લીલી વાડ : ઉદ્યાન, ખેતર, પટાંગણ કે નાના ભૂખંડ(plot)ની ફરતે આવેલી લીલા છોડોની બનેલી સરહદ સૂચવતી આડ. તેને માટે સામાન્યત: થોર, મેંદી કે અન્ય નાની શોભન-વનસ્પતિઓ પસંદ કરવામાં આવે છે. આવા છોડોને અવારનવાર કાપતા રહી વાડને એકસરખી રાખવામાં આવે છે. લીલી વાડમાં નાના એકસરખા છોડ હોય તો તેને કાપવાની જરૂર પડતી નથી અથવા બહુ ઓછા કાપવા પડે છે. લીલી વાડમાં ઉગાડવામાં આવતી કેટલીક જાતિઓની માહિતી નીચે પ્રમાણે છે :
મેંદી (lawsonia alba) : ગુજરાતમાં બધે જ થાય છે. તેને હિના પણ કહે છે. શિયાળા તેમજ ઉનાળામાં તે નાનાં સફેદ કે આછા ગુલાબી રંગનાં પુષ્પો ધારણ કરે છે. વાડ કરતા પહેલાં છોડને ખાડો ખોદી ખાતર નાખીને રોપવાથી લાંબા સમય સુધી સારી રીતે વૃદ્ધિ પામે છે. દર વર્ષે કે બે વર્ષે એક વાર ખાતર અને નિયમિત પાણી આપવામાં આવે છે. નીક જેવું ખોદી, ખાતર અને માટીથી ભરી 30 સેમી. – 45 સેમી.ને અંતરે બે હરોળમાં કટકારોપણ કરવાથી વાડ સારી થાય છે. જરૂરી ઊંચાઈ રાખી તેને ઉપરથી અને બાજુઓએથી દર 10-15 દિવસે કાપતા રહેવું પડે છે. 10થી 15 વર્ષે મેંદી બહુ જૂની થતાં તેને કાઢી નાખી નવેસરથી વાડ બનાવવામાં આવે છે. તેના પાનનો ઉપયોગ હાથે-પગે મેંદી મૂકવામાં થાય છે.
વનજાઈ કે કડવી મેંદી (clerodendron inerme) : તેનાં પાન મેંદી કરતાં વધારે લીલાં હોય છે. તેની એકાદ મીટર ઊંચી વાડ બનાવી શકાય છે. તે બહુ સહેલાઈથી ઊછરી શકે છે અને 10થી 15 દિવસે કાપતા રહેવું પડે છે.
વિલાયતી મેંદી કે જખ્મી (Dodonea Viscosa) : આ વનસ્પતિ ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે. તેનાં પાન અરોમિલ ઘેરા લીલા રંગનાં અને નીચેની તરફ જતાં સાંકડાં બને છે. લીલાશ પડતાં પીળાં ફૂલ પાનની કક્ષમાં ગુચ્છમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઉત્પન્ન થાય છે. ઉદ્યાનોમાં તેનો વાડ બનાવવામાં રેતી-બંધક તરીકે ઉપયોગ થાય છે. તેનું બીજ દ્વારા પ્રસર્જન થાય છે.
બીજા પ્રકારની લીલી વાડમાં ઉપયોગમાં લેવાતા છોડને ખાસ કાપવાની જરૂર રહેતી નથી અને તેના છોડ નાના અને કાયમ લીલાછમ રહે છે. આ પ્રકારની વનસ્પતિઓની કેટલીક જાતિઓ આ પ્રમાણે છે :
લેન્ટાના પીળા : તેના છોડ 60 સેમી.થી 70 સેમી. ઊંચા થાય છે અને લગભગ સમગ્ર વર્ષ દરમિયાન પીળા રંગનાં નાનાં નાનાં ફૂલ ઝૂમખાંઓમાં આવે છે.
લેન્ટાના–ભૂરા : તેના છોડ 40 સેમી.થી 50 સેમી. ઊંચા થાય છે અને તે ભૂરા-જાંબલી રંગનાં ફૂલ નાનાં ઝૂમખાંઓમાં લગભગ બારે માસ ધારણ કરે છે.
પીલિયા મુસ્કોઝા : તે લગભગ 30 સેમી. ઊંચા કાયમ લીલાછમ રહેનારા છોડ છે.
પ્લમ્બેગો : તે 70 સેમી.થી 80 સેમી. ઊંચા છોડ છે. તેની કેટલીક જાતિઓને ભૂરા અને અન્ય કેટલીક જાતિઓને સફેદ રંગનાં ફૂલ આવે છે. ફૂલ મુખ્યત્વે ચોમાસાના પાછલા ભાગથી માંડી શિયાળામાં પણ આવે છે.
ગોલ્ડન રોડ કે યલો ડેઇઝી : તેના છોડ 60 સેમી.થી 70 સેમી. ઊંચા થાય છે અને લાંબી દાંડી ઉપર પીળા રંગનાં ફૂલ આવે છે. તેઓ કર્તિત પુષ્પો (cut-flowers) તરીકે ઘણાં ઉપયોગી છે કારણ કે તે લાંબા સમય સુધી ખીલેલાં રહે છે. ફૂલ બારે માસ આવતાં હોવા છતાં શિયાળામાં વધારે પ્રમાણમાં આવે છે.
બબીના (verbena venosa) : આ છોડની બે જાતો છે : (1) એકવર્ષાયુ અને (2) બહુવર્ષાયુ. લીલી વાડ માટે બહુવર્ષાયુ જાત ઉપયોગી છે. તેના છોડ 30 સેમી.થી 40 સેમી. ઊંચા થાય છે અને પાન નાનાં હોય છે. તેને આછા જાંબલી રંગનાં ફૂલ લગભગ સમગ્ર વર્ષ દરમિયાન આવે છે, છતાં શિયાળામાં વધારે ફૂલ બેસે છે.
કોલિયસ : તેના છોડ 60 સેમી.થી 70 સેમી. ઊંચા હોય છે. તેનાં પાન મોટાં અને રંગીન હોય છે. ઘણી જાતોનાં પાન બહુવર્ણી હોય છે. નાનાં સફેદ રંગનાં કે જાંબલી રંગનાં ફૂલ મોટે ભાગે ચોમાસામાં બેસે છે. આ છોડ છાયામાં અને થોડા ભેજવાળી જગાએ સારી રીતે થાય છે, કટકારોપણ દ્વારા તેનું પ્રસર્જન થાય છે. બે-ત્રણ વર્ષ પછી આ છોડને બીજે રોપવાથી છોડની સુંદરતા જળવાઈ રહે છે.
વૉન્ડરિંગ જ્યૂ (Zebrina Pendula syn. Tradescantia Zebrina) : આ છોડ 40 સેમી.થી 50 સેમી. ઊેંચો અને થોડો ફેલાતો હોય છે. તેનાં પાન લાંબાં, સાંકડાં અને લીલાં તેમજ ઘેરા લીલા રંગનાં પટ્ટાવાળાં (ઝીબ્રા જેવાં) હોય છે. તેની શાખા અને પાનનો નીચેનો ભાગ ઘેરા ગુલાબી કે જાંબલી રંગનો હોય છે. તેને રોપવાના હોય ત્યાં અવારનવાર બંને બાજુએથી થોડા થોડા કાપવા પડે છે. T. discolar અને T. verginianaને ઉદ્યાનોમાં સીમાંત (border) શોભન-વનસ્પતિઓ તરીકે હરોળોમાં ઉગાડવામાં આવે છે.
સૉંગ ઑવ્ ઇંડિયા : તે 60 સેમી.થી 70 સેમી. ઊંચી આકર્ષક વનસ્પતિ છે અને તેનાં પાન થોડાં લાંબાં અને લીલા-પીળા પટ્ટાવાળાં હોય છે.
આમ, લીલી વાડ માટે ઉપર્યુક્ત દર્શાવેલી જાતિઓ સિવાય અન્ય જાતિઓ પણ ઉપયોગમાં લઈ શકાય છે.
મ. ઝ. શાહ