લીલાવતી એમ. (જ. 1927, કોટ્ટાપદી, જિ. ત્રિચૂર, કેરળ) : મલયાળમનાં વિવેચક, કવયિત્રી, ચરિત્ર-લેખિકા અને અનુવાદક. તેમને તેમની કૃતિ ‘કવિતાધ્વનિ’ માટે 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવેલો.
તેમણે 1951માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે મેળવી. ત્યારબાદ 1972માં કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તેમની કારકિર્દી મલયાળમનાં અધ્યાપિકા તરીકે શરૂ કરી. છેલ્લે તેઓ કોચીનની સરકારી કૉલેજમાંથી આચાર્યાપદેથી નિવૃત્ત થયાં.
તેઓ મલયાળમ તેમજ અંગ્રેજી બંને ભાષાઓમાં લેખનકાર્ય કરે છે. તેમણે મલયાળમમાં 15થી વધુ ગ્રંથો પ્રગટ કર્યા છે. તેમાં વિવેચન, કાવ્ય, ચરિત્ર, નિબંધ ઉપરાંત અનુવાદોનો સમાવેશ થાય છે. પાંડિત્યવાળાં સંખ્યાબંધ સામયિકોમાં તેઓ નિયમિત લેખનકાર્ય કરે છે.
તેઓ કેરળ સાહિત્ય પરિષદનાં ઉપપ્રમુખ પણ છે. ત્રિચૂરના સંસ્કૃતિ વિભાગે તેમને લક્ષ્મી પુરસ્કાર પ્રદાન કર્યો છે. કેરળ સાહિત્ય અકાદમીએ તેમને તેમની કૃતિ ‘વર્ણરાજી’ માટે સન્માનિત કર્યાં છે. તેમને સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા-ધ્વનિ’ વીસમી સદીની મલયાળમ કવિતાના વિકાસના વિવિધ તબક્કાઓનો સુદીર્ઘ અભ્યાસ છે. મનોવિશ્લેષણાત્મક બારીક તપાસ અને વિષય-વૈવિધ્યને લીધે આ કૃતિ મલયાળમ સાહિત્યમાં મૂલ્યવાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા