લીચી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કુળ સેપિન્ડેસીની એક વૃક્ષ-પ્રજાતિ. તેની બે જાતિઓ થાય છે. Litchi philipinesis Radlk. ફિલિપાઇન્સમાં વન્ય સ્થિતિમાં મળી આવે છે. L. Chinensis (Gaertn.) Sonn. syn. Nephelium litchi cambess. (હિં., બં. લીચી) દક્ષિણ ચીનની સ્થાનિક જાતિ છે.
લીચી 10 મી.થી 12 મી. ઊંચું સદાહરિત વૃક્ષ છે અને ચળકતાં લીલાં પર્ણસમૂહનો બનેલો વિશાળ ગોળાકાર મુકુટ ધરાવે છે. પર્ણો સંયુક્ત પિચ્છાકાર (pinnate) હોય છે અને 2થી 9 પર્ણિકાઓ ધરાવે છે. પુષ્પો અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ(panicle)માં ગોઠવાયેલાં, નાનાં, લીલાશ પડતાં સફેદ કે પીળાં હોય છે. ફળ 2.5 સેમી. કે તેથી વધારે વ્યાસ ધરાવતું ગોળ કે લંબચોરસથી માંડી અંડાકાર અને બરડ હોય છે. ફળની છાલ ઘેરી કે આછી લાલ અથવા પીળી અને બુઠ્ઠી કે તીક્ષ્ણ ગાંઠોવાળી હોય છે. બીજોપાંગ રસાળ, સ્વાદિષ્ટ, સફેદ અને પારભાસક (translucent) હોય છે અને ઘેરા બદામી, મોટા, ઉપવલયી (elliptic) બીજને આવરે છે.
ભારતમાં લીચીનો પ્રવેશ અઢારમી સદીના અંતમાં થયો હોવાનું મનાય છે. ચીન અને ભારત ઉપરાંત તેનું વાવેતર મ્યાનમાર, હિંદી ચીન (ઇંડોચાઇના), થાઇલૅન્ડ, દક્ષિણ જાપાન, ફૉર્મોસા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, હવાઈ, યુ.એસ., વેસ્ટ ઇંડિઝ અને દક્ષિણ આફ્રિકામાં થાય છે. ચીન પછી ભારત અને દક્ષિણ આફ્રિકા લીચીના સૌથી મોટા ઉત્પાદક દેશો છે. ભારતીય લીચીનાં ફળની વિદેશોમાં ખૂબ માગ હોઈ તેના નિકાસની સારી શક્યતાઓ રહેલી છે. ફ્રાન્સ, બહેરીન અને કુવૈત ભારતીય લીચીની આયાત કરતા દેશો છે. 1996–97 દરમિયાન 8,160 ટન લીચીની નિકાસ થઈ હતી.
ભારતમાં તેનું વાવેતર મુખ્યત્વે ઉત્તર બિહારના મુઝફ્ફરપુર અને દરભંગા જિલ્લાઓમાં અને ઉત્તર પ્રદેશના સહારનપુર, દહેરાદૂન અને મુઝફ્ફરનગર જિલ્લાઓના ઉપ-પર્વતીય (sub-montane) ભાગોમાં થાય છે. તે ગોરખપુર, દેઓરિયા, ગોંડા, બસ્તી, ફૈઝાબાદ, રામપુર, બરેલી, ખેરી અને પીલીભીત જિલ્લાઓમાં સફળતાપૂર્વક વવાય છે. પશ્ચિમ બંગાળમાં હુગલીની નજીક અને પંજાબમાં પઠાણકોટની નજીક તે વાવવામાં આવે છે. દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં તેના ઉછેર માટે અનુકૂળ આબોહવા હોવા છતાં બૅંગાલુરુની નજીક નીલગિરિમાં આવેલ કલાર અને બર્લિયાર ફળ-સંશોધન સંસ્થાઓમાં ઉગાડાય છે.
લીચીને ચોક્કસ પ્રકારની જમીન અને આબોહવા જરૂરી હોય છે. તેના સફળ ઉછેર માટેની જરૂરિયાતો આ પ્રમાણે છે : (1) ભેજવાળી આબોહવા (69 %થી 84 %), (2) નુકસાનકારક હિમથી મુક્તિ, (3) જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ (લગભગ 150 સેમી./વર્ષ વરસાદ) અને (4) સારા નિતારવાળી, ભરભરી ગોરાડુ જમીન. આ પાક હળવી રેતાળથી ભારે ચીકણી જમીનમાં પણ થાય છે. ઉષ્ણ પ્રદેશોમાં ઠંડી આબોહવાવાળા ઊંચા વિસ્તારો સિવાય ફળ-નિર્માણ સારું થતું નથી. મે-જૂન દરમિયાન ગરમ શુષ્ક પવનો તેને માટે પ્રતિકૂળ છે; જેના કારણે ફળની છાલ ફાટી જાય છે અને વિક્રય કરવા યોગ્ય રહેતાં નથી. બિહાર અને ઉત્તર પ્રદેશમાં આ ફળ-પાકને પિયત આપવામાં આવે છે. ફળવિકાસ દરમિયાન જૂન માસમાં 21° સે.થી 38° સે. તાપમાન હોય તો વધારે ફળ-ઉત્પાદન થાય છે. ચીનમાં લીચીના 74 પ્રકારો નોંધાયા છે, તે પૈકી 15 પ્રકારો મહત્વના છે.
ભારતમાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં લીચીની જુદી જુદી જાતો વવાય છે; જેમાં અરબી, બેદાણા (બીજ વગરની જાત), રોઝ સેન્ટેડ, દેહરાદૂન, ગુલાબી કલકત્તી, પૂરબી, કસબા, દેશી, દહેરારોઝ, શાહી, બમ્બઈ, આઇન જેવી અગત્યની જાતો વધુ જોવા મળે છે. મુઝફ્ફરપુરમાં શાહી, રોઝ સેન્ટેડ, ચાઇના; બિહારમાં કસબા, પૂરબી; ઉત્તર પ્રદેશમાં અરબી, બેદાણા, લેટ બેદાણા; પશ્ચિમ બંગાળમાં રોઝ સેન્ટેડ, દેહરાદૂન, કલકત્તી; પંજાબમાં મુઝફ્ફરપુર, દેહરાદૂન, બેદાણા, બૉમ્બે ગ્રીન અને કલ્યાણી જેવી જાતો જોવા મળે છે. આ પૈકી બમ્બઈ, મુઝફ્ફરપુર વધુ ઉત્પાદન આપતી જાત છે. જ્યારે ઇલાયચી નાનો દાણો અને સારી ગુણવત્તા ધરાવતી જાત છે. ચાઇના સૌથી સારી ગુણવત્તા ધરાવતી પણ ઓછું ઉત્પાદન આપતી જાત છે. કસબા મોટા વૃક્ષ અને મોટા ફળવાળી જાત છે. સાદી, કલકત્તી, રોઝ સેન્ટેડ, દેહરાદૂન, સહારનપુર, બેદાણા, પૂરબી જેવી અન્ય જાતો પણ વાવેતરમાં છે.
લીચીનું વાવેતર બીજ દ્વારા કરવાથી 7થી 12 વર્ષે ફળ આવવાની શરૂઆત થતી હોય છે. સામાન્ય રીતે લીચી પાકનું સંવર્ધન વાનસ્પતિક પ્રસર્જન દ્વારા કરવામાં આવે છે. ફક્ત મૂળ અને પ્રકાંડ માટે બીજ વાવવામાં આવે છે. બીજની સ્ફુરણશક્તિ ખૂબ જ ઓછી – ફક્ત 4થી 5 દિવસની હોય છે; તેથી ફળમાંથી બીજ કાઢીને તુરત જ વાવેતર કરી દેવામાં આવે છે. ફળને સૂકવવા દેવામાં ન આવે તો ફળમાં રહેલ બીજની સ્ફુરણશક્તિ 3થી 4 અઠવાડિયાં સુધી લંબાવી શકાય છે. વાવણી કરતાં પહેલાં બીજને 18થી 20 કલાક સુધી પાણીમાં પલાળી રાખવાથી સ્ફુરણ ઝડપથી થાય છે.
હવાદાબ (air-layering) માટે એક વર્ષ જૂના છોડની પરિપક્વ ડાળીઓ પસંદ કરી ગાંઠથી 2.5 સેમી.થી 4.0 સેમી. નીચેના ભાગે 250 સેમી. પહોળાઈમાં છાલ કાઢી નાંખીને બે ભાગ મૉસ અને 1 ભાગ માટી મિશ્રણ કરી, કાપેલા ભાગ ઉપર લગાવી પ્લાસ્ટિકથી વીંટાળીને હવાની અવરજવર ન થાય તેવી રીતે ચુસ્ત બંધ કરવામાં આવે છે. બે મહિના પછી મૂળનો પૂરતો ઉગાવો થતાં થડને નીચેથી કાપીને જુલાઈ-ઑક્ટોબરમાં છોડનું વાવેતર કરવામાં આવે છે. હવાદાબથી થતા સંવર્ધનમાં મૂળના વધુ સારા ઉગાવા માટે 5,000 પી.પી.એમ. આઇ.બી.એ.(ઇન્ડોલ બ્યુટેરિક ઍસિડ)નો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે.
મુગટરોપણ (crown grafting) : 3 વર્ષ જૂના ઝાડને થડથી 25 સેમી.ની ઊંચાઈએ કાપીને એકસાથે ઘણી બધી નવી ફૂટ મેળવી શકાય છે. આ રીતથી મળતા રોપાઓ અન્ય રીતે મળેલા રોપા કરતાં કિંમતમાં સસ્તા પડે છે અને ઝડપથી મેળવી શકાય છે.
લીચીના છોડની વાવણી કરવા માટે 10 મી.ના અંતરે 1 મી. × 1 મી. × 1 મી.નો ખાડો ચોમાસા પહેલાં કરી 15થી 20 દિવસ સૂકવવા દેવામાં આવે છે. ત્યારબાદ ખાડામાં 20 કિગ્રા. છાણિયું ખાતર, 500 ગ્રા. સુપર ફૉસ્ફેટ અને 20 ગ્રા. 1.5 % લિન્ડેન, 5 % ક્લોરપાઇરિફૉસ ભેળવીને ખાડાને એક અઠવાડિયા સુધી રાખી મૂકવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા ખાડમાં લીચીનું વાવેતર કરવામાં આવે છે.
લીચીના છોડને તેની વૃદ્ધિ પ્રમાણે ખાતરની જરૂરિયાત રહે છે. છોડની વાવણી બાદ એક વર્ષ સુધીના છોડને 20 કિગ્રા. છાણિયું ખાતર, સાથે 50 ગ્રા. નાઇટ્રોજન, 25 ગ્રા. ફૉસ્ફરસ અને 25 ગ્રા. પોટાશ વરસાદ પહેલાં જૂનમાં આપવામાં આવે છે, જ્યારે બીજા હપતામાં તે જ પ્રમાણમાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ સપ્ટેમ્બર માસમાં આપવાની ભલામણ કરવામાં આવેલ છે. લીચીના પાકને જાન્યુઆરી અંતથી ચોમાસા સુધી પિયતની ખાસ જરૂરિયાત રહે છે, જેથી ઝાડની વૃદ્ધિ અને ફળ બેસવાનું પ્રમાણ વધે છે. ફળની ગુણવત્તા સુધારવા માટે ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન પિયત ન આપી ઝાડને આરામ આપવામાં આવે છે. લીચીનાં મૂળ ઊંડાં ન જતાં હોવાથી જમીન પર ચોક્કસ સમયાંતરે પિયત આપવું જરૂરી છે.
લીચીના પાકમાં આંતરખેડ કરવાથી વૃક્ષનો વિકાસ સારો થાય અને ઉત્પાદન પણ વધે છે. આ પાકની હળવી આંતરખેડ કરવામાં આવે છે. 2થી 3 વખત કરબ વડે આંતરખેડ કરવાથી મૂળનો વિકાસ ઓછો રૂંધાય છે.
લીચીના પાકને ફળ આવવાની શરૂઆત 6થી 7 વર્ષે થતી હોઈ, વાવણી બાદ શરૂઆતનાં વર્ષોમાં આંતરપાક લેવાથી આર્થિક રીતે વધુ વળતર મળે છે. આંતરપાક તરીકે લેવાતા પાકોને લીધે લીચીના પાકની વૃદ્ધિને કોઈ અસર ન પહોંચે તેની કાળજી રાખવામાં આવે છે. આંતરપાક તરીકે વટાણા, ચોળા, વાલ અને ચણા જેવા કઠોળ પાકો તેમજ ભીંડા, ટામેટાં અને ધાણા જેવા શાકભાજી પાકો કે ફાલસા, પપૈયા કે ઘાસચારો જેવા પાક લેવામાં આવે છે.
Pestalotia pauciseta sacc. લીચીને પાનનાં ટપકાંનો રોગ લાગુ પાડે છે. ડિસેમ્બરમાં આ રોગ ખૂબ તીવ્રતાએ થાય છે. લાઇમ-સલ્ફરના છંટકાવ દ્વારા આ રોગનું નિયંત્રણ કરી શકાય છે.
લીચીના પાકમાં જોવા મળતી જીવાતો જેવી કે ઇતરડી(eryiophis)થી રક્ષણ માટે અસર પામેલ છોડના ભાગો કાપીને બાળી નાખવામાં આવે છે. 2 મિગ્રા. ડિકોફૉલનો પ્રતિલિટર પાણીમાં અથવા 1.5 મિગ્રા. સલ્ફરનો પ્રતિલિટર પાણીમાં 15 દિવસના અંતરે બે વાર છંટકાવ કરવાથી રોગ નિયંત્રિત થાય છે. અન્ય જીવાત ટ્રંક બોરર (Inderbala tetraonis) થડને કોરીને છોડને નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે 1 મિગ્રા. મૉનોક્રોટોફૉસ પ્રતિલિટર પાણીમાં ભેળવી તેનો છંટકાવ કરવો જરૂરી છે.
લીચીના છોડને યોગ્ય આકાર આપવા માટે સામાન્ય રીતે છટણી કરવામાં આવે છે. વધુ પડતી છટણીથી છોડની વૃદ્ધિ સારી થાય છે, પરંતુ ફળનો ઉતારો ઘટે છે. ભારતમાં મોટેભાગે ફળ ડાળી સાથે ઉતારવાની પદ્ધતિને કારણે ફળ ઉતારતાંની સાથે જ છટણી થઈ જાય છે. વૃક્ષ મોટી ઉંમરનાં થાય ત્યારે ઘટેલ ઉત્પાદન વધારવા માટે ભારે છટણી કરવાથી ઘટેલા ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે.
લીચીનો પાક ફળ બેઠા પછી 50થી 60 દિવસે તૈયાર થાય છે. લીચીનો પાક સામાન્ય રીતે મે થી જૂનમાં તૈયાર થાય છે. ફળનો બગાડ અટકાવવા 5° સે.થી 7° સે. તાપમાને રાખવાથી 3થી 4 અઠવાડિયાં વધુ સમય માટે સાચવી શકાય છે. લીચીના વૃક્ષ પર ફળ પાકવા આવે ત્યારે ઘેરા લાલ રંગનાં થવા માંડે છે. ત્યારબાદ તેના પ્રથમ કે બીજા અઠવાડિયે ફળ ઉતારવાની શરૂઆત કરવામાં આવે છે. લીચીનાં ફળો 4થી 6 અઠવાડિયાં સુધી સારાં રહે છે. ફળની બજારકિંમત સારી મેળવવા માટે ફળ સાથે દાંડી થોડી રહે તેમ રાખીને ફળની લૂમ કાપવામાં આવે છે. વરસાદ પછી તુરત ફળની કાપણી કરવી હિતાવહ નથી. ફળનું ઉત્પાદન 3થી 4 વર્ષ બાદ 5 ટનથી 10 ટન/હેક્ટર જેટલું મળે છે અને 8 વર્ષ પછી એકધારું ઉત્પાદન મળે છે.
લીચીનું એક ઝાડ 30થી 40 વર્ષ સુધી સરેરાશ 5,000 ફળ આપે છે. લીચીનાં વૃક્ષ 50થી 55 વર્ષ ઉત્પાદન આપે છે. મોટા કદનાં ફળ મેળવવા માટે 3 %થી 4 % ફળની છટણી કરવી ખૂબ જ આવશ્યક છે. બમ્બઈ જાતની ફલિનીકરણ-શક્તિ સારી હોવાથી અન્ય જાત કરતાં તે વધુ વવાય છે.
ફળ ખરે નહિ અને ફળ ઉપર તિરાડ ન પડે તે માટે 20થી 30 પી.પી.એમ. એન.એ.એ. (નૅફથેલિન એસિટિક ઍસિડ), 10થી 20 પી.પી.એમ. 2, 4–ડી. (2, 4–ડાઇક્લૉરોફિનૉક્સિ એસિટિક ઍસિડ), 20થી 50 પી.પી.એમ. જિબ્રેલિક ઍસિડ કે 10 મિગ્રા./લિટર ઇથેફોન આપવાથી સારો ફાયદો થાય છે.
શરબત-સ્વરૂપે ડબ્બાબંધી (canning) દ્વારા લીચીનાં બીજોપાંગનું પરિરક્ષણ કરી શકાય છે. ડબ્બાબંધીના હેતુ માટે ‘પુરબી’ જાત સર્વશ્રેષ્ઠ ગણાય છે. શરબતમાં 4 % ટાર્ટરિક ઍસિડ ઉમેરવાથી તે બદામી રંગનું થતું અટકે છે.
લીચીનું ફળ (વજન 8.8 ગ્રા.થી 22.2 ગ્રા.) છાલ (8 %થી 15 %), બીજોપાંગ (70 %થી 86 %) અને બીજ (4 %થી 18 %)નું બનેલું હોય છે. બીજોપાંગ બીજથી સહેલાઈથી જુદું પાડી શકાય છે. તે પોચું, રસદાર અને સુગંધિત હોય છે અને તાજું ખાવામાં આવે છે. ફળમાંથી 38.7 %થી 58.7 % જેટલો રસ મળે છે; જેમાં કુલ શર્કરાઓ (ઇન્વર્ટ શર્કરા તરીકે) 12.1 %થી 14.8 %, અપચાયી (reducing) શર્કરાઓ 9.0 %થી 13.7 %, અનપચાયી (non-reducing) શર્કરાઓ 1.0 %થી 3.4 % અને અમ્લીયતા (સાઇટ્રિક ઍસિડ તરીકે) 0.22 %થી 0.36 % તથા એસ્કૉર્બિક ઍસિડ 34.5 મિગ્રા.થી 45.4 મિગ્રા./100 ગ્રા. હોય છે. તાજાં બીજોપાંગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 84.5 %, પ્રોટીન 1.0 %, લિપિડ (ઈથર નિષ્કર્ષ) 0.3 %, કાર્બોદિતો 13.6 %, રેસો 0.4 % અને ખનિજ-દ્રવ્ય 0.5 %; કૅલ્શિયમ 10 મિગ્રા., ફૉસ્ફરસ 30 મિગ્રા.; લોહ 0.4 મિગ્રા., થાયેમિન 28 માઇક્રોગ્રામ, નિકોટિનિક ઍસિડ 0.4 મિગ્રા.; રાઇબોફ્લેવિન 61 માઇક્રોગ્રામ અને એસ્કૉર્બિક ઍસિડ 24 મિગ્રા./100 ગ્રા..
ફલાવરણ રંગે રતાશ પડતું બદામી હોય છે અને સાયનિડિન ડાઇગ્લાયકોસાઇડ અને એક પીળું ઍન્થોઝૅન્થિન ધરાવે છે. વૃક્ષની છાલમાં ટૅનિન હોય છે.
લીચીનાં બીજ ઇંડોચાઇનામાં આંતરડાની તકલીફોમાં ઉપયોગમાં લેવાય છે. મલેશિયામાં ચેતાતંત્રના રોગો અને વૃષણશોથ(orchitis)માં વેદનાહર (anodyne) તરીકે તે વાપરવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર લીચીનું પાકું ફળ રુચિકર, મધુર, સ્વાદિષ્ટ અને હૃદય માટે હિતકારી હોય છે. તે મગજ અને યકૃતને શક્તિ આપે છે, તૃષા શાંત કરે છે અને કફ તથા પુષ્ટિ વધારે છે. તે પચવામાં ભારે હોવા છતાં રક્તને શુદ્ધ કરે છે અને રક્તનું પ્રમાણ વધારે છે. તે વાયુ અને પિત્તદોષ શાંત કરે છે. અમ્લપિત્ત, હોજરીનાં ચાંદાં, ઉદર અને છાતીનો દાહ, મંદાગ્નિ, અરુચિ અને અપચો મટાડે છે. તે જલોદર મટાડે છે અને હૃદયનાં વધુ સ્પંદનો ઘટાડે છે. તેના રસનો કે ફળનો ઉપયોગ હાથ-પગનાં તળિયાં અને આંખમાં બળતરા થતી હોય તે ઉપર અને મંદ સ્મરણશક્તિમાં આપવામાં આવે છે.
પરેશ હરિપ્રસાદ ભટ્ટ
સુરેશ યશરાજભાઈ પટેલ
બળદેવભાઈ પટેલ