લીલી ચા (સુગંધી ચા) : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cymbopogon citratus stapf syn. Andropogon citratus Dc. (સં. સુગંધભૂતૃણ; હિં. સુગંધી તૃણ; બં. ગંધબેના; મ. પાતીયા ચા, ગવતી ચા; ગુ. લીલી ચા; ક. સુગંધતૃણ; તે. નીમ્માગડ્ડી; ત. વસન પ્પીલ્લુ; મલ. વસન પ્યુલ્લા; અં. વેસ્ટ ઇંડિયન લેમન ગ્રાસ) છે. તે ટૂંકી ગાંઠામૂળી ધરાવતું ઊંચું, ભાગ્યે જ પુષ્પનિર્માણ કરતું કૃષિજ (cultigen) બહુવર્ષાયુ ઘાસ છે. બંને ગોળાર્ધોના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેનું વાવેતર જાવા, શ્રીલંકા, મ્યાનમાર, માડાગાસ્કર, મૉરેશિયસ, વેસ્ટ ઇંડિઝ અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોમાં થાય છે. ભારતમાં પંજાબ, મુંબઈ અને વડોદરાનાં ઉદ્યાનોમાં વાવવામાં આવે છે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વધુ જોવા મળે છે. કેરળમાં તેનું અંદાજે 30,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે. મૈસૂરમાં તે વન્ય વનસ્પતિ તરીકે થાય છે.
લીલી ચા સૂકા વિસ્તારમાં પણ થઈ શકે છે. ઘાસ વર્ગનો પાક હોય તો ખૂબ જ સરળતાથી કોઈ પણ પ્રકારની હલકી કે મધ્યમ જમીનમાં ઊગવાની ક્ષમતા ધરાવે છે; પરંતુ સારી નિતારશક્તિવાળી ફળદ્રૂપ જમીનમાં આ પાક વધુ સારું ઉત્પાદન આપે છે.
આ પાકના ઉગાવા માટે તેમજ છોડની વૃદ્ધિ અને વધુ પ્રમાણમાં ફૂલો આવવા માટે સામાન્ય ગરમ અને ભેજવાળું વાતાવરણ ખૂબ જ માફક આવે છે. તે પ્રતિકૂળ પરિબળો સામે ટકી શકે તેવું સહિષ્ણુ (tolerant) અને શુષ્કતારોધી ઘાસ છે.
આ પાક માનવીય ખોરાક તરીકે સીધો ઉપયોગી ન હોઈ અન્ય ધાન્ય પાકો જેટલું તેનું વાવેતર જોવા મળતું નથી. પસંદગીની પદ્ધતિથી કેટલીક સુધારેલી જાતો બહાર પાડવામાં આવી છે. રંગ પ્રમાણે પાક્ધો બે જાતોમાં વર્ગીકૃત કરવામાં આવે છે :
(1) લાલ રંગવાળું લેમન ઘાસ, જેમાં પસંદગી પદ્ધતિથી વધુ ઉત્પાદન આપતી ઓડી–19 જાત લીલી ચા સંશોધન કેન્દ્ર, ઓડાકાલી (કેરળ) દ્વારા વિકસાવવામાં આવી છે. (2) સફેદ જાત – આબ્લેસ્કેનસમાં તેલનું પ્રમાણ વધુ અને સિટ્રાલ રસાયણનું પ્રમાણ ઓછું હોય છે. તેની ઓડી–19 જાત ગુજરાતનાં વાતાવરણ અને જમીનને વધુ અનુકૂળ જણાઈ છે. લીલી ચાનું વાવેતર ધરુ ઉછેરીને ફેરરોપણી પદ્ધતિથી થાય છે. ધરુ ઉછેર માટે હળ અથવા કરબ દ્વારા 2થી 3 ખેડ ઉનાળામાં કરી જમીન તપવા દેવાથી ભરભરી બને છે. આ રીતની પોચી જમીનમાં સમાર મારીને તેને સમતલ કરવામાં આવે છે. સમતલ તૈયાર કરેલ જમીનમાં મે મહિનાના બીજા પખવાડિયામાં ધરુ તૈયાર કરવા માટે બીજની રોપણી કરવામાં આવે છે. લીલી ચાનાં બીજ ઝીણાં હોવાથી જમીનમાં ઊંડે ન ઊતરી જાય તે માટે વાવતા પહેલાં રેતી કે ગોરાડુ માટી સાથે મિશ્ર કરી વાવણી કરવામાં આવે છે. એક હેક્ટર વિસ્તારમાં લીલી ચાના વાવેતર માટે 5 કિગ્રા. બીજની જરૂરિયાત પડે છે. બીજનું વાવેતર ધરુવાડિયામાં પૂંખીને કરવામાં આવે છે. વાવણી પછી તરત હળવું પિયત આપવાથી લીલી ચાનાં બીજ 4થી 5 દિવસમાં ઊગી નીકળે છે.
લીલી ચાના ધરુની મે મહિનામાં વાવણી કરવાથી 30 દિવસમાં ફેરરોપણી માટે તૈયાર થઈ જાય છે. રોપણી માટે ખેતરમાં વ્યવસ્થિત પિયત અને ખાતર આપી શકાય તે માટે યોગ્ય માપના ક્યારા કરવામાં આવે છે. તેના છોડની ફેરરોપણી જૂન મહિનામાં પ્રથમ સારો વરસાદ થયા પછી કરવામાં આવે છે. ફેરરોપણી બાદ આંતરખેડ અને નીંદામણ કરી શકાય તે માટે બે હાર વચ્ચે 45 સેમી. અને હારમાં બે છોડ વચ્ચે 15 સેમી.નું અંતર રાખવામાં આવે છે.
લીલી ચાને 100 કિગ્રા. નાઇટ્રોજન અને 50 કિગ્રા. ફૉસ્ફરસની જરૂર પડે છે. આ પાકનું વધુ સારું ઉત્પાદન મેળવવા માટે જમીન તૈયાર કરતી વખતે 10 ટન પ્રતિહેક્ટર છાણિયા ખાતર સાથે 25 કિગ્રા. નાઇટ્રોજન અને 50 કિગ્રા. ફૉસ્ફરસ પાયામાં ફેરરોપણી પહેલાં આપવામાં આવે છે. ત્યારબાદ છોડની વૃદ્ધિ સારી થાય અને દરેક કાપણી વખતે સારું ઉત્પાદન મળે તે માટે, દરેક વાવણી પછી 25 કિગ્રા. નાઇટ્રોજન આપવાથી ખૂબ જ ફાયદો થાય છે.
આ પાકને ચોમાસામાં વરસાદ સપ્રમાણ હોય તો પિયતની જરૂરિયાત રહેતી નથી. શિયાળા અને ઉનાળામાં આ પાક્ધો 10 દિવસે પિયત આપવામાં આવે છે. આ પાકની રોગ-જીવાત સામેની પ્રતિકારશક્તિ વધુ હોઈ કોઈ પણ પ્રકારના રોગની જીવાત ખાસ કરીને તેને નડતી જોવા મળતી નથી.
લીલી ચાના પાક પરથી ચાર વાર કાપણી દ્વારા ઉત્પાદન મળે છે. જૂન માસમાં ફેરરોપણી કર્યા બાદ 3થી 4 માસમાં પ્રથમ કાપણી માટે પાક તૈયાર થઈ જાય છે. તેથી પ્રથમ કાપણી સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવે છે. આ પાકની બીજી કાપણી નવેમ્બરમાં તૈયાર થાય છે. શિયાળા બાદ પાકની વૃદ્ધિ ધીમી થતાં ત્રીજી કાપણી માર્ચ મહિનામાં અને ચોથી કાપણી જૂન મહિનામાં થાય છે. આ પાકની કાપણી છોડ પર ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે કરવામાં આવે છે; કારણ કે જો ફૂલોનું પ્રમાણ વધી જાય તો તેમાંથી મળતા રસાયણ-સિટ્રાલ અને તેલની ટકાવારી ઘટી જાય છે.
લીલી ચાનું ઉત્પાદન 65થી 85 ટન જેટલું મળે છે. તે 0.30 %થી 0.35 % જેટલું બાષ્પશીલ તેલ ધરાવે છે. આ લીલા ઘાસને તાજું હોય ત્યારે બાષ્પનિસ્યંદન દ્વારા તેમાંથી તેલ કાઢવામાં આવે છે. દર વર્ષે હેક્ટરદીઠ આશરે 200 કિગ્રા.થી 275 કિગ્રા. બાષ્પશીલ તેલ મળે છે, ઊંચા દબાણે બાષ્પ દ્વારા વધારે તેલ મળે છે, પરંતુ તેમાં સિટ્રાલનું પ્રમાણ ઘટે છે.
બજારમાં લેમન ઘાસના તેલની સારી એવી માંગ છે. આ તેલની નિકાસ દ્વારા લગભગ રૂ. 100 કરોડનું વિદેશી હૂંડિયામણ પ્રતિવર્ષ પ્રાપ્ત થાય છે. લીલી ચાના વાવેતરથી આશરે રૂ. 64,000થી રૂ. 65,000 જેટલો નફો પ્રતિહેક્ટર પ્રતિવર્ષ મેળવી શકાય છે.
લીલી ચાના તેલમાં સિટ્રાલ મુખ્ય ઘટક છે. સિટ્રાલનું પ્રમાણ તેના ઉત્પાદનના સ્થળ મુજબ બદલાય છે. શ્રીલંકામાં તેલમાં આશરે 76 %, સિચિલિસ તેલમાં 76 %થી 81 % અને ફૉર્મોસા તેલમાં 54 %થી 76 % જેટલું સિટ્રાલનું પ્રમાણ હોય છે; તેલમાં સિટ્રોનેલલ, જિરાનિયોલ અને મિર્સીન પણ હોય છે. તેલ 70 % આલ્કોહૉલમાં હંમેશાં દ્રાવ્ય હોતું નથી. તાજું નિસ્યંદિત તેલ સંગૃહીત તેલની તુલનામાં વધારે દ્રાવ્ય હોય છે. મિર્સીનની હાજરીને લીધે અને સંગ્રહ દરમિયાન સિટ્રાલ દ્રવ્યના ઘટાડાને લીધે તે ઓછું દ્રાવ્ય બને છે. તેની 70 % આલ્કોહૉલમાં અલ્પદ્રાવ્યતાને કારણે અત્તર-ઉદ્યોગમાં ઈસ્ટ-ઇંડિયન લેમન ગ્રાસ(C. flexuosus)ના તેલની તુલનામાં ઓછું ઉપયોગી છે. તેના તેલનો ઉપયોગ સૌંદર્ય-પ્રસાધનો અને સાબુના તથા પ્રજીવક ‘એ’ના ઉત્પાદનમાં તેમજ ખોરાકને સુગંધિત બનાવવામાં થાય છે. ભારતમાં લીલી ચાનો ઉપયોગ સૂપ અને કઢી સુગંધિત કરવામાં થાય છે. તેનો કાઢો સ્ફૂર્તિદાયક પીણા તરીકે લેવાય છે, જેને ‘હીરવા ચા’ કે ‘લીલી ચા’ કહે છે જાવામાં તેનો મસાલાવાળું શરબત બનાવવામાં ઉપયોગ થાય છે.
આ ઘાસ કાર્ડ-બૉર્ડ અને સ્ટ્રૉ-બૉર્ડ બનાવવામાં વપરાય છે. જો ઘાસની ગુણવત્તા ઊતરતી કક્ષાની હોય તો તેવા ઘાસનો નિસ્યંદનની પ્રક્રિયામાં બળતણ તરીકે ઉપયોગ થાય છે. નિસ્યંદન પછી બાકી રહેતા અવશેષને 35 % શેરડીના મોલાસિસ અને થોડા જથ્થામાં પ્રોટીનયુક્ત ખાણમાં ઉમેરીને ઢોરો માટે ઉપયોગી ખોરાક તૈયાર કરવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર લીલી ચા ઉષ્ણ, સ્વેદલ, મૂત્રલ, જ્વરઘ્ન, વાતહર, ઉત્તેજક, ચેતનાકારક અને સંકોચવિકાસપ્રતિબંધક છે. તાવમાં પરસેવો નીકળવા માટે તેની ચા કરીને દર્દીને પિવડાવવામાં આવે છે. પેટપીડ અને પટકી (કૉલેરા) ઉપર તેનું તેલ ગુણકારી છે. શરદી, શૈત્યજ્વર, જડત્વ અને આગંતુક જ્વર ઉપર લીલી ચા, સૂંઠ અને સાકરનો અષ્ટમાંશ કાઢો ગરમ ગરમ આપવામાં આવે છે. કાઢો ઉષ્ણ હોવાથી તેમાં દૂધ નાખીને પણ કેટલીક વાર દર્દીને પિવડાવાય છે. તેના તેલની માલિશ કરવાથી ચામડી લાલ થઈ જાય છે.
રાજેન્દ્ર રતિલાલ શાહ
સુરેશ યશરાજભાઈ પટેલ
બળદેવભાઈ પટેલ