લીંબુ : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus limon (Linn.) Burm f. syn. C. medica var. limorum (સં. નિંબૂક, લિમ્પાક; હિં. નિંબૂ, નિબૂ (કાગજી); મ. નિંબોણી; બં. પાતિલેબુ; ક. નિંબે, લીંબુ; તા. એલુમિચ્ચે; મલ. ચેરુનારકં; તે. નિમ્મપંડુ; અં. લેમન) છે. તે બહુશાખી, 2 મી.થી 3 મી. ઊંચું ક્ષુપ કે વૃક્ષ છે અને ઝૂકેલી શાખાઓ ધરાવે છે. તેનાં પર્ણો એક-પંજાકાર (unifoliate) સંયુક્ત હોય છે અને તેમની ગોઠવણી ત્રિપંક્તિક (tristichous) એકાંતરિક હોય છે. પર્ણોની કક્ષમાં લગભગ 5 મિમી. લાંબો કંટક આવેલો હોય છે. પર્ણિકા ઉપવલયી-અંડાકાર (elliptic-ovate), કુઠદંતી (crenate) અને કુંઠાગ્ર (obtuse) હોય છે અને સપક્ષ (winged) પર્ણદંડ ધરાવે છે. પર્ણિકા પર બાષ્પશીલ તૈલી ગ્રંથિઓ આવેલી હોય છે. વર્ષા અને ગ્રીષ્મ ઋતુમાં પુષ્પ અને ફળ આવે છે. પુષ્પો નાનાં, સુગંધિત, સફેદ કે ગુલાબી રંગનાં, ગુચ્છિત (glomerate) હોય છે અને કક્ષીય શિથિલ કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ માંસલ, અનષ્ઠિલ (berry) અને નારંગ (hesperidium) પ્રકારનું, કાચું હોય ત્યારે લીલા રંગનું અને પાકેથી ચકચકિત પીળા રંગનું, 2.5 સેમી.થી 5 સેમી. વ્યાસ ધરાવતું અને ગોળથી માંડી અંડાકાર હોય છે. તેની છાલ ચમકદાર પાતળી (1 મિમી.થી 3 મિમી. જાડાઈવાળી), સૂક્ષ્મ ખાડાઓવાળી કે લીસી હોય છે અને સુગંધિત તૈલી ગ્રંથિઓ ધરાવે છે. તેનો ગર લીલાશ પડતો પીળો, ઍસિડિક, રસાળ રોમ નાના, પોચા અને અણીદાર હોય છે. બીજ નાનાં, અંડાકાર અને અણીદાર હોય છે. વર્ષા ઋતુ દરમિયાન ફળનું ઉત્પાદન વધારે થાય છે.

લીંબુ ભારતમાં સ્થાનિક હોવા છતાં તે મલાયા દ્વીપકલ્પનું મૂલનિવાસી હોવાનું મનાય છે. આ પાકની ખેતી ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના બધા દેશોમાં થતી હોવા છતાં અમેરિકા, ચીન, ભારત અને મેક્સિકો અગ્રણી દેશો છે. સમગ્ર વિશ્વમાં સાઇટ્રસનાં ફળોના ઉત્પાદનમાં ભારતનો પાંચમો ક્રમ હોવા છતાં લીંબુનું ઉત્પાદન તે સૌથી વધારે કરે છે. તેનો અંદાજે 30,000 હેક્ટર વિસ્તાર લીંબુના પાક દ્વારા રોકાયેલો છે. તે પૈકી 26 % વિસ્તાર ગુજરાતમાં આવેલ છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાન, ગુજરાત, બિહાર અને કર્ણાટકમાં તેનો પાક મોટે પાયે ઉગાડાય છે. મહારાષ્ટ્રના જલગાંવ, ખાનદેશ, બુલ્ધાના, આકોલા અને અમરાવતી જિલ્લાઓ; આંધ્રપ્રદેશના ગોદાવરી, નેલ્લોરે, ગુંટુર અને કુડ્ડાપ્યાહ જિલ્લાઓ; તમિળનાડુના તાન્જાવુર, તિરુનેલ્વેલી, ઉત્તર આર્કોટ અને મદુરાઈ જિલ્લાઓ અને ગુજરાતમાં ખેડા, ભાવનગર, વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓ આ પાકના વાવેતરમાં મોખરે છે.

લીંબુની ઉપયોગિતાને આધારે બે વર્ગ પાડવામાં આવ્યા છે : (1) કાગદી લીંબુના છોડ મધ્યમ ઊંચાઈના, પર્ણો નાનાં, ફળ મધ્યમ કદનાં, છાલ પાતળી અને પાકે ત્યારે પીળા રંગના અને સ્વાદમાં ખાટા હોય છે. (2) શરબતી લીંબુનાં ફળ મોટા કદનાં, છાલ જાડી, પાકે ત્યારે નારંગી રંગની, ગરનો રંગ આછો ગુલાબી અને સ્વાદે ખાટાં હોય છે.

લીંબુ  પર્ણ અને ફળ

લીંબુ વર્ગમાં થતાં ફળ જેવાં કે સૌર લીંબુ, મેક્સિકન લીંબુ અને વેસ્ટ ઇંડિયન લીંબુનું વાવેતર કરવામાં આવે છે. લીંબુનાં બીજ બહુભ્રૂણીય હોવાથી લીંબુમાં સારી જાતોનો અભાવ હોય છે. ભારતમાં પસંદગીથી વિકસાવવામાં આવેલ જુદી જુદી જાતો આ પ્રમાણે છે :

(1) પ્રેમાલીની : તેના છોડ પર 3થી 7 ફળ ઝૂમખાંમાં આવે છે અને જે 30 % વધુ ઉત્પાદન સાથે 57 % રસ ધરાવે છે.

(2) વિક્રમ : આ જાતમાં ફળ 5થી 10નાં ઝૂમખાંમાં આવે છે. તેનાં ફળ મે–જૂન–સપ્ટેમ્બર દરમિયાન આવતાં હોઈ બજારમાં માંગ સારી રહે છે.

(3) ચક્રાધાર : આ બીજરહિત ફળની જાત છે. તેના ફળમાં 60 %થી 66 % રસનું પ્રમાણ હોય છે. ફળ આવવાની શરૂઆત ચોથા વર્ષથી થાય છે અને ફળ જાન્યુઆરી–ફેબ્રુઆરી, જૂન–જુલાઈ અને સપ્ટેમ્બર–ઑક્ટોબરમાં આવે છે.

(4) પીકેએમ–1 : તેના ફળમાં રસનું પ્રમાણ 52 % હોય છે. છાલનો પીળો રંગ આકર્ષક હોઈ બજારમાં એના વધુ ભાવ મળે છે.

(5) અભયપુરી : તેનાં ફળ ઉપવલયી હોય છે. તેનો ઉપયોગ શરબત, અથાણાં અને ચટણી બનાવવામાં થાય છે.

(6) કરીમગંજ : તેનાં ફળ ગોળાકાર હોય છે. તેનું ઉત્પાદન વધારે (1000 ફળ/વૃક્ષ/વર્ષ) થાય છે અને પ્રવ્રણ (canker) તથા ગુંદરિયા (gummosis) સામે ઓછી સંવેદી હોય છે.

(7) સિલેક્શન–49 : આ જાતમાં ફળની સંખ્યા ખૂબ જ વધુ અને કદ મોટું હોય છે. આ પાક ઉનાળામાં તૈયાર થતો હોવાથી વધુ પ્રચલિત જાત છે.

(8) બીજરહિત લીંબુ : પસંદગીની પદ્ધતિથી વિકસાવેલ આ જાતમાં ફળનું પ્રમાણ ખૂબ જ રહે છે. અન્ય લીંબુની જાતો કરતાં બેગણું વધુ ઉત્પાદન આપે છે.

(9) કૂર્ગ : આ જાતની ઊંચાઈ 2.0 મી. અને વિસ્તાર લગભગ 3.5 મી. હોય છે. તેના પર્ણદંડો સપક્ષ હોતા નથી. ફળ પાતળી છાલવાળાં, લગભગ ગોળ અને સોનેરી પીળાં હોય છે. તેના રસાળ-રોમ ખૂબ પોચા અને ત્રાકાકાર હોય છે. ફળ-ઉત્પાદન 1,500 ફળ/વૃક્ષ/વર્ષ જેટલું ઊંચું હોય છે. ત્રીજા વર્ષથી ફળ બેસવાં શરૂ થાય છે. ફળ સમગ્ર વર્ષ દરમિયાન બેસે છે. તેનું પ્રસર્જન બીજ કે કલિકાઓ દ્વારા થાય છે.

લીંબુવર્ગનાં ફળો મહદ્અંશે ગરમ પ્રદેશમાં ભારે પવન અને ધુમ્મસ વગરની સામાન્ય ભેજવાળી સમધાત આબોહવામાં સારી રીતે ઊગે છે. લીંબુ છોડના સારા વિકાસ માટે 750 મિમી. કે તેથી ઓછા વરસાદવાળો વિસ્તાર વધુ અનુકૂળ રહે છે. 1,000 મિમી.થી 1,250 મિમી. વરસાદવાળા વિસ્તારમાં રોગ-જીવાતનું પ્રમાણ વધુ રહેવાને કારણે પાક નિષ્ફળ જતાં ઓછું ઉત્પાદન મળે છે.

છોડની વાવણી માટે સારી નિતારશક્તિવાળી ભારે, કાળીથી ગોરાડુ જમીન વધુ માફક આવે છે. જ્યાં જમીનમાં પાણીની સપાટી બદલાતી રહેતી હોય, પાણી ભરાઈ રહેતું હોય અને જમીન પાણી સાથે કડક થતી હોય તેવો વિસ્તાર વાવેતર માટે અનુકૂળ આવતો નથી. લીંબુને ક્ષારીય જમીન અથવા તો જેની અમ્લીયતા 6.5થી 7.0 પી.એચ. કરતાં વધુ હોય તો ત્યાં પાક નિષ્ફળ જાય છે.

સામાન્ય રીતે લીંબુના રોપ બીજથી ઉછેરવામાં આવે છે. આમ છતાં કટકા, દાબ અને આંખ ચડાવીને પણ રોપા તૈયાર કરવામાં આવે છે. બીજથી ઊછરેલા રોપા બધાથી કિંમતમાં સસ્તા અને વધારે આયુષ્ય ધરાવતા જુસ્સાદાર હોય છે. રોપ તૈયાર કરવા માટે સારા છોડની પસંદગી કરી તેના પરનાં પાકેલાં ફળ પસંદ કરી પરિપક્વ બીજ કાઢી લેવામાં આવે છે. બીજને રાખમાં મિશ્ર કરી વધુ સ્ફુરણ થાય તે માટે તાજાં જ રોપવામાં આવે છે. આવાં બીજની 15 સેમી.  2.5 સેમી.ના અંતરે એક મીટર પહોળા અને બે મીટર લાંબા ગાદી-ક્યારામાં જૂન–જુલાઈ અથવા નવેમ્બર–ડિસેમ્બર દરમિયાન વાવણી કરવામાં આવે છે. વાવણી કરતાં પહેલાં ગાદી-ક્યારાવાળી જમીનમાં પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર અને 1 % બૉર્ડો-મિશ્રણ ભેળવી દેવાથી રોગનું પ્રમાણ ઘટે છે. આ રીતે તૈયાર થયેલ રોપાને બે હાર વચ્ચે 45 સેમી.થી 60 સેમી.નું અંતર રાખીને 20 સેમી.થી 30 સેમી.ના અંતરે નર્સરીમાં ફેરરોપણી કરવામાં આવે છે. આવા રોપ નર્સરીમાં 9થી 12 માસ પછી પરિપક્વ થાય છે. ઘણી વાર રોપની ઝડપી વૃદ્ધિ માટે 1 %થી 1.5 % યુરિયા અથવા 40 પી.પી.એમ. જીબરેલિક ઍસિડનો છંટકાવ દર મહિને કરવામાં આવે છે. રોપની વાવણી 4 × 4 મી.થી 6 × 6 મી.ના અંતરે જમીનની અનુકૂળતા મુજબ સામાન્ય રીતે ચોમાસામાં કરવામાં આવે છે. આસામ જેવા અતિ ભારે વરસાદવાળા વિસ્તારોમાં ચોમાસું ઊતરતાં વાવેતર કરવામાં આવે છે. જ્યાં પાણીની પૂરતી સગવડ હોય ત્યાં ફેબ્રુઆરીમાં ઉનાળુ વાવેતર પણ થાય છે. લીંબુના બગીચાનું વાવણીની શરૂઆતનાં 3થી 4 વર્ષ સુધી વધુ ગરમી, વધુ વરસાદ અને ખૂબ જ ઠંડીથી રક્ષણ કરવાથી છોડની વૃદ્ધિ સારી થાય છે. નવા છોડમાં શરૂઆતમાં 60 સેમી.થી 70 સેમી. સુધી ડાળીરહિત થડની વૃદ્ધિ થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે.

લીંબુને રાસાયણિક ખાતર કરતાં જો છાણિયા ખાતરનું પ્રમાણ વધારે આપવામાં આવે તો વધુ ફાયદો થાય છે. પૂરતા વિકાસ પામેલ છોડને 50 કિગ્રા. ખાતર સાથે 900 ગ્રા. નાઇટ્રોજન, 250 ગ્રા. ફૉસ્ફરસ અને 500 ગ્રા. પૉટાશ પ્રતિવર્ષ બે હપતામાં આપવામાં આવે છે. પ્રથમ વખતે છાણિયા ખાતર સાથે પૉટાશ તેમજ અડધો નાઇટ્રોજન તથા ફૉસ્ફરસ અને બીજા ભાગમાં બાકીનું ખાતર માર્ચ–એપ્રિલમાં ફળો આવ્યાં પછી આપવામાં આવે છે. ખાતરને છોડની ફરતે ખાડો કરી આપવામાં આવ્યા બાદ તુરત હળવું પિયત આપવું જરૂરી છે. ફળ-અવસ્થા, ફળનો વિકાસ અને ક્ષુપના આરામના સમયે વધુ ઉત્પાદન મળે તે માટે ખાસ પિયત આપવું જરૂરી છે. શિયાળામાં 10થી 15 દિવસે અને ઉનાળામાં 5થી 7 દિવસે અને ચોમાસામાં જરૂરિયાત પ્રમાણે પિયત આપવું જોઈએ.

લીંબુના પાકની વર્ષમાં બે ઊંડી ખેડ, એક વરસાદની ઋતુ પહેલાં અને બીજી વરસાદ પૂર્ણ થવામાં હોય ત્યારે કરવામાં આવે છે. દરેક પિયત પછી કરબડીથી હળવી ખેડ કરવાથી પાણી અને હવાની અવરજવરનો અવકાશ વધતાં ફાયદો થાય છે.

નીંદામણ-નિયંત્રણ માટે હાથની નીંદામણ કરવા ઉપરાંત 2 કિગ્રા.થી 5 કિગ્રા. ડ્યુરોન/500 લીટર પાણીના દરે નીંદામણ ઊગ્યા પહેલાં થડથી 30 સેમી.થી 40 સેમી. દૂર છંટકાવ કરવામાં આવે છે. દ્વિદળી નીંદામણ માટે ગ્રામોક્ઝોન 1.5 કિગ્રા. અને ડ્યુરોન 3.0 કિગ્રા.નો છંટકાવ ત્રણ મહિને એક વાર કરવાથી ફાયદો મળે છે. ઊભી નીંદામણના નિયંત્રણ માટે ગ્લાયસોફેટ 2.0 કિગ્રા./હેક્ટર 15 દિવસના અંતરે છંટકાવ કરવામાં આવે છે.

લીંબુના છોડમાં સમતલ જમીનથી 70 સેમી.થી 100 સેમી. સુધી એક જ થડની વૃદ્ધિ થવા દઈને 4થી 5 ડાળીઓ યોગ્ય અંતરે રહે તે રીતે ફૂટ થવા દેવાથી તેનો યોગ્ય આકાર જળવાઈ રહે છે. આ રીતે વિકાસ પામેલા છોડને પછીનાં વર્ષોમાં ભારે છટણીની જરૂરિયાત રહેતી નથી. આમ છતાં હળવી છટણી કરવાથી નવી ફૂટ સારી થાય છે અને ઘટેલા ઉત્પાદનમાં વધારો થાય છે. છટણીની સાથે પીલાં પણ કાપી લેવાં હિતાવહ છે. રોગ-જીવાતનું પ્રમાણ પણ અટકાવવા છટણી કરેલ ડાળીઓને બૉર્ડો-મિશ્રણ લગાવવામાં આવે છે.

લીંબુના પાકમાં જો કોઈ ખાસ સમયે વિશેષ માવજત આપવામાં આવે તો ફળ ચોક્કસ સમયે ઇચ્છિત પ્રમાણમાં મળ્યા કરે છે. સામાન્ય રીતે જાન્યુઆરી–ફેબ્રુઆરી માસમાં પુષ્પો બેસે છે અને જુલાઈ–સપ્ટેમ્બરમાં 60 % ફળો, ઑક્ટોબર–જાન્યુઆરીમાં 30 % ફળો અને ફેબ્રુઆરીથી મેમાં 10 % ફળો મળે છે. આમ ઉનાળા દરમિયાન બજારમાં લીંબુની ખૂબ માંગ અને ઊંચા ભાવ હોય ત્યારે ઉત્પાદન ઓછું થાય છે અને ચોમાસામાં ઉત્પાદન વધુ અને ભાવ ઓછા હોય છે. લીંબુની ખેતી વધુ નફાકારક બનાવવા ઉનાળામાં વધુ ફળ મળે તેવું આયોજન કરવું જરૂરી છે. આ માટે ચોમાસા પછી તુરત જ ખેડ અને ગોડ કરી જમીનને 20 દિવસ સુધી તપાવવામાં આવે છે. ત્યારબાદ ભલામણ પ્રમાણે ખાતર અને પિયત આપવાથી પુષ્પો આવવાની શરૂઆત થાય છે. જો પુષ્પોનું પ્રમાણ ઓછું મળે તો 10 પી.પી.એમ. 2, 4ડી (2, 4–ડાઇક્લૉરો ફિનૉક્સિ એસેટિક ઍસિડ) અથવા 50 પી.પી.એમ. એન.એ.એ.(નૅપ્થેલિન એસેટિક ઍસિડ)નો 1 % યુરિયાના દ્રાવણ સાથે છંટકાવ કરવામાં આવે છે. ફળ બેસી ગયા બાદ 2 % યુરિયા સાથે 20 પી.પી.એમ. એન.એ.એ.ના એક કે બે છંટકાવ કરવાથી ફળ ખરતાં અટકે છે અને કદ તેમજ વજનમાં વધારો થાય છે.

લીંબુના પાકને લાગુ પડતી જીવાતો અને તેને થતા રોગો આ પ્રમાણે છે :

હગારિયા ઇયળ : આ ઇયળ નાના છોડના કુમળાં પાન ખાઈને નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે 0.04 % મૉનોક્રોટોફૉસ અથવા ક્વિનાલફૉસનો છંટકાવ કરવામાં આવે છે. જો દવાનો છંટકાવ ન કરવો હોય તો ઇયળ વીણીને કેરોસીનમાં નાંખી નાશ કરવામાં આવે છે.

લીંબુનું પાનકોરિયું : આ કીટક કુમળા પાનમાં સર્પાકાર નુકસાન કરતાં પાન કોકડાઈ જાય છે. આથી છોડનો વિકાસ રૂંધાઈ જાય છે. તેના નિયંત્રણ માટે લેબેસીડ અથવા મૉનોક્રોટોફૉસનો છંટકાવ કરવામાં આવે છે.

સાયટ્રસ સાયલા : કીટક ઝાડના કુમળા ભાગમાંથી રસ ચૂસીને ઝાડને નબળું પાડે છે. તેના નિયંત્રણ માટે 10 મિલી. મૉનોક્રોટોફૉસ અથવા 20 મિલી. ક્વિનાલફૉસ અથવા 10 મિલી. ડાયમિથોએટનો છંટકાવ કરવામાં આવે છે.

બળિયાનો રોગ : લીંબુમાં થતા આ રોગથી પાન, ડાળી અને ફળ ઉપર બદામી રંગના ખરબચડા ડાઘા પડે છે; જેથી ફળનો બજારભાવ ઓછો મળે છે. આ રોગ જમીનમાં વધુ પડતા ભેજને કારણે થાય છે. તેના ઉપાય માટે છોડના રોગિષ્ઠ ભાગનો બાળીને નાશ કરવામાં આવે છે. બૉર્ડો-મિશ્રણનો છંટકાવ કરવાથી આ રોગનું નિયંત્રણ થાય છે.

ગુંદરિયાનો રોગ : આ રોગથી થડ અને ડાળીઓમાંથી ગુંદર જેવો રસ ઝરે છે. તેનાથી ઝાડ સુકાય છે અને ફળ ખરી પડે છે. આ રોગ વધુ પડતા ભેજને કારણે થતો હોઈ ખેતરની નિતારશક્તિ વધે તેવો પ્રયાસ કરવો જોઈએ.

અગ્રારંભી ક્ષય (ડાયબેક) : આ રોગની શરૂઆત ઝાડની ટોચથી શરૂ થઈ આગળ જતાં આખું ઝાડ 7થી 8 માસમાં સુકાઈ જાય છે. આ રોગ માટે ઘણાંબધાં કારણો હોઈ જમીનની પસંદગી, પોષક તત્વોનું પ્રમાણ, જીવાતનું નિયંત્રણ અને ખેતી-માવજત યોગ્ય રીતે કરવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.

લીંબુની રોપણી પછી શરૂઆતનાં 5થી 6 વર્ષ માટે કઠોળ જેવા કે બરસીમ, રજકો, ચોખા, મગફળી, મગ અને ગુવાર જેવા પાક ઉપરાંત શાકભાજીનાં પાકો અને ફૂલોની ખેતી કરવાથી વધુ નફો મેળવી શકાય છે; પરંતુ કોઈ પણ સંજોગોમાં વેલાવાળાં શાકભાજી તેમજ અનાજના પાકો આંતરપાક તરીકે લેવા હિતાવહ નથી.

લીંબુના ડીંટા પાસે છાલનો રંગ લીલામાંથી પીળો થાય ત્યારે ફળ ઉતારવામાં આવે છે. કેટલીક વાર વધુ વપરાશવાળા રસની જરૂરિયાતને અનુલક્ષીને પરિપક્વ ફળ લીલા રંગનાં પણ ઉતારવામાં આવે છે. લીંબુનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન 3,000થી 3,500 ફળ/વૃક્ષ, અને 7 વર્ષ જૂના છોડ પરથી 2,000થી 5,000 ફળ/વૃક્ષ (40 કિગ્રા.થી 70 કિગ્રા.) મળે છે. આમ, લીંબુનું 12થી 15 ટન/હેક્ટર ઉત્પાદન મળે છે. લીંબુનો 6થી 8 અઠવાડિયાંનો વધુ લાંબો સમય સંગ્રહ કરવા માટે 8.3° સે.થી 10.0° સે. તાપમાને અને 85 %થી  90 % ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે છે. ઘરાળુ સંગ્રહ માટે લોકો લીંબુને જમીનમાં દાટીને પણ 2થી 3 દિવસ વધારે સાચવી શકે છે.

લીંબુના 100 ગ્રા. ખાદ્ય ભાગનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 66.5 ગ્રા., પ્રોટીન 1.8 ગ્રા., મેદ 0.5 ગ્રા., કાર્બોદિતો 29.4 ગ્રા. અને ખનિજો 1.8 ગ્રા.; કૅલ્શિયમ 710 મિગ્રા., ફૉસ્ફરસ 60 મિગ્રા. અને લોહ 2.7 મિગ્રા. અને ઊર્જા 129 કિ.કૅલરી. ફળની છાલમાં અર્ગોસ્ટેરોલ હોય છે. થડની છાલ અને પર્ણના નિષ્કર્ષોમાં 1, 3–b–ગ્લુકેન હાઇડ્રોલેઝની હાજરી નોંધાઈ છે.

લીંબુ પ્રજીવકો, સાઇટ્રિક ઍસિડ, ફૉસ્ફોરિક ઍસિડ અને મેલિક ઍસિડ ખનિજો અને ઍલ્કેલાઇન ક્ષારો પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે; પરંતુ તેમાં ફળ-શર્કરાઓ ઓછી હોય છે. તેનો અથાણાં તેમજ શાકભાજીઓ, માછલી, માંસ અને સલાડનાં પરિપક્વન (seasoning) અને સુગંધીકરણ(flavouring)માં ઉપયોગ થાય છે. તે જામ, જેલી, મુરબ્બો અને કાર્બનડાયૉક્સાઇડ મિશ્રિત તેમજ કાર્બનડાયૉક્સાઇડ રહિત પીણાંઓ બનાવવામાં ઉપયોગી છે. શર્કરા સાથે લીંબુનો રસ ભેળવીને સ્ફૂર્તિદાયક શરબત તૈયાર કરવામાં આવે છે. ફળના રસને ગરમ કરી મરચું ઉમેરી સોસ બનાવવામાં આવે છે. લીંબુ પ્રજીવક ‘સી’નો સારો સ્રોત ગણાય છે. તે મૃદુવિરેચક (aperient), સંકોચક (astringent), જ્વરરોધી (antipyretic) અને પ્રશામક (sedative) ગુણધર્મો ધરાવે છે. ફળ પ્રતિરોધી (antiseptic), સ્તંભક (styptic) અને સ્વેદજનક (sudorific) હોય છે.

લીંબુનો રસ ‘કૉકટેઇલ’ (cocktail), લીંબુનું તેલ અને કૅલ્શિયમ સાઇટ્રેટ બનાવવામાં ઉપયોગી છે. લીંબુમાંથી લાઇમ કોર્ડિયલ, સૂકી કે જલરહિત લીંબુની છાલ અને ચૂર્ણ વગેરે બનાવાય છે. લીંબુનો રસ વાળ અને મોં ધોવા માટે અને ચામડીના લોશન તરીકે ઉપયોગમાં લેવાય છે. લીંબુનો તાંત્રિક કાર્યોમાં પણ ખાસ ઉપયોગ થાય છે.

તેની છાલનો મરીમસાલા તરીકે, ઢોરોના ખાણ તરીકે અને ધાતુનાં સાધનો સ્વચ્છ કરવામાં ઉપયોગ થાય છે.

આયુર્વેદ અનુસાર, કાગદી લીંબુ ખાટું, ઉષ્ણ, પાચક, દીપક, લઘુ, આંખને હિતકર, અતિરુચિકર, તીખું અને તૂરું હોય છે. તે કફ, વાયુ, ઉધરસ, ઊલટી, કંઠરોગ, પિત્ત, શૂળ, ત્રિદોષ, ક્ષય, મલસ્તંભ, બદ્ધગુદોદર, વિષૂચિકા, ગુલ્મ, આમવાત અને કૃમિનો નાશ કરે છે. તે પાકેલાં હોય તો વધારે ગુણવાળાં હોય છે.

તેનો ઉપયોગ અજીર્ણ ઉપર ભોજનના પહેલાં લીંબુ, આદું અને સિંધવ આપતાં અજીર્ણ દૂર થઈ અગ્નિ પ્રદીપ્ત થાય છે અને વાયુ, કફ, મલબદ્ધતા અને આમવાતનો નાશ થાય છે. કૉલેરા ફેલાયેલો હોય ત્યારે રોજ બે લીંબુનો રસ ભોજનમાં અથવા સાકર સાથે લેવાથી તેની દહેશત રહેતી નથી.

કૉલેરા થયો હોય ત્યારે લીંબુના રસમાં ડુંગળીનો રસ ઉમેરી તેનો શરબતી પાક બનાવી વારંવાર આપવામાં આવે છે અને શરીરે ચોળવામાં આવે છે. દાંતવણ અને અફીણને લીંબુના રસમાં લોખંડના તવા ઉપર ખરલ કરી આંખો ઉપર લેપ કરવામાં આવે છે. તેથી આંખોમાં થતી બળતરા, મળ, ખરજ, રતાશ વગેરે સર્વ નેત્રવિકારો દૂર થાય છે. પિત્તશમન થવા માટે લીંબુનો રસ અને સાકરનું સેવન કરવામાં આવે છે. લીંબુ અને મીઠું થર ઉપર થર કરી માટલામાં દાબી રાખ્યા પછી આથવામાં આવે છે. આને પાચક લીંબુ કહે છે, જે લેવાથી અજીર્ણ વિકાર દૂર થઈ અગ્નિ પ્રદીપ્ત થાય છે અને મોંમાં સ્વાદ આવે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નિચોવી, તેમાં ખાવાનો સોડા એક ગ્રા. જેટલો નાખી રોજ સવારે પીવાથી શરદી, દમ અને ઉધરસ કાબૂમાં રહે છે. લીંબુનો રસ રોજ ચહેરા ઉપર ઘસવાથી સૌંદર્ય ખીલે છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ