લૂસ, ક્લેર બૂથ (જ. 10 એપ્રિલ 1903, ન્યૂયૉર્ક; અ. 1987, ન્યૂયૉર્ક) : અમેરિકન મહિલા-નાટ્યકાર, પત્રકાર તથા રાજકારણી અને ઉચ્ચ સરકારી અધિકારી. ગાર્ડન સિટી અને ટેરીટાઉનમાં ઘેર બેઠાં શિક્ષકોની દેખરેખ હેઠળ શિક્ષણ મેળવ્યું. ‘વોગ’ અને ‘વૅનિટી ફેર’ નામનાં સામયિકોનાં તેઓ અનુક્રમે સહતંત્રી અને તંત્રી હતાં. જ્યૉર્જ ટટલ બ્રોકૉ સાથે લગ્નવિચ્છેદ થયા પછી ‘ટાઇમ-લાઇફ’ના પ્રકાશક હેન્રી આર લૂસ સાથે 1935માં પુનર્લગ્ન કર્યું. એમના ‘ધ વિમેન’ (1936) નામના હાસ્યપ્રધાન નાટકમાં માત્ર સ્ત્રીપાત્રો છે અને બ્રૉડવેમાં તે 657 વખત ભજવાયું હતું. ‘કિસ ધ બૉયઝ ગુડબાય’ (1938) રોજબરોજના અમેરિકન જીવન પર વેધક કટાક્ષ છે. ‘માર્જિન ફૉર એરર’ (1939) નાઝીઓની વિરુદ્ધનું નાટક છે. ઉપરનાં ત્રણેય નાટકો પરથી ચલચિત્ર બન્યાં છે. 1946માં લૂસે કૅથલિક સંપ્રદાયનો સ્વીકાર કર્યો અને ત્યારપછીનાં તેમનાં લખાણોમાં ધાર્મિક રણકો સંભળાય છે. દ્વિતીય વિશ્વયુદ્ધનાં તેમણે યુદ્ધ-ખબરપત્રી તરીકે ફરજ બજાવેલી.
અમેરિકાના ‘હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝ’માં કનેક્ટિકટ રાજ્યના રિપબ્લિકન પક્ષની ટિકિટથી તેઓ ચૂંટાઈ આવેલાં. 1943થી 1947 દરમિયાન 78મી અને 79મી કૉંગ્રેસમાં તેઓ સભ્યપદે હતાં. તેમના અભિપ્રાયો રિપબ્લિકન પક્ષ માટે રાષ્ટ્રીય કક્ષાએ પ્રભાવક રહ્યા હતા. 1953માં પ્રેસિડન્ટ ડ્વાઇટ ડી. આઇઝનહોવરે તેમની પસંદગી ઇટાલીના એલચી તરીકે કરી ત્યારે આ પ્રકારની નિમણૂક મેળવનાર તેઓ પ્રથમ અમેરિકન સન્નારી હતાં. જોકે 1956માં નાદુરસ્ત તબિયતને કારણે તેમણે આ પદેથી રાજીનામું આપેલું. 1979માં વેસ્ટ પૉઇંટ ઍલમ્ની તરફથી વિશિષ્ટ લોકસેવાના માનમાં તેમને જીવનભરની કામગીરી માટેનો (લાઇફટાઇમ) સિલ્વેનસ થેયર ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો ત્યારે આ પ્રકારનું બહુમાન મેળવનાર તેઓ અમેરિકાનાં પ્રથમ સન્નારી હતાં. બે વર્ષ બાદ લૂસે રાજકારણમાં પુન: પ્રવેશ કર્યો. તેમને પ્રમુખના ફૉરેન ઇન્ટેલિજન્સ એડવાઇઝરી બૉર્ડમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. 1983માં પ્રેસિડન્ટ રૉનાલ્ડ રેગને તેમને ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ્ ફ્રીડમ’ બક્ષ્યો ત્યારે તેમની પ્રશંસા કરતાં તેમને ‘સ્વાતંત્ર્યનાં કાયમી અને અસરકારક વકીલ’ તરીકે ઓળખાવેલાં. વિલ્ફ્રિડ શીડે 1982માં તેમનું જીવનચરિત્ર પ્રસિદ્ધ કર્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી