદાર્થો ઉપરના પ્રયોગો તરફ આકર્ષાયેલા. અરવિંગની 13 વર્ષની ઉંમરે જ તેમની માતાએ આગાહી કરેલી કે તે મોટો વૈજ્ઞાનિક થશે અને દુનિયામાં નામ કાઢશે. તેઓ 17 વર્ષના થયા ત્યારે પિતાનું અવસાન થયેલું.

કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં મેટલર્જિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેમણે ગટિંગન વિશ્વવિદ્યાલય(જર્મની)માં પ્રોફેસર વાલ્ટેર નર્ન્સ્ટના હાથ નીચે સંશોધન કરી 1906માં પીએચ.ડી.ની પદવી મેળવી. અહીં તેમણે તપ્ત પ્લૅટિનમ-તાર દ્વારા વાયુઓના વિઘટન પર કાર્ય કરેલું અને તેને લીધે તેમને પૃષ્ઠ-રસાયણ(surface chemistry)માં રસ ઉત્પન્ન થયેલો. તેઓ ઉત્કૃષ્ટ શિક્ષક તરીકે જાણીતા હતા. 1909માં તેઓ શેનેક્ટેડી (ન્યૂયૉર્ક) ખાતે આવેલ જનરલ ઇલેક્ટ્રિક કંપનીના સંશોધનકેન્દ્રમાં જોડાયા અને કંપનીમાં છેક 1950 (41 વર્ષ) સુધી રહ્યા. અહીંના સેવાકાળ દરમિયાન તેમણે સંશોધનો કર્યાં. અને નિવૃત્ત થયા પછી સલાહકાર (consultant) તરીકે સેવાઓ આપી.

અરવિંગ લૅંગમ્યૂર

વાયુઓમાં વીજવિભાર (electric discharge) ઇલેક્ટ્રૉન-ઉત્સર્જન તેમજ ઊંચા તાપમાને ટંગસ્ટનના પૃષ્ઠ-રસાયણ અંગે સંશોધન કરી તેમણે ટંગસ્ટન ફિલામેન્ટવાળા ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય વધારવામાં સફળતા મેળવી. આ બલ્બમાં બાષ્પીભવન અટકાવવા તેમણે તેમાં નીચા દબાણે નિષ્ક્રિય વાયુ (દા.ત., આર્ગન) ભરી કુંડલિત-કુંડલી (coiled-coil) સ્વરૂપનો ફિલામેન્ટ વાપરેલો. આ ઉપરાંત તેમણે નિર્વાત-પંપ (vacuum pump) તથા રેડિયો બ્રૉડકાસ્ટિંગ માટે ઉપયોગી એવી ઉચ્ચ નિર્વાત નળી (high vacuum tube) વિકસાવેલ. તપ્ત ફિલામેન્ટ ઉપરના વધુ સંશોધનને કારણે પારમાણ્વિક (atomic) હાઇડ્રોજનની શોધ કરી તથા તેના ઉપરથી ધાતુસંધાન માટે ઉપયોગી એવી ઍટમિક હાઇડ્રોજન બ્લોટૉર્ચ વિકસાવી.

1919-21 દરમિયાન તેમણે પરમાણુ-સંરચના અંગે કાર્ય કર્યું અને અમેરિકન પરમાણુ-રસાયણજ્ઞ ગિલ્બર્ટ એન. લૂઇસથી સ્વતંત્ર રીતે પરમાણુ-સંરચના તથા રાસાયણિક બંધની ઉત્પત્તિને લગતા સિદ્ધાંતો રજૂ કર્યા. ‘સહસંયોજકતા’ (covalency) જેવા નવા શબ્દનો તેમણે સૌપ્રથમ ઉપયોગ કર્યો. પ્રવાહીની સપાટી ઉપર ઉદભવતી પાતળી ફિલ્મ(દા.ત., પાણી ઉપર તેલની)ના તેમના અભ્યાસને કારણે અણુઓનાં આમાપ (size) અને આકાર(shape)ને લગતાં તારણો કાઢી શકાયાં, તો ઘન સપાટી ઉપર વાયુઓની ફિલ્મના અભ્યાસરૂપે તેમણે લૅંગમ્યૂર અધિશોષણ સમતાપી (isotherm) રજૂ કર્યો. ઘન સપાટીઓ પર વાયુઓના અધિશોષણ અંગે આ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત હતો. પૃષ્ઠ-અધિશોષણ (surface-adsorption) અંગેના તેમના વિચારો દ્વારા વિષમાંગ (heterogeneous), ઉદ્દીપન (catalysis) વિશે સારી એવી સમજ પ્રાપ્ત થઈ શકી છે. પૃષ્ઠ-રસાયણ (ખાસ કરીને એક-આણ્વીય ફિલ્મો ઉપરના મૂળભૂત સંશોધન) અંગેની તેમની શોધો તથા અન્વેષણના ફળસ્વરૂપે તેમને 1932ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.

વાયુઓમાં વીજવિભાર અંગેના કાર્ય દરમિયાન તેમણે પ્લાઝ્મા અંગે પણ સૌપ્રથમ અભ્યાસ કરેલો. (‘પ્લાઝ્મા’ શબ્દ પણ લૅંગમ્યૂરને આભારી છે.) વાતાવરણીય ભૌતિકશાસ્ત્રને લગતા તેમના પ્રયોગોથી દોરાઈને તેઓ અને તેમના સાથીઓ 1946માં કૃત્રિમ વરસાદ માટે વાદળોમાં સિલ્વર આયોડાઇડ તથા ઘન કાર્બન ડાયૉક્સાઇડ(શુષ્ક બરફ, dry ice)નો છંટકાવ કરવા પ્રેરાયા હતા.

તેઓ અવિરત સંશોધનકર્તા હતા અને લૂઈ પાશ્ર્ચરને પોતાનો આદર્શ માનતા હતા. તેમનાં સંશોધનોએ પાયસીકરણ (emulsification) અને પ્રક્ષાલકો(detergents)ને લગતા આધુનિક જ્ઞાનના વિકાસમાં સારો ફાળો આપ્યો છે. અલાસ્કા ખાતેના એક પર્વતને તેમના માનમાં માઉન્ટ લગમ્યૂર નામ આપવામાં આવ્યું છે.

જ. પો. ત્રિવેદી