લીંબડી સત્યાગ્રહ : સૌરાષ્ટ્રમાં આઝાદીની ચળવળ દરમિયાન જવાબદાર રાજ્યતંત્ર માટે થયેલ પ્રજાકીય સત્યાગ્રહ. તે ઈ. સ. 1939માં થયો હતો. ગુજરાતમાં બ્રિટિશ હકૂમત હેઠળના પ્રદેશોમાં આઝાદીની ચળવળ ચાલતી હતી. પરંતુ સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં રાજાઓની સત્તા હોવાથી ત્યાં નાગરિક અધિકારો અને જવાબદાર રાજ્યતંત્ર માટે ચળવળ ચલાવવામાં આવતી હતી. સૌરાષ્ટ્રના રાજાઓ રૈયત ઉપર આપખુદ સત્તાઓ ધરાવતા અને એ અંગ્રેજોના મિત્ર હતા એટલે દેશી રાજ્યોમાં પ્રજાકીય ચળવળ ચલાવવાનું કામ ઘણું મુશ્કેલ હતું.
લીંબડી રાજ્યના રાજકીય નેતાઓ જવાબદાર રાજ્યતંત્રની માગણી કરતા હતા. તેથી ઠાકોરસાહેબ દોલતસિંહજી(1908–1940)ના મોટા પુત્ર યુવરાજ દિગ્વિજયસિંહજી અને કુમાર કારભારી (દીવાન) ફતેસિંહજીએ મુંબઈમાં રહેતા લીંબડીના આગેવાનોને 1938ના નવેમ્બરમાં લીંબડી આવી વાટાઘાટો કરવા આમંત્રણ આપ્યું. એના અનુસંધાનમાં એ આગેવાનો લીંબડી આવ્યા અને 24મી ડિસેમ્બર, 1938ના રોજ રસિકલાલ ઉમેદચંદ પરીખના નેતૃત્વ નીચે ‘લીંબડી પ્રજામંડળ’ની સ્થાપના કરી. એની સભ્યફી એક આનો (એટલે કે નવા 6 પૈસા) રાખવામાં આવી હતી.
લીંબડીના યુવરાજ અને કુમાર કારભારી લીંબડી શહેરનો વહીવટ પ્રજાના પ્રતિનિધિઓને સોંપવા તથા લીંબડી શહેરમાં રાજકીય પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવા તૈયાર હતા, પરંતુ લીંબડી રાજ્યનાં ગામોમાં આવી છૂટ આપવા તૈયાર ન હતા. તેથી આગેવાનો દ્વારા લડત કરવાનું નક્કી થયું. શિયાણી, પાણશીણા, રળોલ, બળોલ, પચ્છમ, બરવાળા, હડાળા વગેરે ગામોમાં લીંબડી પ્રજામંડળની શાખાઓ ખોલવામાં આવી. 1939ની 1લી જાન્યુઆરીએ કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવાહક સમિતિની બેઠક લીંબડીમાં મળી. તેના પ્રમુખ દરબાર ગોપાળદાસ દેસાઈ અને મંત્રી ઉછરંગરાય ઢેબરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તે દિવસે રાત્રે લીંબડીમાં જંગી સભા થઈ જેમાં શહેર અને આસપાસનાં ગામોમાંથી લગભગ 15 હજાર માણસોએ હાજરી આપી.
19મી ફેબ્રુઆરી, 1939ના રોજ લીંબડીમાં દરબાર ગોપાળદાસના પ્રમુખપદે પ્રજાકીય પરિષદ ભરવાનું નક્કી થયું. લીંબડી રાજ્યે એના પર પ્રતિબંધ મૂકવાને બદલે દમન અને અત્યાચારની નીતિ અપનાવી. પ્રજામંડળની સામે બ્રાહ્મણોના ‘સનાતન મંડળ’ અને મુસ્લિમોની ‘મુસ્લિમ જમાત’ની રચના કરવામાં આવી. પ્રજામંડળના આગેવાનોને લીંબડી રાજ્યનાં ગામોમાં નહિ જવાની ચેતવણી આપવામાં આવી. જાંબુ ગામમાં ભક્તિબા દેસાઈની મોટર ઉપર હુમલો કરવામાં આવ્યો. પાણશીણા, રળોલ, શિયાણી અને કરસનગઢના પ્રજામંડળના કાર્યકરોને મારવામાં આવ્યા અને એમની મિલકત લૂંટી લેવામાં આવી. પરિષદમાં ભાગ લેવા દરબાર ગોપાળદાસ, લીલાવતી મુનશી, શાંતિલાલ શાહ, જીવણલાલ દીવાન, અર્જુન લાલા વગેરે નેતાઓ લીંબડી આવ્યા હતા.
19મીએ બપોરે લીંબડીની સ્થાનકવાસી જૈન બોર્ડિંગમાં પ્રજા પરિષદ યોજાવાની હતી. એમાં ભાગ લેવા લીંબડી રાજ્યનાં ગામોમાંથી ઘણા ખેડૂતો અને વેપારીઓ આવ્યા હતા. પરંતુ પરિષદ શરૂ થાય એ પૂર્વે રાજ્યે રોકેલા માણસો લાઠીઓ તથા શસ્ત્રો સાથે લોકો પર તૂટી પડ્યા. એક કલાકમાં લગભગ 700 માણસોને ઘાયલ કરવામાં આવ્યા. છતાં આગેવાનોએ સ્થળ બદલી સ્થાનકવાસી જૈનોની ભોજનશાળામાં પરિષદ ભરી અને લીંબડી રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્રની માગણી કરતા તથા સામુદાયિક હિંસાને વખોડી કાઢતા બે ઠરાવો પસાર કર્યા.
લીંબડી રાજ્ય સામે આંદોલન શરૂ થયું હોવાથી એમાં સામેલ થનારા લીંબડી રાજ્યમાં રહી શકે તેમ ન હતા. તેમાંના ઘણા હિજરત કરી વઢવાણ કૅમ્પ (સુરેન્દ્રનગર), જોરાવરનગર અને વઢવાણ ગયા. ધોળકા પાસેના અરણેજ ગામની ધર્મશાળામાં હડાળા, દેવપરા, જસાપર, ઘનશ્યામપર અને અન્ય ગામોના હિજરતીઓ માટે કૅમ્પ ખોલવામાં આવ્યો. લીંબડી પ્રજામંડળે સમગ્ર હિંદમાં લીંબડી રાજ્યના રૂનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું.
હિજરત લંબાતાં હિજરતીઓની આર્થિક સ્થિતિ કફોડી બની. એ દરમિયાન લીંબડી રાજ્યના ઠાકોર દોલતસિંહજીનું 1940માં અને ઠાકોર દિગ્વિજયસિંહજીનું 1941માં અવસાન થયું. 13-5-1942ના રોજ લડતના સમાધાનનો એક પ્રયાસ થયો, પરંતુ છેલ્લી ઘડીએ નિષ્ફળ ગયો. અંતે વહીવટદાર જે. પી. નિકોલસનના સમયમાં 1943માં આ લડતનું આખરી અને સર્વસંમત સમાધાન થયું. આ સત્યાગ્રહમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની દોરવણી નીચે રસિકલાલ ઉમેદચંદ પરીખ, ચિમનલાલ ચકુભાઈ શાહ, બાપાલાલ કેશવલાલ દોશી, ભાઈલાલ મગનલાલ વકીલ, દુર્લભજી ઉમેદચંદ પરીખ, ભાઈચંદ જેચંદ મહેતા, ભગવાનલાલ હરખચંદ શાહ, અમૂલખ અમીચંદ મણિયાર, કેશવલાલ મૂળચંદ લગડીવાળા, દરબાર ગોપાળદાસ દેસાઈ, ભક્તિબા દેસાઈ, ચંચળબહેન દવે વગેરેએ નેતાગીરી સંભાળી હતી. આ સત્યાગ્રહ 1939થી 1943 સુધી ચાલ્યો અને એણે સમગ્ર ગુજરાત, મુંબઈ રાજ્ય તથા હિંદનું ધ્યાન દોર્યું હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી