લુકાસ, વાન લેડન (Lucas, Van Leyden) (જ. 1489થી 1494, લીડન, નેધરલૅન્ડ્ઝ; અ. 1533, લીડન, નેધરલૅન્ડ્ઝ) : રેનેસાંસની ઉત્તર યુરોપીય શાખાના મહત્વના ચિત્રકાર, એન્ગ્રેવર (છાપચિત્રકાર). પિતા હુઇગ (Huygh) જૅકબ્સને બાળપણમાં જ પુત્રને ચિત્રકલાની તાલીમ આપવી શરૂ કરેલી. પછીથી લુકાસ વધુ તાલીમાર્થે કૉર્નેલિસ એન્જેલ્બ્રેખ્ટ્રોનના વર્કશૉપમાં જોડાયા.
આજે લુકાસની પ્રતિષ્ઠા ચિત્રકાર કરતાં છાપચિત્રકાર તરીકેની મોટી છે. 1508માં તેમણે તૈયાર કરેલાં છાપચિત્રો ‘મોહંમદ ઍન્ડ ધ મંક સર્જિયસ’ અને ‘સુસાના ઍન્ડ ધી એલ્ડર્સ’થી તેમની ખ્યાતિ ચોમેર પ્રસરી. 1510થી એ વિખ્યાત છાપચિત્રકાર આલ્બ્રેખ્ટ ડ્યુરરના પ્રભાવ હેઠળ આવ્યા. ત્યારબાદ તેમનાં છાપચિત્રોમાં નિસર્ગ અને માનવઆકૃતિઓનું સંયોજન અત્યંત સુમેળભર્યું બન્યું. 1510માં તેમણે સર્જેલાં બે છાપચિત્રો ‘ધ મિલ્કમેઇડ’ અને ‘એક્કે હોમો’(Ecce Home)ની દસકાઓ પછી પ્રસિદ્ધ ચિત્રકાર રેમ્બ્રાં પર અસર પડેલી.
1521માં લુકાસ ઍન્ટવર્પ જઈ ડ્યુરરના શિષ્ય બન્યા. એમની પાસેથી છાપચિત્રોના ‘એચિંગ’ (ખોતરણી) પ્રકાર માટેનું કૌશલ્ય હસ્તગત કર્યું અને ‘એચિંગ’-ચિત્રશ્રેણી ‘પૅશન’નું સર્જન કર્યું. ડ્યુરર એચિંગ માટે હમેશાં લોખંડના પતરાની પ્લેટ વાપરતા એને સ્થાને તાંબાના પતરાની પ્લેટ વાપરવાની શરૂ કરી, જેથી કાળી અને સફેદ વચ્ચેની મૃદુ રાખોડી (ગ્રે) વર્ણછાયાઓ છાપચિત્રોમાં પ્રગટી શકી. વળી, તાંબાના પતરાની પ્લેટને કારણે લુકાસ છાપચિત્રોની બે મહત્વની ટૅકનિક (પદ્ધતિઓ) એચિંગ અને એન્ગ્રેવિંગનો એક જ ચિત્રમાં યોગ કરીને નવી અસરો ઉપસાવી શક્યા. 1521માં આ નવી ટેકનીકથી એમણે સમ્રાટ મૅક્સિમિલિયનનું વ્યક્તિચિત્ર સર્જ્યું. એ જ વર્ષે એમણે એક બીજું પ્રસિદ્ધ છાપચિત્ર સર્જ્યું ‘ધ પોએટ વર્જિલ સસ્પેન્ડેડ ઇન એ બાસ્કેટ’; પણ એમનાં બે છાપચિત્રો ‘એડોરેશન ઑવ્ મેજાઈ’ અને ‘ડાન્સ ઑવ્ ધ મૅગ્ડેલિન’ તેમાં રહેલી વિચિત્ર આકાર ધરાવતી માનવ-આકૃતિઓને કારણે ટીકાપાત્ર બન્યાં છે. જીવનના અંતિમ તબક્કામાં ઇટાલિયન એન્ગ્રેવર મેર્ચાન્તિયાનો રાઇમોન્ડીની અસર નીચે લુકાસ આવેલા, પણ આ અસર હેઠળ લુકાસનાં છાપચિત્રો ઊલટાનાં બેસ્વાદ બન્યાં.
લુકાસનાં તૈલચિત્રોની ગુણવત્તા એમનાં છાપચિત્રોની સમકક્ષ નથી. એમાંનાં નોંધપાત્ર ચિત્રો છે : ‘સેલ્ફ-પૉર્ટ્રેટ’ (1508), ‘ધ ચેસ પ્લેયર્સ’ (1508), ‘મોઝીઝ સ્ટ્રાઇકિંગ ધ રૉક’ (1527), ‘વર્શિપ ઑવ્ ધ ગોલ્ડન કાફ’ અને ‘લાસ્ટ જજમેન્ટ’ (1526–27). એમના ‘સેલ્ફ-પૉટેર્રટ’માં એ સમયે તદ્દન અસાધારણ કહેવાય તેવા પીંછીના મુક્ત લસરકાથી શીઘ્રસ્ફુરિત ચિત્રણ કર્યું છે.
અમિતાભ મડિયા