લીફ રોલ : તમાકુ, પપૈયાં, ટમેટાં અને અન્ય શાકભાજીના પાકોમાં થતા વિષાણુજન્ય રોગો. ચેપને લીધે છોડ ઉપર કિનારીએથી નાનાં પાન વળેલાં દેખાય છે. તેમને અંગ્રેજીમાં leaf-roll તરીકે ઓળખવામાં આવે છે. આ રોગનો ફેલાવો ચૂસિયાં પ્રકારની જીવાત (sucking insects) કરે છે. આ જીવાતને સૂકું અને ઠંડું વાતાવરણ વધુ માફક આવતું હોવાથી ઠંડી ઋતુમાં તેનો ફેલાવો ઝડપથી થાય છે. સામાન્ય રીતે આ રોગની શરૂઆત ખેતરની છાંયાવાળી જગ્યાએથી થાય છે. વિષાણુનું આક્રમણ થતાં શરૂઆતમાં પાનની નસો વચ્ચે લીલાંપીળાં ધાબાં જોવા મળે છે. તેની અસર હેઠળ પાંદડાં કિનારી પાસેથી વળી જાય છે. ચેપનું પ્રમાણ વધતાં નવાં પાનની વૃદ્ધિ અટકી જાય છે. આ રોગને લીધે શિયાળુ ઋતુમાં બટાટા, તમાકુ, પપૈયાં અને ટમેટાંના પાકોમાં ખૂબ જ નુકસાન થાય છે. આ રોગના નિયંત્રણ માટે વિષાણુનો ફેલાવો કરતાં ચૂસિયાંના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો જરૂરી થાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ