લુસાકા (રાજ્ય) : આફ્રિકાના ઝામ્બિયા દેશનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 14° 45´થી 16° 0´ દ. અ. અને 27° 50´થી 30° 15´ પૂ. રે.ની વચ્ચેનો 21,898 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ મોઝામ્બિક, દક્ષિણે ઝિમ્બાબ્વે તથા પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ તરફ ઝામ્બિયાનાં અન્ય રાજ્યોની સીમાઓ આવેલી છે. લુસાકા તેનું પાટનગર છે.
આ રાજ્યનું ભૂપૃષ્ઠ સમતળ ભૂમિવાળું છે, કોઈ કોઈ જગાએ 3થી 6 મીટર ઊંચાઈ ધરાવતા નાના ટેકરાઓ જોવા મળે છે. રાજ્યમાં ચરિયાણ માટેની ઘાસભૂમિ વધુ પ્રમાણમાં આવેલી હોવાથી પશુપાલનની પ્રવૃત્તિ વિકસી છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. અહીં મકાઈ અને તમાકુની ખેતી વિશેષ પ્રમાણમાં થાય છે. પશુપાલનની પ્રવૃત્તિને કારણે ડેરી-આધારિત પેદાશો તેમજ માંસ અને બીફ મેળવાય છે. ઉદ્યોગો પૈકી ઠંડાં પીણાં, કાપડ, તમાકુ, પગરખાં, ખાદ્યતેલ, રસાયણો, સાબુ, ખાંડ, સિમેન્ટ, યંત્રો, ઔષધિઓ, કાચ, રાસાયણિક ખાતર જેવા એકમોનો સમાવેશ થાય છે.
આ રાજ્યમાંથી ઉત્તર અને પૂર્વ તરફ જતા માર્ગો લુસાકા શહેર પાસેથી પસાર થતા હોવાથી રાજ્યનું પાટનગર લુસાકા પરિવહનનું મુખ્ય મથક છે. રાજ્યમાં ખાસ કરીને ન્યાન્જા (Nyanja) અને સોલી (Soli) જાતિના લોકો વધુ પ્રમાણમાં છે, યુરોપિયન અને એશિયન લોકોનું પ્રમાણ મર્યાદિત છે.
ઇતિહાસ : લુસાકાની નજીકનાં પાષાણયુગનાં સ્થળો ખાતેથી દક્ષમાનવો(હોમો હેબિલિસ)એ બનાવેલાં પાષાણ-ઓજારો મળી આવ્યાં છે. આ જ વિસ્તારમાંથી દસમી-અગિયારમી સદીનાં માટીનાં વાસણો પણ પ્રાપ્ત થયાં છે. સોળમી સદીમાં સોલી જાતિના લોકો સર્વપ્રથમ વાર અહીં આવેલા. 1890માં બ્રિટિશ દક્ષિણ આફ્રિકી કંપનીએ અહીં પોતાની સત્તા સ્થાપી ત્યારે આ પ્રદેશ ઉત્તર રહોડેશિયા તરીકે ઓળખાતો હતો. 1924માં બ્રિટિશ લોકોએ કાર્યાલય ઊભું કર્યું. 1948માં આફ્રિકી લોકોએ ઉત્તર રહોડેશિયા કૉંગ્રેસની અહીં સ્થાપના કરી. 1964માં ઉત્તર રહોડેશિયા સ્વતંત્ર થયું અને ઝામ્બિયા બન્યું. લુસાકાને ઝામ્બિયાના એક રાજ્યનો દરજ્જો મળ્યો. વસ્તી 1999 મુજબ 15,77,000ની છે.
નીતિન કોઠારી