લુંડીનો ટાપુ (Lundy Island) : યુ.કે.માં ડેવનશાયરના ઉત્તર કિનારાથી થોડે દૂર બ્રિસ્ટલની ખાડીમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 51° 10´ ઉ. અ. અને 4° 40´ પ. રે. તે ઇલ્ફ્રાકૉમ્બેથી પશ્ચિમ તરફ આશરે 39 કિમી.ને અંતરે તથા હાર્ટલૅન્ડ પૉઇન્ટથી ઉત્તર તરફ આશરે 19 કિમી. અંતરે આવેલો છે. તેની લંબાઈ 4 કિમી. અને પહોળાઈ 11 કિમી. જેટલી છે.
બ્રિટિશ પક્ષીવિજ્ઞાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત પક્ષી-નિરીક્ષણ સંસ્થા અહીં આવેલી છે. ઘણાં પફિન (દરિયાઈ પક્ષીઓની એક જાત) લુંડીના ટાપુ પર પ્રજનન માટે આવે છે. આ ટાપુ પર મૅરિસ્કો કૅસલના અવશેષો જોવા મળે છે. ટાપુની માલિકી નૅશનલ ટ્રસ્ટની છે.
જાહ્નવી ભટ્ટ